હોળીનો તહેવાર આમ તો ધાર્મિક રીતે વધારે ઉજવાતો હોય છે. દેશભરમાં તેનું અલગ અલગ મહાત્મ્ય છે. એક પેઢી એવી છે તે સંપૂર્ણ ધાર્મિક અને પારંપરિક રીતે તેની ઉજવણી કરે છે અને બીજી પેઢી એવી છે જે શોરબકોર, નાચગાન, રંગોની છોળો અને સંગીતની ધૂન વચ્ચે તેને ઉજવે છે. આ તહેવાર જેટલો શાંત છે તેટલો જ કલરફુલ પણ છે. કૃષ્ણ અને રાધાના પ્રણયનો પ્રતિક એવો આ તહેવાર હકીકતમાં તો મેઘધનુષી સંબંધોનો પર્વ છે. આ દિવસે તમામ મન-કર્મ અને વચનના તમામ પૂર્વગ્રહોને બાળીને ભસ્મ કરવાના હોય છે જેથી વિશ્વાસ અને સંતોષની જ્વાળાઓ સંબંધોને ઉર્ધ્વગતિ તરફ લઈ જાય.
હોળીની પારંપરિક ઉજવણીની વાત આવે ત્યારે આપણે ખૂબ જ રિજિડ થઈને ઉજવણી કરવામાં માનીએ છીએ. આ પર્વ માત્ર રંગો કે, ધાણી-ચણા કે હોલિકા દહનનો જ પર્વ નથી. આ હોલિકા દહન અને આ જ રંગો આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. હોલિકા દહનની જ વાત કરીએ તો, પ્રહલાદના પિતા હરિણ્યકશ્યપુને ઈશ્વર પ્રત્યે, ભગવાન વિષ્ણુ પ્રત્યે પૂર્વગ્રહો હતા. તે એક રાક્ષસ તરીકે પોતાના સંતાનનો ઈશ્વર સાથે સંબંધ જોડાય તે જોઈ શકતો નહોતો અને સહન પણ કરી શકતો નહોતો. તેણે આ સંબંધો તોડવા ઘણા પ્રયાસ કર્યા. આ પ્રયાસો દરમિયાન તેણે પ્રહલાદને ઘણી પીડા આપી પણ ઈશ્વરના નામ જાપે તેને અદમ્ય શક્તિ આપી જેથી તે બધું જ સહન કરી ગયો. આ પૂર્વગ્રહો અને પીડા જે દિવસે ચરમસીમાએ પહોંચ્યા તે દિવસે હિરણ્યકશ્યપુનો અંત આવ્યો અને પ્રહલાદની ભક્તિનો વિજય થયો. આ વાત બધા જાણે જ છે અને વર્ષોથી ચાલી આવી છે. તેવી જ રીતે હોલિકા દહનની વાર્તા પણ આપણે જાણીએ જ છીએ.
આ બધું આપણે જાણીએ છીએ પણ સમજતા નથી. હિરણ્યકશ્યપુ કે પછી હોલિકાનો અંત શા માટે થયો તે નથી જાણતા. આપણી અંદર રહેલા આ રાક્ષસી તત્વોને પણ નથી જાણતા. બસ આપણે બહારથી પ્રહલાદ જેવા થઈને ફરીએ છીએ પણ અંતરમનની સ્થિતિને બહાર લાવતા જ નથી. આપણને ઘણા લોકો સામે વાંધા હોય છે, ઘણાથી તકલીફો હોય છે, ઘણા સામે પૂર્વગ્રહો હોય છે, વેરભાવ હોય છે, પોતાની જ વાત બીજા કેમ સાચી ન માને તેવું પણ સતત આપણે ઈચ્છતા હોઈએ છીએ. આ તમામ માન્યતાઓ હિરણ્યકશ્યપુના પ્રયાસો જેવી જ છે. આપણે શા માટે બીજાને કંઈક સાબિત કરવું અથવા મનાવવું પડે. આપણે ખરેખર સનાતન સત્ય જેવા હોઈએ તો લોકો આપણને સ્વેચ્છાએ સ્વીકારવાના જ છે.
