ગુજરાતમાં હાલ ઉનાળોની તપી રહ્યો છે. લોકો માથા ફાડી નાખે એવી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમુક જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગાહીકારો આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરતા હોય છે. વાતાવરણમાંથી મળતા અલગ અલગ સંકેતોને ધ્યાને લઈને હવામાન નિષ્ણાંતો ચોમાસાનો વરતારો કાઢતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આ વખતે આગાહીકાર મોહનભાઈ દલસાણિયાનું ચોમાસાને લઈને શું અનુમાન છે. જણાવી દઈએ કે, મોહનભાઈ દલસાણિયા જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહી કરે છે.
આ વખતે ચોમાસાને લઈને ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. આગાહીકાર મોહનભાઈ દલસાણિયાના અનુમાન આગામી ચોમાસું ખંડવૃષ્ટિવાળુ રહી શકે છે. હવામાન નિષ્ણાંતો વાતાવરણના અલગ અલગ સંકેતોને ધ્યાને લઈને ચોમાસાનો વરતારો કાઢતા હોય છે. જેમાં વનસ્પતિ પર નેગેટિવ અસર, દનૈયાની સ્થિતિ, હુતાસણીના પવન, અખાત્રીજના પવન અને કસની નોંધ વગેરેને ધ્યાનમાં રાખી ચોમાસાની આગાહી કરાતી હોય છે.
વનસ્પતિ પર અસર
આ વર્ષે હવામાન અનબેલેન્સ અને વરસાદ માટે ખંડવૃષ્ટિવાળુ રહેવાની શક્યતા છે. કારણ કે વનસ્પતિ અને કસ કાતરા નબળા બંધાયેલા છે. લીમડામાં મોર ઓછો અને લીંબોળી નહિવત પાછતરી બંધાયેલી છે. બોરડીમાં મોર હતો પણ નહિવત હતો. ખાખરામાં કેસુડા હતા, પડિયા પણ હતા પણ પડિયામાં એક જ બીજ બંધાયેલું હતુ. એટલા માટે ચોમાસુ નબળુ અથવા ખંડવૃષ્ટિવાળું રહેવાની શક્યતા છે.
ચૈત્ર દનિયા
ચૈત્ર દનિયા તારીખ 18-4-2025 થી તારીખ 25-4-2025 સુધીના – પહેલું દનિયું સારુ રહેવા પામેલ છે. પછીના દરેક દનિયામાં સવારે ઝાકળ અને ઠંડુ, બપોરના સખત ગરમી હતી. આવું બને તો કોરા આકરા દનિયું ન તપે. આ વિસંગતતા આ વર્ષે જોવા મળી છે.
હુતાસણીનો પવન
હુતાસણીનો પવન પશ્ચિમથી પૂર્વનો હતો જે સારી બાબત છે. પરંતુ આખા સૌરાષ્ટ્રમાં હતો કે કેમ તે જાણી શકાયું નથી. ગોંડલ બાપુનો ગામડેથી ફોન હતો કે ત્યાં દક્ષિણ વાયું હતો એટલે ખંડ વૃષ્ટિ થાય.
અખાત્રીજનો પવન
અખાત્રીજનો પવન સારો હતો. વાયવ્ય અને પશ્ચિમ વાયું હતો તે પણ આખા સૌરાષ્ટ્રમાંથી જાણવા મળેલ નથી. અખાત્રીજની સાંજે સૂર્ય આથમવાનું અંતર સારુ હતુ પણ ગયા વર્ષ કરતા આ વર્ષે સૂર્ય દક્ષિણ બાજુ વધારે હતો. ગયા વર્ષ કરતા બપોરનો પડછાયો બે ઈંચ ઓછો હતો એટલે કે ગયા વર્ષે ઉત્તર બાજુ પાંચ ઇંચ હતો. આ વર્ષે ઉત્તર બાજુ 3 ઇંચ પડછાયો હતો.
કસની નોંધ
કસની નોંધ અનુસાર આ વર્ષે કસ બંધાયા તેનાથી 205 દિવસ ગણતા નીચેની તારીખોમાં વરસાદ થાય તેવું અનુમાન છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની 50 ટકા અછત રહી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં પડે. વાવણીનો વરસાદ 17 જૂન આસપાસ સંભવ છે. 27 જૂનથી 7 જૂલાઈ સુધી વરસાદની શક્યતા છે. જુલઈમાં 11 તથા 14થી 19 સુધી વરસાદ પડી શકે છે. 24 થી 26 જુલાઈ સુધી પણ વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં વરસાદ 15 દિવસ રહી શકે છે.