આમતો પૂર્વીય દેશોમાં બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ ઘણા સમયથી રહ્યું છે. ત્યાના રાજાઓએ પણ તેને રાજ્ય ધર્મનું સ્થાન આપ્યું હતું, અને તે લોકભોગ્ય પણ બન્યો, તેથી લગભગ દરેક પૂર્વીય દેશોમાં બુદ્ધની કોઈ ને કોઈ આદભૂત કલાકૃતિ જોવા મળે જ છે. અહી હોંગકોંગ માં પણ ‘NGONG PING’ એક એવીજ જગ્યા છે. LANTAU ટાપુની પશ્ચિમ દિશાએ આવેલ ઉંચાણ વાળા વિસ્તારમાં ‘પો લી મોનાસ્ટ્રી’ અને ‘Tiantanbuddha’(BigBuddha) આવેલ છે. MTRC દ્વારા ત્યાં પહોચવા માટે કેબલ કાર ચલાવવામાં આવે છે. અહી કાંસા માંથી બનાવેલી વિશાળ બુદ્ધ પ્રતિમા આવેલી છે. શાંત મુખ મુદ્રા વાળા બુદ્ધ કમળના પુષ્પમાં બેઠા છે અને આશ્ચર્ય વચ્ચે તેમનું મોઢું ઉત્તર દિશા માં રાખેલું છે!! 112 ફૂટ ઊંચી અને 250 મેટ્રિક ટન વજન વાળી આ મૂર્તિ ૨૦૨ કાંસ્ય ટુકડાઓ જોડીને બનાવી છે.આ મૂર્તિને જોવા તમારે 268 પગથીયા ચડવા પડશે. જોકે બાજુમાં એક નાનો રસ્તો વ્હીલચેર વાળા લોકોના વાહન લઇ જવા માટે પણ રાખેલ છે. 1990 માં આ મૂર્તિનું નિર્માણ કાર્ય શરુ થયું હતું ને માત્ર 3 વર્ષના ટુકા ગાળામાં 29 ડીસેમ્બરના રોજ સંપૂર્ણ થયું. યોગનું યોગ તો જુઓ કે આ દિવસ એ જ છે કે જેને બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વાભાવિક છે કે તેના ઉદઘાટન પ્રસંગે વિશ્વના વિવિધ દેશોમાંથી બુદ્ધ ભિક્ષુઓને આમંત્રિત કરાયા હતા. 18 ઓક્ટોબર 1999 માં હોંગકોંગ પોસ્ટખાતા એ બીગ બુદ્ધની લેન્ડમાર્ક ટપાલ ટીકીટ બહાર પાડી હતી. MTRC તરફથી પણ બુદ્ધ પ્રતિમાના ફોટા વળી સોવેનીયર ટીકીટ બહાર પાડી હતી.
1906માં મેઈન લેન્ડ ચીન માંથી આવેલા ત્રણ બુદ્ધ સાધુઓ એ ‘TaiMaoPung’ નામથી ઓળખાતી મોનેસ્ટ્રી (મઠ) ની સ્થાપના કરી. પણ 1924માં તેને નવું નામ આપવામાં આવ્યું. આ મઠ ના વિસ્તરણ રૂપે જ બીગ બુદ્ધનું નિર્માણ થયું. આ મઠમાં ઘણા સ્થાપત્યના નમુનાઓ આવેલા છે. જેમકે તેનો મુખ્યખંડ, જે બોધિસત્વ ખંડ તરીકે ઓળખાય છે. અહી પંચમહાતત્વનો વસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી ત્યાંના વાતાવરણમાં તમામ શક્તિ પ્રમાણસર વહે છે. ત્યાં રસોડું પણ ચાલેછે જ્યાં સાત્વિક શાકાહારી ભોજન મળે છે. અમે તે સાત્વિક ભોજન જમ્યા જાણે કોઈ આશ્રમમાં જમતા હોઈએ તેવું લાગે.
આખા દિવસની દોડધામ કરીને પાછા આવ્યા? તો ચાલો બીજા દિવસે ફરી તૈયાર થઈ જાઓ આકર્ષક દેવસ્થાન‘WONG TAI SIN TEMPLE’ જોવા. કહેવાય છે કે તમે અહી જે ઈચ્છા કરો તે પૂરી થાય છે. 1 થી 15 જાન્યુઆરી દરમ્યાન અહી ભારે ભીડ રહે છે. નવા વર્ષ માં મોટાભાગના પ્રવાસીઓ આધ્યાત્મિક શક્તિની ખોજ માટે ત્યાં આવે છે. અગરબત્તી પ્રગટાવી ઘુટણ પર બેસી પ્રાર્થના કરે છે, અને પછી વાંસના નળાકારે આવેલા ઓમ મણીપદ્મ ફેરવે છે. કેટલીક જગ્યાએ હસ્તરેખા જોઈ તમારું ભાગ્ય કહી આપે છે.
ચાલો સાત્વિક વાતાવરણ માંથી જરા બહાર ડોકિયું કરીએ. ચારેબાજુ સમુદ્રથી ઘેરાયેલા અનેક ટાપુઓના સમૂહ પર ફરવા ગયા હોઈએ તો દરિયાથી દુર કેવીરીતે રહેવાય? એટલે આપણે Repulse Bay ની મુલાકાત લઈએ. તરવૈયાઓ માટેનું સ્વર્ગ હોટલો પણ ખુબ મોંઘી અને અત્યાધુનિક છે. પણ અહીં પહોચવા માટે બસ,મીનીબસ, વગેરે મળી રહે છે. બોટ ભાડે મળે છે. એટલે બોટિંગ કરવાની મજા પડે છે. આ સિવાય અહીના એક બીચને કાચબાઓનો બીચ પણ કહેવાય છે.
નાનકડી લાકડાની હોડીમાં આ સુમસામ ગણાતા ટાપુ ઉપર કાચબાઓ જોવાની મઝા માણવા જેવી છે. જેમને સર્ફિંગ કરવું હોય તેમણે ‘BIGWAVE BAY’જવા જેવું છે. તે હોંગકોંગ નો એકમાત્ર ઓફીસીયલ સર્ફિંગ બીચ છે. હવે તો તમે હોંગકોંગ વિષે ઘણું જાણી લીધું બસ તો મિત્રોને ભેગા કરીને પ્લાન બનાવો. અને જુદાજુદા પ્રકારની મજા કરવા નીકળી પડો. એટલી વારમાં હું પાછી આવુછું બીજા કેટલાક દેશની માહિતી લઈને. ત્યાં પણ ફરવું તો પડશે જ ને? બસ ત્યારે રાહ જુઓ. આવતા અંકમાં નવો દેશ નવી માહિતી.
- નિસ્પૃહા દેસાઈ