અમદાવાદ:જૂનાં અને નવાં તમામ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત તા.૩૧ જાન્યુઆરી સુધીની હતી, તેને રાજય સરકાર દ્વારા વધુ એકવાર લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારે હવે તા.૨૮ ફેબ્રુઆરી સુધી નંબરપ્લેટ લગાવવાની મુદત વધારી છે. અમદાવાદમાં આશરે સાડા ચાર લાખથી વધુ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી છે. આ જ પ્રકારે રાજયના વડોદરા, સુરત, રાજકોટ સહિતના અન્ય શહેરોમાં પણ એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી હોય તેવા વાહનોની સંખ્યા પણ લાખોમાં થવા જાય છે.
સુપ્રીમકોર્ટના નિર્દેશોના પાલનના ભાગરૂપે જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત હોઇ રાજય સરકાર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓ તંત્રની મદદથી એચએસઆરપી લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમાં હજુ સુધી જાઇએ તેવી સફળતા મળી નથી. જૂનાં અને નવાં વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવા અગાઉ છ-છ વખત મુદ્દત વધારવામાં આવી હતી. છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી નક્કી કરાઈ હોવા છતાં લોકો નંબરપ્લેટ લગાવવા ઉદાસીન રહ્યા છે. વધુ એકવાર મુદત લંબાવવામાં આવતા હવે લોકો જાગ્રત થાય છે કે કેમ તેના પર સવાલ છે.
નંબરપ્લેટ વિનાનાં બાઈકને રૂ. ૧૦૦, થ્રી વ્હીલરને રૂ. ૨૦૦, ફોર વ્હીલરને રૂ. ૩૦૦ અને અન્ય ભારે વાહનોને રૂ. ૫૦૦નો દંડ ફટકારવામાં આવે છે, ત્યારે હવે નાગરિકોએ ખાસ કરીને વાહનચાલકોએ જાગૃતતા કેળવી વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવી દેવડાવવી જાઇએ. ખુદ આરટીઓ તંત્રએ વાહનચાલકો અને નાગરિકોની સરળતા માટે તેમના એરિયામાં જે તે સોસાયટી કે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા તેમના લેટરપેડ પર જા આરટીઓ તંત્રને એચએસઆરપી લગાવવા પત્ર મારફતે માંગણી કરે તો, તંત્ર દ્વારા તે વિસ્તારમાં જે તે સોસાયટી, એપાર્ટમેન્ટ કે ફલેટના રહીશો માટે તેમના ઘરઆંગણે જ એચએસઆરપી કેમ્પ યોજવાની જાગવાઇ પણ કરી છે, જા કે તેનો લાભ પણ લેવામાં હજુ વાહનચાલકો-નાગરિકો ઉદાસીનતા દાખવી રહ્યા છે.