અમદાવાદઃ વિશ્વની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા ઇફ્કોએ આજે તેના ડિજિટલ પ્લેટફોર્મ, ઇન્ડિયન કો-ઓપરેટિવ ડિજિટલ પ્લેટફોર્મ (આઇસીડીપી) દ્વારા સમગ્ર ભારતમાં તેની ખેત પેદાશોની વિના મૂલ્યે ઘરઆંગણે વિતરણ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પોર્ટલ ભારતની મુખ્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ૨.૫ કરોડની સંભ્યસંખ્યા ધરાવે છે. તેનો હેતુ આધુનિક ટેક્નોલોજીના સાધનો દ્વારા કાર્યક્ષમ પુરવઠા સાંકળનો સમન્વય સાધીની ગ્રામીણ ભારતમાં અદ્યતન ઇ-કોમર્સ અનુભવ અને લાભો પૂરા પાડવાનો છે. આ સેવા દ્વારા, ઇફ્કો ગ્રામીણ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં વસતાં ખેડૂતો સુધી પહોચશે અને સેવાઓ ઉપલબ્ધ કરાવશે, જે બાકીના દેશમાં અપ્રાપ્ય છે. ખેડૂતો હવે જળદ્રાવ્ય ખાતરો, કૃષિ-રસાયણો, જૈવિક-ખાતરો, બિયારણો, છોડ વર્ધકો અને અન્ય કૃષિ-આધારિત પેદાશો જેવી આવશ્યક કૃષિ પેદાશોની સમગ્ર શ્રેણી પ્રાપ્ત કરી શકશે. આ પેદાશો ૫ કિ.ગ્રા. સુધીના પેકેટમાં ઉપલબ્ધ રહેશે અને કોઇપણ વધારાના ખર્ચની વસૂલાત વગર પૂરી પાડવામાં આવશે. યુરિયા, ડીએપી, ડીપીક વગેરે જેવી પરંપરાગત કૃષિ પેદાશોનું વેચાણ ઓનલાઇન કરવામાં નહીં આવે. પોતાની રીતે આગવી ઔદ્યોગિક પહેલમાં આઇસીડીપી એવા આંતરિક ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સેવાઓ પૂરી પાડશે જ્યાં વર્તમાન પરિસ્થિતિમાં અગ્રણી ઇ-કોમર્સ ખેલાડીઓએ પણ તેમની સેવાઓ પૂરી પાડી નથી.
ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. યુ. એસ. અવસ્થીએ જણાવ્યું હતું કે, “ઇફ્કો ખાતે અમે અમારા સાથી ખેડૂતો માટે વધારે સારા ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્ન કરીએ છીએ. કૃષિ-વેપારને સરળ બનાવવા માટે મજબૂત ગ્રામીણ નેટવર્ક દ્વારા ખેડૂતોના ઘરઆંગણે અમારી આધૂનિક અને આગવી વિના મૂલ્ય સેવાઓની જાહેરાત કરતાં અમે ખરેખર ખૂબ આનંદ અનુભવીએ છીએ. ખેડૂતો અમારા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા એક બટન ક્લિક કરીને તરત જ કૃષિ પેદાશો પ્રાપ્ત કરવા સક્ષમ બનશે. આ ડિજિટલ સેવાના લાભો શક્ય હોય તેટલા ખેડૂતો સુધી પહોંચાડવાના હેતુ સાથે આઇસીડીપી તે દિશામાં કાર્ય કરી રહી છે. અમે ખેડૂતો માટે તાલીમ અને જાગૃતિ-નિર્માણ ઝૂંબેશ પણ શરૂ કરી છે, જ્યાં તેઓ ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટના માર્ગો અંગે જાણકારી મેળવી શકશે અને આ બાબત તેમને કેશલેસ વ્યવહારોના લાભો અંગે પણ શિક્ષણ પુરું પાડશે. આગામી દિવસોમાં અમે આ મંચને મજબૂત ડિજિટલ માર્કેટમાં પરિવર્તિત કરવાનું આયોજન કરી રહ્યાં છે, જ્યાં ખેડૂતો અને સહકારી સંગઠનો તેમના લાભોનો મોટા પ્રમાણમાં હિસ્સો પડાવી લેતા વચેટિયાઓ અને દલાલોના જટિલ ચક્રમાંથી પસાર થયા વગર જ તેમની પેદાશોનું ઓનલાઇન ખરીદ અને વેચાણ કરી શકશે. અમને આશા છે કે આ પહેલ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાભ પહોચાડશે અને આ ક્ષેત્રે રહેલા અવરોધોને કાયમી ધોરણે નાબૂદ કરશે.”
