અમદાવાદ : સરકારે તમામ વાહનોમાં એચએસઆરપી ફરજિયાત બનાવ્યાના સાત મહિના બાદ પણ હજુય કરોડો વાહનોમાં નંબર પ્લેટો બદલવાની બાકી છે, ત્યારે ફરી એક વખત તેના માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આમ તો આજે તા.૩૧ જુલાઈએ તેની મુદ્દત પૂરી થઈ રહી હતી, પરંતુ હવે સરકાર દ્વારા એચએસઆરપી લગાવવાની મહેતલમાં વધારો કરી છેલ્લી તારીખ લંબાવીને તા.૩૧ ઓગસ્ટ, ૨૦૧૮ કરવામાં આવી છે.
એચએસઆરપી લગાવવાની મુદતમાં વધારો કરવામાં આવતાં આમજનતાએ રાહતનો દમ લીધો હતો. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો, શહેરમાં જ હજુ સાડા આઠ લાખથી પણ વધુ વાહનોમાં નંબર પ્લેટ બદલવાની બાકી છે. અમદાવાદમાં હજુ સુધી માત્ર ૧.૮૫ લાખ ટુ વ્હીલર, ૮૮ હજાર કાર અને ૬૪ હજાર કોમર્શિયલ વાહનોમાં જ નવી નંબર પ્લેટ ફીટ કરવામાં આવી છે. જ્યારે, સમગ્ર રાજ્યમાં ૨૯ લાખ વાહનોમાં જ એચએસઆરપી ફીટ થઈ શકી છે.
એક તરફ, સરકાર વાહનોના ડીલર સાથે ટાઈ-અપ કરી આ કામગીરી માટે લોકોને પરેશાન ન થવું પડે તેવા પગલાં લેવાયા હોવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ હકીકત એ છે કે હજુય ઘણા વાહન ડીલરો જુના વાહનોમાં એચએસઆરપી નથી નાંખી આપતા, જેના કારણે લોકોને ફરજિયાતપણે આરટીઓનો ધક્કો ખાવો પડે છે. આરટીઓમાં પણ ઓનલાઈન પેમેન્ટને બદલે રૂબરૂ જઈને જ નવી નંબર પ્લેટ માટે ફી ભરવી પડે છે, જેના કારણે લોકોને લાંબો સમય સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે, અને ફી ભર્યા બાદ અપોઈન્ટમેન્ટનો મેસેજ આવે ત્યારે નંબર પ્લેટ નખાવવા માટે પણ ફરી આરટીઓમાં જવું પડે છે, અને તેમાં પણ લાંબો સમય રાહ જોવી પડે છે. જે નંબર પ્લેટ નાખવામાં આવી રહી છે તેની ક્વોલિટી પણ સાવ ઉતરતી કક્ષાની હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. તેમાંય ટુ વ્હીલરમાં તો વાહન પડી જાય કે પછી હળવી ટક્કર થાય તો પણ નંબર પ્લેટ વળી કે તૂટી જતી હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ તેમની ફરિયાદ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, એચએસઆરપી નંબર પ્લેટ એ વાહનમાં કિંમતી અંગ કહી શકાય અને તેની ગુણવત્તામાં સત્તાવાળાઓ દ્વારા કોઇ સમાધાન થવું ના જાઇએ. ખરેખર તો, એચએસઆરપી નંબર પ્લેટમાં ઉત્કૃષ્ટ કવોલિટીયુકત મટીરીયલ્સ વાપરવું જોઇએ અને પબ્લીકને સુરક્ષાની ખાતરી સાથેની કવોલિટીવાળી એચએસઆરપી નંબર પ્લેટ પૂરી પાડવાની આરટીઓ સત્તાવાળાઓની વૈધાનિક અને નૈતિક ફરજ બને છે. બીજીબાજુ, એચએસઆરપી લગાવવાની મુદત આજે પૂર્ણ થતી હોઇ રાજય સરકાર દ્વારા તેની મહેતલમાં વધારો કરી વધુ એકવાર આ મુદત લંબાવાઇ છે અને તા.૩૧મી ઓગસ્ટ સુધીની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે.