કળશ-સ્થાપન વિધિ માટે ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાશે. આ મહોત્સવ માટે અમદાવાદની પશ્ચિમે સાયન્સ સીટી-ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ-સ્થળ ‘સ્વામિનારાયણ નગર’ આકાર લઇ રહ્યું છે. જ્યાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોની હાજરીમાં કળશ-સ્થાપન વિધિ કરી હતી.

સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓએ મહોત્સવ માટે સેવામાં આપેલ કુલ ૬૦૦ એકર ભૂમિમાં મહોત્સવ-સ્થળ ‘સ્વામિનારાયણ નગર’ આકાર લઇ રહ્યું છે. ‘ગ્રીન એન્ડ ક્લીન’ મહોત્સવ સ્થળ તરીકે વિકસી રહેલા આ સ્વામિનારાયણ નગરમાં ૭ હજાર વૃક્ષો અને ૧૦ લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે, જે પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ આપશે. સ્વામિનારાયણ નગર’માં વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો, કલામંડિત મંદિર અને ભક્તિમંડપો,પ્રેરણા આપતા પ્રદર્શનો, સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્‌સ,વ્યાખ્યાન-ગીત-સંગીત-નૃત્ય વગેરે કાર્યક્રમોથી ગૂંજતા સભામંડપો અને કોન્ફરન્સ સ્થળ હશ. જેમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના ધુરંધરો અને ભારતના મહાન સંત-મહાત્માઓના પ્રેરક વક્તવ્યોનો લાભ મળશે. અને બાળકોને શિક્ષણ-સંસ્કાર-સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી પણ બનશે.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે આકાર લઇ રહેલા સ્વામિનારાયણ નગરમાં હાલ ૨ હજારથી વધુ સમર્પિત સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને મહોત્સવ દરમ્યાન ૫૦ હજારથી વધુ સંખ્યામાં સેવા આપશે.આ મહોત્સવ-સ્થળના વિશાળ મુખ્ય પ્રવેશદ્વારે જ્યાં મહોત્સવનું વિશાળ પ્રતિકચિહ્ન સ્થાપિત થવાનું છે એ સ્થળે વેદોક્ત વિધિપૂર્વક કળશ-સ્થાપન વિધિ કરવા માટે આજરોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ મહોત્સવ સ્થળે પધાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Share This Article