નવીદિલ્હી : વધુ એક આતંકવાદી હુમલાની સ્થિતિમાં ભારતની સામે તમામ વિકલ્પો ખુલ્લા રહેશે. સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, જા હવે ફરી આતંકવાદી હુમલા કરવામાં આવશે તો ભારત જવાબી કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવ કરશે નહીં. સુત્રોએ એમ પણ કહ્યું છે કે, સરકાર ત્રાસવાદી માળખાને ખતમ કરવા પાકિસ્તાન દ્વારા લેવામાં આવી રહેલા કઠોર પગલા ઉપર પણ ભાર મુકશે. ભારતે પાકિસ્તાનની જવાબી કાર્યવાહી દરમિયાન તેના એક એફ-૧૬ વિમાનને તોડી પાડ્યા બાદ આ અંગેના પુરાવા અમેરિકાને પણ આપી દીધા છે. ભારતને વિશ્વાસ છે કે, અમેરિકા પણ આ વિષયમાં જારદાર તપાસ કરશે અને પાકિસ્તાનને વધુ મુશ્કેલીમાં મુકશે. અધિકારીઓના કહેવા મુજબ બાલાકોટ હુમલા બાદથી ભારત દ્વારા ત્રાસવાદના મુદ્દા પર પાકિસ્તાન પર વધુને વધુ દબાણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ભારતે ગઇકાલે જ કહ્યું હતુ કે, ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના સૌથી મોટા આતંકવાદી કેમ્પ ઉપર હુમલા બાદ પાકિસ્તાન તરફથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા. ભારતીય હવાઈ દળે આ હુમલાને નિષ્ફળ બનાવીને તેના એક વિમાનને તોડી પાડ્યું હતું. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. કાશ્મીરમાં કેટલાક લશ્કરી સ્થળોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભારતે પોતાની હવાઈ હુમલાની બિનલશ્કરી કાર્યવાહી તરીકે ગણાવીને પાકિસ્તાન ઉપર દબાણ વધાર્યું હતું. પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ બાલાકોટમાં ભારતે હવાઈ હુમલા કર્યા હતા.
બીજી બાજુ આજે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ભારતીય હવાઈ દળ દ્વારા જે જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા તે હુમલા લશ્કરી પગલારુપે ન હતા પરંતુ આતંકવાદી સામે કાર્યવાહી હતી. મિલિટ્રી એક્શન તરીકે ભારતે કાર્યવાહી કરી ન હતી. કારણ કે, આમાં કોઇ નાગરિકોને નુકસાન થયું ન હતું. સીતારામને આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વિદેશ સચિવ વિજય ગોખલે દ્વારા હવાઈ હુમલામાં કોઇ ખુવારીના આંકડા આપ્યા ન હતા.
તેઓએ માત્ર નિવેદન આપ્યું હતું. જેનાથી સરકારની સ્થિતિ સ્પષ્ટ થઇ હતી. ગોખલેએ ગયા સપ્તાહમાં જ કહ્યું હતું કે, બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ કેમ્પ ઉપર કરવામાં આવેલા હુમલામાં ખુબ મોટી સંખ્યામાં આતંકવાદીઓ, ટ્રેનર, સિનિયર કમાન્ડરોના મોત થયા છે. હવાઈ હુમલામાં મોતના આંકડાને લઇને વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે નિર્મલા સીતારામન દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર મોતના આંકડાને લઇને વિગત આપે તેવા વિપક્ષ તરફથી પ્રહારો બાદ આને લઇને રાજનીતિ થઇ રહી છે પરંતુ સરકાર, હવાઈ દળ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે કે, ભારતના હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હતા. સંરક્ષણમંત્રીએ આગામી લોકસભાની ચૂંટણીને લઇને હવાઈ હુમલા સાથે કોઇ સીધા સંબંધ હોવાનો આજે ઇન્કાર કર્યો હતો.