હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ સુદી પૂનમે ઉજવાય છે. પુરાણકથા અનુંસાર આ દિવસે રાત્રે હિરણ્યકશ્યપ નામના રાક્ષસ રાજાએ પોતાનો પુત્ર કે જે વિષ્ણુની ભક્તિમાં ડૂબેલો હતો તેને ખતમ કરી નાખવા પોતાની હોળીકા નામની બહેનના ખોળામાં બેસાડી તેની આજુબાજુ અગ્નિ પ્રગટાવેલ હતી. હિરણ્યકશપની બહેન હોળીકાને અગ્નિ બાળી શકે નહિ તેવું વરદાન હતું એટલે તે નિશ્ચિંત થઈને બેઠી હતી, પરંતુ તે ભૂલી ગઈ હતી કે તે એકલી જ અગ્નિમાં પ્રવેશે તો અગ્નિ તેને બાળી ના શકે તેવું વરદાન હતું. પરંતુ અહીયાં તો તે પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં પ્રવેશી હોવાથી બળીને ભસ્મ થઈ ગઈ. જ્યારે ભગવાનના ભક્ત એવા પ્રહલાદને ઉની આંચ પણ આવી ન હતી. લોકોએ ભક્ત
પ્રહલાદના ઉગરી જવાની ખુશાલીરૂપે પૂનમના બીજા દિવસે એકબીજાને ગુલાલ છાંટી આનંદની ઉજવણી કરી હતી. ત્યારથી દર વર્ષે ફાગણ સુદી પૂનમે હોળી અને તેના બીજા દિવસને “ધુળેટી” તરીકે ઉજવવામાં આવે છે . આ તહેવારની ઉજવણીની આ થઈ ધાર્મિક કહાણી. આ તહેવારની ઉજવણીમાં કંઇક નીચે મુજબ પણ લોકો આયોજન કરતા હોય છે.
— નવી પરણેલી વહુઓને પહેલી હોળી નિમિત્તે રંગ કે પાણી વડે ખાસ હોળી કે ધુળેટી
રમાડવામાં આવે છે.
— -અમુક ચોક્કસ વર્ગના લોકોમાં સાકરના ગાંગડાના હારડા તેમ જ ખજૂર વગેરે
બાળકોને વહેચવામાં આવે છે.
— — ક્યાંક ઠાકરડા જાતિના તેમ જ અન્ય કોમના લોકો નગારુ વગાડતા દાંડિયા રમે છે
ને ગોઠ ઉઘરાવે છે . રાજસ્થાનમાં મારવાડી લોકોમાં આ તહેવાર ઉજવવાનો ઉત્સાહ
અનેરો હોય છે.
— -પહેલો દીકરો જન્મ્યો હોય ત્યાં તેને હોળીએ પગે લગાડવામાં આવે છે. જેને ” જેમ”
અથવા “ઢૂંઢ” ના નામથી ઓળખવામાં આવે છે.
— ધુળેટીના દિવસે હોળી રમવા માટે પાણી ગુલાલ અને રંગોની સાથે ક્યાંક ક્યાંક
કાદવ અને કીચડનો ઉપયોગ થાય છે.
— રાત્રે હોળી પ્રગટાવ્યા પછી તેની પ્રદક્ષિણા કરતી વખતે પાણી ઝારવામાં આવે છે
અને શ્રીફળ પણ સારવામાં આવે છે..
— મકાઈની કે જારની ધાણી તેમાં હોમાય છે અને પ્રસાદ તરીકે પણ વહેચાય છે..
– ધુળેટીના દિવસે ક્યાંક તોફાની છોકરાઓ રોડ ઉપર ઉભા રહી વાહનો રોકી
વાહનચાલકો પાસે ગોઠ માગતા હોય છે.
— હોળીને ઘણી વાર રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જ તો
હોળી પછી પાંચમા દિવસે આવતી પાંચમ રંગપંચમી તરીકે ઉજવાય છે.
આમ હોળીનો તહેવાર આપણા જીવનમાં જાત જાતના ને ભાત ભાતનાં સ્મરણો
લઈને આવે છે અને બીજાં નવાં મીઠાં કે કડવાં સ્મરણો છોડી જાય છે. હોળીના તહેવારની
ઉજવણીની રીત રસમો અને પધ્ધતિ જોતાં એમ લાગે છે કે આ તહેવાર આસુરી વૃત્તિ પર
દૈવી વૃત્તિના વિજયનો છે. હોળીની ઉજવણીમાં આપણે આપણામાં રહેલી મલિન
વૃત્તિઓને હોમી દેવાની છે. નવા સંકલ્પો પણ લેવાના જ છે કે હવે પછી હું કોઇ વ્યસન
નહિ રાખું, હું કોઇને મારા થકી હેરાન નહિ કરું. અસત્ય પર સત્યની જીત એ જ આ
તહેવારનો સંદેશ છે. આવો આપણે આ સંદેશને જીવનમાં ઉતારીએ….