ના કોઈની રોક-ટોક, ના કોઈની કચકચ અને ના કોઈ હોમવર્ક અને ના કોઈ ટેસ્ટની ઝંઝટ, બધું પત્યું. હવે તો સિંહ પાંજરાની બહાર, હવે મજા પડશે જિંદગી જીવવાની, સ્કુલ લાઈફ પૂરી, માસ્તરના ડર, પ્રિન્સીપલના ફિઝૂલના ભાષણ, સ્કુલના ગણવેશ સ્કુલના બેલનો તીણો અવાજ અને પેલા પટાવાળાની દાદાગીરીમાંથી આઝાદ, હવે તો જીવાશે કોલેજ લાઈફ, નાઉ ઇટ્સ ટાઈમ ફોર ગોલ્ડન લાઈફ. કેમ ખરુંને??!!
ભવિષ્ય એટલું તો ભવ્ય લાગ્યું કે પેલો ભૂતકાળતો પાછળ જ રહી ગયો, પાછું વળીને જોવાની ફિકર પણ ના રહી અને કદાચ એ પાછુ વળીને જોવાની હિમ્મત નહિ ચાલી હોય એમ પણ બને …
‘મા’ ના સ્તર જેવા એ શિક્ષિકાબહેન તમારા વિદાયનાં દિવસે ધ્રુશકે ને ધ્રુશકે રડ્યા હશે પણ તેની તમને જાણ નહિ હોય, ઉદ્યોગના લેકચર વાળા બહેને તમને જુનામાંથી નવું બનાવતા શીખવ્યું હશે પણ એ ભૂલાઈ ગયું, ડ્રોઈંગ ટીચરે પહેલી વાર તમારો પેન્સિલ પકડેલો હાથ ઉપર પોતાનો હાથ મુકીને તમને ફ્રી હેન્ડ દોરતા શીખવ્ય હતું એ યાદ છે? અંગ્રેજીના માસ્તરે નીબંધમાંથી ભૂલો એટલે શોધી હશે કે તમે કંપનીના મોટા લેટર લખતી વખતે ભૂલ નાં કરો, ગુજરાતીના સાહેબે મોટેથી કવિતાઓ એટલા માટે ગવડાવી હશે કે તમે સારા ગાયક બની શકો, પટાવાળા ભાઈની દાદાગીરી તો રહેશે જ કારણક કે સમયસર સ્કુલે નહિ આવો તો સ્કુલના દરવાજે એન્ટ્રી નહિ જ મળે એ ડર જ તમને સમયસર સ્કુલે પહોંચાડતો હતો, આવી દાદાગીરી કરવાના શાળાએ કોઈ એક્સ્ટ્રા પૈસા નહોતો ચૂકવ્યો એને, પણ હા!! સમયસુચકતાનું લેશનતો એણે જ તમેને કરાવ્યું છે એ યાદ છે?!!. તમારા શરીરના બાંધાને વધુ મજબુત કરવા પી.ટી.નાં સાહેબે બહુ દાવ કરાવ્યા છે… અને હા, બોર્ડની પરીક્ષા પહેલા મારી મચેડીને તમારી પાછળ પડી ગયેલા પેલા શિક્ષકોને તમારા માર્ક્સમાં કદાચ તમારા કરતા વધારે રસ હતો એટલે જ પોતે તૂટી તમને સાચવવાના પ્રયત્નો કર્યા છે અમેને ભૂલી નાં જતા,, આવા તો ઘણા ઉપકારો છે તમારી ઉપર તમારી શાળાના. કાલી ઘેલી ભાષામાંથી ફ્લ્યુઅન્ટલી બોલતા શીખવનારએ શાળા છે, તમારી નાદાનીના વર્ષોથી લઈને તમારી સમજણની પુખ્તતા જ્યાં આકાર પામી છે એ સમય માટે તમારી શાળા પળે પળની સાક્ષી છે..
બાઈક, ગોગલ્સ, લેક્ચર્સ, મસ્તી, સ્ટાઈલ, ફ્રેન્ડસ અને પાર્ટીઓની અનોખી કોલેજ લાઇફમાંથી ફુરસત મળે તો એકાદ વખત તમારી રાહમાં અડીખમ ઉભેલી સ્કૂલને એક વાર મળી આવજો.., આઉટ ઓફ સ્ટેશનથી પાછા ફર્યા પછી ક્યારેક જો ફ્રી થાવ અને સમય હોય તો જે શાળાની દુનિયામાં જિંદગીના અમુલ્ય વર્ષો વિતાવ્યા છે તે યાદ કરીને કાગળ પર તમારી યાદોના ઘોડા દોડાવશો તો ખબર પડશે કે આંખોના કોઈ ખૂણામાં ઘોડાપુર સંતાઈ ને બેઠું છે..
છેલ્લે… શાળા પાસે થી પસાર થતા જોયુ કે મને બનાવતા બનાવતા એ કેટલી જર્જરિત થઇ ગઈ છે..
– નિરવ શાહ