નવી દિલ્હી: આજકાલ લગભગ દરેક સરકારી યોજનામાં આધાર કાર્ડની જરૂર પડે છે. જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ LPG કનેક્શન સાથે લિંક નથી કરાવ્યું, તો તમને ગેસ સબસિડીનો લાભ નહીં મળે. તેથી આધાર સાથે LPG કનેક્શન લિંક કરાવવું જરૂરી છે. આની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા ઓનલાઈન આ કામ કરી શકો છો. તો ઓફલાઈન પણ આ કામ સરળતાથી થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે ગેસ કનેક્શન પર સબસિડી કેવી રીતે મળે છે અને કોને મળે છે. સાથે જ એ પણ જણાવીશું કે કોને સબસિડી નથી મળતી અને કયા કારણોસર ક્યારેક સબસિડીના પૈસા અટકી શકે છે.
કેટલી મળે છે LPG સબસિડી?
સરકાર તરફથી ઘરેલું ગેસ પરની સબસિડી સીધી ગ્રાહકના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં મોકલવામાં આવે છે.
સામાન્ય એલપીજી કનેક્શન ધરાવતા લોકોને એક સિલિન્ડર પર આશરે 79 રૂપિયાની સબસિડી મળે છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીની રકમ આશરે 300 રૂપિયા સુધી હોય છે.
એક વર્ષમાં મહત્તમ 12 સિલિન્ડર પર જ સબસિડીનો લાભ આપવામાં આવે છે. પરંતુ આ લાભ ફક્ત તે જ ગ્રાહકોને મળે છે જેમની કુટુંબની આવક (પતિ-પત્નીની સંયુક્ત આવક) 10 લાખ રૂપિયાથી ઓછી હોય.
LPG સબસિડી કોને મળવા પાત્ર નથી?
સરકારે વર્ષ 2015માં ‘Give It Up’ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં આર્થિક રીતે સક્ષમ લોકોને સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરવામાં આવી હતી.
2016માં નિયમ બનાવવામાં આવ્યો કે જેમની વાર્ષિક કુટુંબની આવક 10 લાખ રૂપિયાથી વધુ હશે, તેમને સબસિડી નહીં મળે.
કેમ અટકી જશે LPG સબસિડીના પૈસા?
લોકો ઘણીવાર ગેસ બુકિંગ કરે છે અને પછી ખાતામાં સબસિડી આવવાની રાહ જુએ છે. પરંતુ ક્યારેક સબસિડીના નાણાં અચાનક બંધ થઈ જાય છે. આના પાછળ ઘણાં કારણો હોઈ શકે છે.
જો તમારું આધાર એલપીજી કનેક્શન અને બેંક ખાતા સાથે લિંક નથી અથવા e-KYC પૂર્ણ નથી થયું.
જો તમારું બેંક એકાઉન્ટ ઈનએક્ટિવ અથવા બંધ થઈ ગયું હોય.
જો તમારું એલપીજી કનેક્શન લાંબા સમયથી ઉપયોગમાં નથી લેવાયું અને તે નિષ્ક્રિય થઈ ગયું હોય.
આધાર કાર્ડ સાથે LPG કનેક્શન કેવી રીતે લિંક કરવું?
આ માટે https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx પર જાઓ.
અહીં એલપીજી કંપની (ઈન્ડેન, ભારત ગેસ અથવા HP ગેસ) પસંદ કરો.
ડિસ્ટ્રિબ્યુટર અને ગ્રાહક નંબર (કન્ઝ્યૂમર નંબર) દાખલ કરો, પછી આધાર નંબર અને મોબાઈલ નંબર નાખો.
OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારા મોબાઈલ અને ઈમેલ પર કન્ફર્મેશન આવી જશે.
આધાર સાથે LPG કનેક્શન લિંક કરવાની ઓફલાઈન રીત – જો ઓનલાઈનમાં સમસ્યા હોય, તો તમે સીધા તમારા એલપીજી ડિસ્ટ્રિબ્યુટરની ઓફિસમાં જઈને આધાર કાર્ડ અને ગેસ કનેક્શનની વિગતો જમા કરાવી શકો છો. – જો તમે ઈચ્છો છો કે તમારા બેંક ખાતામાં દરેક સિલિન્ડર બુકિંગ પછી સબસિડી આવતી રહે, તો આધાર લિંક અને e-KYC ચોક્કસ પૂર્ણ કરો, બેંક એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ અને એલપીજી કનેક્શન પણ ચાલુ હોવું જોઈએ.