


આ વર્ષે હવામાન અનબેલેન્સ અને વરસાદ માટે ખંડવૃષ્ટિવાળુ રહેવાની શક્યતા છે. કારણ કે વનસ્પતિ અને કસ કાતરા નબળા બંધાયેલા છે. લીમડામાં મોર ઓછો અને લીંબોળી નહિવત પાછતરી બંધાયેલી છે. બોરડીમાં મોર હતો પણ નહિવત હતો. ખાખરામાં કેસુડા હતા, પડિયા પણ હતા પણ પડિયામાં એક જ બીજ બંધાયેલું હતુ. એટલા માટે ચોમાસુ નબળુ અથવા ખંડવૃષ્ટિવાળું રહેવાની શક્યતા છે.

ચૈત્ર દનિયા તારીખ 18-4-2025 થી તારીખ 25-4-2025 સુધીના – પહેલું દનિયું સારુ રહેવા પામેલ છે. પછીના દરેક દનિયામાં સવારે ઝાકળ અને ઠંડુ, બપોરના સખત ગરમી હતી. આવું બને તો કોરા આકરા દનિયું ન તપે. આ વિસંગતતા આ વર્ષે જોવા મળી છે.

હુતાસણીનો પવન પશ્ચિમથી પૂર્વનો હતો જે સારી બાબત છે. પરંતુ આખા સૌરાષ્ટ્રમાં હતો કે કેમ તે જાણી શકાયું નથી. ગોંડલ બાપુનો ગામડેથી ફોન હતો કે ત્યાં દક્ષિણ વાયું હતો એટલે ખંડ વૃષ્ટિ થાય.

અખાત્રીજનો પવન સારો હતો. વાયવ્ય અને પશ્ચિમ વાયું હતો તે પણ આખા સૌરાષ્ટ્રમાંથી જાણવા મળેલ નથી. અખાત્રીજની સાંજે સૂર્ય આથમવાનું અંતર સારુ હતુ પણ ગયા વર્ષ કરતા આ વર્ષે સૂર્ય દક્ષિણ બાજુ વધારે હતો. ગયા વર્ષ કરતા બપોરનો પડછાયો બે ઈંચ ઓછો હતો એટલે કે ગયા વર્ષે ઉત્તર બાજુ પાંચ ઇંચ હતો. આ વર્ષે ઉત્તર બાજુ 3 ઇંચ પડછાયો હતો.

કસની નોંધ અનુસાર આ વર્ષે કસ બંધાયા તેનાથી 205 દિવસ ગણતા નીચેની તારીખોમાં વરસાદ થાય તેવું અનુમાન છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની 50 ટકા અછત રહી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં પડે. વાવણીનો વરસાદ 17 જૂન આસપાસ સંભવ છે. 27 જૂનથી 7 જૂલાઈ સુધી વરસાદની શક્યતા છે. જુલઈમાં 11 તથા 14થી 19 સુધી વરસાદ પડી શકે છે. 24 થી 26 જુલાઈ સુધી પણ વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં વરસાદ 15 દિવસ રહી શકે છે.