વડાપ્રધાને હાથ ધરેલી #ડિજિટલઇન્ડિયા અને કેશલેસ ઝૂંબેશની રૂપરેખા મુજબ ઇફ્કોએ તાજેતરમાં નવું પોર્ટલ “ઇન્ડિયન કો-ઓપરેટિવ ડિજિટલ પ્લેટફોર્મ” (URL: www.iffcobazar.in) શરૂ કર્યુ છે. આ પોર્ટલનો હેતુ ખેડૂતો/વપરાશકારો અને ઇફ્કો તથા તેની જૂથ કંપનીઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન અને વેપાર માટે મંચ પૂરો પાડવાનો છે. ઇફ્કોના ઇન્ડિયન કો-ઓપરેટિવ ડિજિટલ પ્લેટફોર્મ (આઇસીડીપી) નો હેતુ ઇફ્કોના તમામ ૫ કરોડ સભ્ય ખેડૂતો અને દેશમાં રહેલા ૩૬,૦૦૦ સહકારી સંગઠનોને એક મંચ પર લાવીને તેમને એક જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભેગા કરવાનો છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેલા ખેડૂતોને બાકીના વિશ્વ સાથે જોડવા માટે પ્રોત્સાહન પુરું પાડવા ઇફ્કો ખૂબ જ સક્રીય રહ્યું છે. ખેતીની તમામ બાબતોમાં લાભ માટે ઇન્ડિયન કો-ઓપરેટિવ ડિજિટલ પ્લેટફોર્મ ખેડૂતોને એક-બીજા સાથે જોડે છે અને તેમને વધુ માહિતીસભર જીવન તરફ દોરી જવામાં મદદ પૂરી પાડે છે. આ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઇફ્કોની ૨૦૨૦ ની પરિકલ્પનાનો એક ભાગ છે.
ઇન્ડિયન કો-ઓપરેટિવ ડિજિટલ પ્લેટફોર્મ એક સક્રીય ફેસબુક પેજ પણ ધરાવે છે. તેનો હેતુ ઇફ્કોની અંદર ચાલી રહેલા જુદા-જુદા અભ્યાસોને રજૂ કરવાનો અને ઉત્પાદન, સહકાર, વિતરણ, કૃષિની શ્રેષ્ઠ પદ્ધતિઓ જેવા વિષયોની સાથી ખેડૂત મિત્રો સાથે ચર્ચાને ઉત્તેજન આપવાનો છે. આ પેજને ૫ લાખથી વધુ લોકો અનુસરી રહ્યાં છે જેમાંથી મોટા ભાગના ખેડૂતો છે અને તેમાં સમગ્ર ભારતમાંથી ખેડૂતોની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. આ સિવાય પણ, સોશિયલ મીડિયાના વિવિધ મંચો ઉપર ઇફ્કોની અન્ય ડિજિટલ હાજરી ગ્રામીણ બજારોમાંથી સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી રહી છે જ્યાં ખેડૂતો તેમનો સક્રીય રસ દાખવી રહ્યાં છે.
ઇફ્કો અંતરિયાળ વિસ્તારોમાં પેદાશોના વપરાશ અંગે જાગૃતિ લાવવા માટે ડિજિટલ તાલીમ અભ્યાસ/સત્રોનો પણ સમાવેશ કરી રહી છે અને પેદાશો અને સેવાઓ સરળતાથી પ્રાપ્ત કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ અને કેશલેસ વ્યવહારોનો ઉપયોગ કરવા ખેડૂતોની કૂશળતા વિકસાવે છે. આ બાબત દેશના ખૂબ જ અંતરિયાળ વિસ્તારોમાં વસતાં ખેડૂતોને અર્ધ-શહેરી અને સામાન્ય શહેરી ખેડૂતોની સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે, જેઓ બજારની નજીક છે. આ વધારાના લાભ આ વિસ્તારોના ખેડૂતોની આર્થિક અને નાણાકીય પ્રાપ્તિને ઉત્તેજન પુરું પાડશે જેઓ ભારતીય ઉપખંડના ખૂબ જ આંતરિક અને અપ્રાપ્ય ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યાં છે.