વડોદરા : સોમવારે વડોદરા શહેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંદૂર સન્માન યાત્રા કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા ૨૯ વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતું. તેને ખાસ કિસ્સા તરીકે રૂ. ૪,૦૫,૦૦૦ ની સહાય આપવામાં આવી હતી.
લક્ષ્મીપુરા ગામના ૨૯ વર્ષીય નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમને લઈને તેમને બે દિવસ ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે ૮:૦૦ વાગે તેમને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ તેમનો જીવ બચી શકાયો ન હતો. પ્રાથમિક તારણ મુજબ, હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. નિતેશભાઇના પત્ની ઘરકામ કરે છે જ્યારે એક વર્ષનું સંતાન પણ છે.
હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી ફરજ દરમિયાન અવસાન થતા પરિવારમાં અન્ય કોઈ કમાનાર નથી. જેને લઈને ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે વિધાનસભાના દંડક બાળું શુકલને રજૂઆત કરતા ખાસ કિસ્સા તરીકે તેમણે મુખ્યમંત્રીને જાણ કરી રાજ્ય સરકાર તરફથી રૂ. 2 લાખ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરફથી રૂપિયા બે લાખની સહાય આપવાનું નક્કી થયું હતું.
હોમગાર્ડસના જવાનનું આકસ્મિક મોત થાય ત્યારે માત્ર રૂપિયા 5000 આપવામાં આવતા હોય છે. પરંતુ ખાસ કિસ્સા તરીકે રૂ. 4,00,000ની સહાય તેઓના પરિવારજનોને હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરાંગભાઈ જોશી, ડીજી ઓફિસના અધિકારી મનીષભાઈ ત્રિવેદી અને રાજેશ આયરેએ રૂ. 4,05,000નો ચેક આપ્યો હતો. આ ઉપરાંત તેમના પરિવારમાંથી મૃત્યુ પામેલાના ભાઈને નોકરી આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી.