અમદાવાદ : ભાજપ દ્વારા લોકસભા-૨૦૧૯ની ચૂંટણીઓ પહેલાં મહત્વની ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે આગામી તા.૨૧ અને ૨૨મી ડિસેમ્બરના રોજ અડાલજ પાસે ત્રિમંદિર નજીકના વિશાળ મેદાન ખાતે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે, તેને લઇ ભાજપ અને તેના હજારો કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના વિવિધ રાજયો અને ખૂણેખૂણામાંથી ભાજપની મહિલા કાર્યકરો અને સંગઠનની બહેનોએ ગુજરાતમાં અમદાવાદ આવવાનું શરૂ કરી દીધું છે. તેમના માટે ભાજપ દ્વારા રહેવા, જમવા સહિતની વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બે દિવસના આ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૨મી ડિસેમ્બરે ભાજપની મહિલા કાર્યકરો અને સંગઠનની બહેનોને મહત્વપૂર્ણ સંબોધન કરશે અને તેઓનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે. મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી અંદાજે ૨૫ હજારથી વધુ મહિલાઓ-બહેનો ભાગ લે તેવી શકયતા છે એમ અત્રે ભાજપના સ્થાનિક નેતા અને નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી અને મહામંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં મહિલાઓ તેમ જ સામાજિક અને આર્થિક સશકિતકરણ માટે કામ કર્યું છે. ઉજ્જવલા યોજનાથી મફત ગેસ કનેકશન, સૌભાગ્ય યોજનાથી ટીકાકરણ, આયુષ્યમાન યોજનાથી ઉપચાર, મુÂસ્લમ મહિલાઓ માટે ત્રિપલ તલાક ખતમ કરવા સહિતની પહેલ કરી નવા ભારતના નિર્માણ માટે વડાપ્રધાન મોદીએ એક નવી તસવીર રજૂ કરી છે. આગામી તા.૨૧ અને તા.૨૨ ડિસેમ્બર દરમ્યાન અડાલજ પાસે ત્રિમંદિર નજીકના વિશાળ મેદાનમાં ભાજપ મહિલા મોરચાનું આ રાષ્ટ્રીય અધિવેશન મળનાર છે. જેમાં ભાજપની મહિલા નેતાઓ, પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્ય બહેનો, મહિલા ધારાસભ્યો, મહિલા સાંસદ, મહિલા મેયર સહિતની હજારો કાર્યકર બહેનો હાજર રહેશે. મહિલાઓના આ રાષ્ટ્રીય અધિવેશનમાં મહિલા કેન્દ્રીય મત્રીઓ પણ હાજરી આપે તેવી શકયતા છે.
આ સિવાય કેન્દ્રીય નેતાઓ અને મંત્રીઓની મુલાકાત લેવાય તેવી પણ સંભાવના છે. ભાજપના સ્થાનિક નેતા અને નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી, મહામંત્રી મુકેશભાઇ પટેલ અને નવા વાડજ વોર્ડના ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ મહિલા મોરચાના આ રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષના સંગઠનના વિષય, નવા ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા, આગામી લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા કેન્દ્રસ્થાને, ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન સહિતના વિષયોને લઇ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન મોદી ભાજપની મહિલાઓ-બહેનોને બહુ ઉપયોગી માર્ગદર્શન આ રાષ્ટ્રીય અધિવેશનમાં આપવા ખાસ હાજરી આપશે તે સૌથી નોંધનીય બાબત છે. હાલ અધિવેશનને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, દેશના વિવિધ રાજયો અને ખૂણેખૂણેથી ભાજપની મહિલા કાર્યકરો, બહેનો, સંગઠનની આગેવાન મહિલા નેતાઓ વગેરે અમદાવાદ આવી રહ્યા છે. તા.૨૧ અને ૨૨ ડિસેમ્બરના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને લઇ દેશભરમાંથી આવેલી આ હજારો બહેનોને કાર્યક્રમના સ્થળે લઇ જવા વાહનો અને પરિવહનની પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે. કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે, જે પૂર્ણતાના આરે છે. મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને લઇ ભાજપની મહિલા વર્તુળમાં ભારે ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે.