અમદાવાદ: રાજ્યમાં પરપ્રાંતિય લોકો પરના હુમલાને વખોડી કાઢીને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. સાથે સાથે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો પરપ્રાંતિય લોકો ઉપર હુમલા કરાવી લોકો વચ્ચે વૈમશ્ય ઉભુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતની લગભગ ૧૬૨ જેટલી નગરપાલિકામાં ભાજપાના ચૂંટાયેલા સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના આગેવાનો આ પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપાના સુશાશન તથા વિકાસલક્ષી કાર્યશૈલીને પરિણામે ગુજરાતમાં સતત છઠી વખત જનતા જનાર્દનના આશીર્વાદથી પ્રજાની સેવા કરવાની તક પ્રાપ્ત થઇ છે.
મુખ્યમંત્રી વિજય અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા સોપાનો સર કરી રહ્યું છે.ત્યારે નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યો પણ આ જનસેવાના કાર્યો અને સુશાશનની કાર્યપ્રણાલીને સુપેરે આગળ વધારી છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડી જનસુખાકારીના કાર્યો આગળ વધારતા રહે તે હેતુથી આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, દક્ષિણ ઝોનના જીલ્લાઓ જેવા કે, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, નર્મદા જીલ્લાની નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યો માટે પ્રશિક્ષણ શિબિર ગઇકાલે તારીખ ૪થીના રોજ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત મધ્યઝોનના જીલ્લાઓ જેવા કે, વડોદરા, છોટાઉદેપૂર, આણંદ,પંચમહાલ, મહિસાગર, દાહોદ અને ખેડામાં આવેલી નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ આજરોજ તારીખ ૫મીના રોજ યોજવામાં આવી રહ્યો છે.
ઉત્તર ઝોનના જીલ્લાઓ જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ બનાસકાંઠાની નગરપાલિકાઓમાં ભાજપાના ચૂંટાયેલા સભ્યનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૬ઠીના રોજ યોજવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર ઝોનના જીલ્લાઓ જેવા કે, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૭મીના રોજ યોજવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર ઝોનના અન્ય જીલ્લાઓ જેવા કે, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બોટાદની નગરપાલિકાઓના ભાજપાના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૮મીના રોજ યોજવામાં આવનાર છે. દરમિયાન ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાએ રાજ્યમાં પરપ્રાંતીય લોકો પર થયેલા હુમલાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષોથી જુદા જુદા પ્રાંતના લોકો હળીમળીને રહે છે.ગુજરાતના વિકાસમાં ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય લોકોનું પણ અમુલ્ય યોગદાન રહેલું છે. ગુજરાતમાં રહેતા તમામ જ્ઞાતિ-જાતી કે ધર્મ તથા વિવિધ ભાષા ધરાવતા લોકો વર્ષોથી સુખ-શાંતિ અને સલામતીનો અનુભવ કરી રહ્યાં છે.
પરંતુ ઘણાં વર્ષોથી ગુજરાતમાં સતાથી દુર રહેલી કોંગ્રેસ પોતાની સતા ભૂખ સંતોષવા માટે છેલ્લાં ઘણાં સમયથી જાતજાતના પેંતરા રચી ગુજરાતની શાંતિ ડહોળવાના હીન પ્રયાસો કરી રહી છે.ક્યારેક અનામતના નામે જ્ઞાતિ-જાતી વચ્ચે વેરઝેર ફેલાવવા કે પછી ક્યારેક ધર્મના નામે લોકોની ઉશ્કેરણી દ્વારા કોંગ્રેસીઓ પોતાની મેલી મુરાદ પાર પાડવાના નિષ્ફળ પ્રયત્નો કરતી રહે છે. જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો તથા કોંગ્રેસના કાર્યકરો પરપ્રાંતીય લોકો પર આ પ્રકારના હુમલાઓ કરાવીને લોકો વચ્ચે વૈમનસ્ય ઉભુ કરીને ગુજરાતમાં દંગા અને તોફાન કરાવવાના પેંતરાઓ આદરી રહ્યા છે.ગુજરાતના વિકાસમાં સૌનો સાથ અને સૌનો વિકાસ સમાયેલો છે.
ગુજરાતમાં અન્યના રાજ્યોના નાગરિકો પણ હળીમળીને રહે છે ત્યારે આ પ્રકારનું વૈમનસ્ય ઉભુ થાય તે ગુજરાતના વિકાસ માટે નુકશાનકર્તા છે. કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા અને ગુજરાતના શાંત વાતાવરણને ડહોળવાના હલકા પ્રયાસો કરે છે તે કમનસીબ છે. સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતીઓ વસે છે અને ગુજરાતમાં પણ દેશ અને દુનિયાનાં લોકો વસે છે.તે ધ્યાને લઇને પણ ગુજરાતમાં સૌ એ ભાઇચારાથી રહેવું જોઇએ. જાડેજાએ અંતમાં જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત સરકારે બળાત્કારના બનેલા કિસ્સામાં તરત જ પગલાં ભરીને ગુનેગારની ધરપકડ કરી છે.