અમદાવાદ : બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન અમદાવાદ સહિત જિલ્લા સ્તરે જિલ્લા કક્ષાએ સીસીટીવી ફૂટેજમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને હિયરિંગમાં બોલાવીને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ હિયરિંગ વખતે પોતે કોપી કરી હોવાની નિખાલસપણે કબૂલાત કરી લે તે પછી પણ તેમને રાજ્ય કક્ષાની કચેરી સમક્ષ હાજર થવાનું હોય છે અને દૂરથી આવતા વિદ્યાર્થીને ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે પરંતુ પહેલી વાર બોર્ડે આ વર્ષે સ્થાનિક ડીઈઓ કચેરીને સત્તા આપી દેતા વિદ્યાર્થીએ હવે ગાંધીનગર સુધી આવવું પડશે નહીં.
બોર્ડે સ્થાનિક ડીઇઓ કચેરીને સત્તા આપતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ એક રીતે ઘણી રાહત થઇ છે. અમદાવાદ સહિત જિલ્લા સ્તરે જિલ્લા કક્ષાએ ગેરરીતિનો સ્વીકાર કર્યા બાદ સીસીટીવી ફૂટેજ અને વિદ્યાર્થીના નિવેદનના આધારે ઉમેદવાર પરીક્ષાના વાલીના સહકારથી જિલ્લા કક્ષાએ જ વિદ્યાર્થીની શિક્ષાનો નિર્ણય લેવાશે. જેમાં વિદ્યાર્થીનું નિવેદન બોર્ડના ફોર્મેટ પ્રમાણેનું લેવામાં આવશે. ગાંધીનગર આવવામાં મુક્તિ લેનારા વિદ્યાર્થીઓમાં મોટા ભાગે કાપલીમાંથી લખાણ લખતાં પકડાયેલા, કાપલીની હેરફેર કરતા, પ્રશ્નપત્ર કે ઉત્તરવહીની આપ લે કરતા મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે પકડાયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તેમની કબૂલાતના આધારે ડીઈઓ કચેરીમાં જ તેમને સજા આપી દેવામાં આવશે.
ત્યાર બાદ જે તે વિદ્યાર્થીએ રાજ્યની કમિટી સમક્ષ રજૂ થવું પડશે નહીં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા દરમિયાન કોપી કરતા પકડાયેલા તેમજ સીસીટીવી અને ટેબલેટના ફૂટેજમાં કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હિયરિંગ જે તે ડીઈઓ કચેરીમાં સ્થાનિક કક્ષાએ હાથ ધરાયુ હતું. જયારે વિદ્યાર્થીનો કેસ શકાસ્પદ જણાઈ રહ્યો હોય અને વિદ્યાર્થી કબૂલાત ન કરે અને સ્થાનિક સમિતિ ને જે તે વિદ્યાર્થીનો કેસ મજબૂત રીતે શંકાસ્પદ જણાશે તો તે વિદ્યાર્થીએ ત્યારબાદ રાજ્ય કમિટી સમક્ષ ગાંધીનગર હાજર રહેવું પડશે. જ્યાં સુધી તેને નિર્દોષ કે સજાપાત્ર જાહેર નહીં કરાય ત્યાં સુધી તેનું પરિણામ રિઝર્વ રાખવામાં આવશે. જે વિદ્યાર્થીને સ્થાનિક કક્ષાએ સજા આપી દેવામાં આવી હશે તે વિદ્યાર્થીનું નિવેદન અને સુધીનું રેકો‹ડગ બોર્ડની ગાંધીનગર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.