અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધતી જતી લોકપ્રિયતા અને તેને જાવા આવનાર દેશ-વિદેશના મુલાકાતીઓની સંખ્યા નોંધપાત્ર હદે વધતાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તેમાં નીતનવા આકર્ષણો અને પ્રવાસીઓ માટેની સુવિધામાં ઉમેરો થતો જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઝડપથી અને સરળતાથી પહોંચી શકાય તે હેતુથી કેન્દ્ર સરકારે રેલ્વે મંત્રાલય અને રાજય સરકારના સહયોગથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રેલ્વે સ્ટેશન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સૌથી નોંધનીય વાત એ છે કે, કેવડિયા ખાતે દેશનું આ સૌપ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન બનશે. એટલું જ નહી, કેવડિયા ખાતે ઇકો ઝોન હોવાથી કેવડિયા ખાતે દેશનું સૌપ્રથમ ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ પણ બનશે, જે બિલકુલ પ્રદૂષણમુકત રહેશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા આજે સવારે ૧૦-૩૦ વાગ્યે કેવડિયાની પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વેલી ઓફ ફ્લાવર ખાતે આગમન અને પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું.
આ ઉપરાંત પ્રાર્થના સભામાં પણ જોડાયા હતા. ત્યારબાદ સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ કરી હતી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી નિહાળી હતી. રાષ્ટ્રપતિએ રૂ.૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું આજે ખાતમુર્હુત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, મારૂ સૌભાગ્ય છે કે, મને અહીં આવવાની તક મળી, મારી આ યાત્રા અવિસ્મરણીય બની રહેશે. સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આઝાદી સમયે દેશ રજવાડાઓમાં વિભાજીત હતો, ત્યારે સરદાર પટેલે દેશને એક કર્યો હતો, તેઓ દેશના સાચા શિલ્પકાર હતા. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બે વિભૂતીઓ દેશને ગુજરાતની દેન હતા.
છેલ્લા બે દશકોમાં ગુજરાતે વિકાસની ઉંચાઇઓ સર કરી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિશ્વ સ્તર પર પ્રગતિશીલ રાજ્ય તરીકે સ્થાપિત કર્યું છે. ભારતીય રેલવે માત્ર દેશને જ નહીં દેશવાસીઓના દિલોને પણ જોડે છે. કેવડિયા રેલવે સેવાથી દિલ્હી અને મુંબઇ સાથે જોડાઇ જશે, રેલવે સ્ટેશન બનવાથી આ સ્થળનો વિકાસ થશે. નર્મદા નહેર યોજનાથી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણામાં પાણી મળ્યું છે. નોંધનીય છે કે, કેવડિયા ખાતેના આ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનની છત પર ૨૦૦ કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલાર પ્લેટો લગાડવામાં આવશે. રેલવે સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે. સ્ટેશન માસ્ટરની ઓફિસ, પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતિક્ષા કક્ષ, વીવીઆઈપી પ્રતિક્ષા કક્ષ, વિદેશી પ્રવાસીઓ માટે લોન્જ બનાવવામાં આવશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓની ભીડ વધી રહી છે, જેથી પ્રવાસીઓ વધતા રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પહેલા પ્રવાસીઓના સવલત માટે ફોર લેન રોડ બનાવી દેવાયા છે અને હવે રેલવે જંક્શન પણ બનશે. જેમાં ૧૮ કિલોમીટરની ડભોઇથી ચાંદોદની બ્રોડગેજ લાઈનને ૩૨ કિ.મી. લંબાવી ચાંદોદથી સીધી કેવડિયા લઇ જવામાં આવશે.
આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ હવે કેવડિયા અને તેની આસપાસના સમગ્ર વિસ્તાર ટુરીઝમના દ્રષ્ટિકોણથી બહુ જ ઝડપથી અને અસરકારક રીતે વિકાસ પામી રહ્યા છે અને ત્યાં નીતનવા આકર્ષણો ઉમેરાઇ રહ્યા છે. દેશનું આ પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન પણ જાવાલાયક હશે.