હોલિકા દહનની જ વાત કરીએ તો તેમાં પણ શું હતું. હોલિકાને પોતાની શક્તિ ઉપર પોતાની જાત ઉપર પોતાના વરદાન ઉપર ઘમંડ હતો. તેને અભિમાન હતું કે અગ્નિ મને કશું કરી જ ન શકે. આખરે થયું શું… હોલિકાનું જ દહન થયું ને, પ્રહલાદ તો યથાસ્વરૂપે બહાર આવી ગયો. આપણી તકલીફ પણ આવી જ છે. જ્યાં સુધી પરિસ્થિતિ આપણા ઈગો, આપણા પૂર્વગ્રહો અને આપણા ઘમંડને બાળતી નથી કે પછી કુદરત કોઈ વ્યક્તિને નરસિંહની જેમ આપણા પૂર્વગ્રહો અને ધારણાઓને ચિરવા મોકલતી નથી ત્યાં સુધી આપણે તામસી થઈને જ ફરીએ છીએ. આ તામસી વૃત્તિ જીવનના સાચા રંગોને ઉડાડી કાઢે છે.
આપણે સતત એમ ઈચ્છીએ છીએ કે સામેની વ્યક્તિ મને સમજે, મારું માન જાળવી, હું કહું તેમ કરે અને હું ઈચ્છું તેમ જ થાય. આ હું પણાનું વરદાન લઈને જ્યારે સત્યની અગ્નિમાં પ્રવેશવાનું થાય છે ને ત્યારે આપણી સ્થિતિ હોલિકા જેવી જ હોય છે. બહાર નીકળે ત્યારે ચિંથરેહાલ હું વધ્યો હોય છે જેને નથી સમાજ માન આપતો કે નથી તેને આત્મસન્માન જેવું કશું વધતું. બસ ચારે તરફ આક્રોશનો અગ્નિ પ્રજ્વલિત થયેલો હોય છે. તેના બદલે જો પ્રહલાદ જેવો પ્રેમ લઈને કે સીતા જેવું સત્ય લઈને ફરીએને તો અગ્નિપરીક્ષાઓ સાવ રમતમાં પસાર થઈ જતી હોય છે. ત્યારે આપણે કોઈને પરાણી સ્વીકૃત થવું નથી પડતું લોકો આપોઆપ આપણને પામવા અધિરા થાય છે.
કૃષ્ણની હોળી તો જગજાહેર છે. હોળાષ્ટક બેસે ત્યારથી ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાનામાં હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે. ત્યાંની લઠમાર હોળી સમગ્ર વિશ્વમાં જાણીતી છે. દેશ-વિદેશથી લોકો હોળી રમવા માટે આ જગ્યાએ આવે છે. કૃષ્ણ એક જ એવો ભગવાન છે જે પોતાના વારસામાં ઉત્સવો મૂકતો ગયો છે. બાકીના તમામ ભગવાનો માત્રને માત્ર ઉપદેશ આપતા ગયા છે. જિંદગીને પ્રેક્ટિકલી માણતા શીખવનારો એક જ ભગવાન હતો, યશોદાનો લાલો. કૃષ્ણએ પોતાની જિંદગીમાં તમામ રંગો ઉજાગર કર્યા હતા. કૃષ્ણની લીલાઓ જોઈએ તો ખ્યાલ આવે કે તેનું વ્યક્તિત્વ જ મેઘધનુષી હતું. તેની પાસે જાદુગરીનો જાંબલી રંગ હતો તો બીજી તરફ નીલમણી જેવો નીલો રંગ તેના દેહને સુશોભિત કરતો હતો. વાંસળી વગાડે ત્યારે આકાશ જેવો વાદળી રંગ પણ અનુભવી શકાય અને લીલાઓ તો તેની લીલીછમ જ હતી. પિતાંબર એ પીળા ધારણ કરતો અને નટખટ નટવર તરીકેનો નારંગી રંગ પણ તેનામાં જ હતો. તેના સમગ્ર જીવતરને મેઘધનુષી કરનારો રાધાનો રાતો રંગ તો ભુલી જ ન શકાય. રાધાના રંગ વગર માધવ ક્યારેય મેઘધનુષી થઈ જ ન શકે. આવો નટવર જ્યારે હાથમાં પિચકારી અને રંગ લઈને વૃંદાવનની ગલીઓમાં નીકળે ત્યારે કોને રંગાવાનું મન ન થાય. આ કૃષ્ણએ માણસજાતને જીવતા શીખવ્યું છે. તેના કારણે જ હોળી વધારે પ્રિય અને અનોખી લાગે છે.
આપણે જ્યારે જીવનના રંગોની જ વાત કરીએ તો, રંગ તો સફેદ પણ છે છતાં તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. હિન્દુઓ મરણ પ્રસંગે, ખ્રિસ્તિઓ લગ્નમાં તો મુસ્લિમો ઈદના તહેવારે તેને પહેરે છે. રંગ એક જ છે પણ આપણી માનસિકતા અલગ છે. આપણા વિચારો અલગ છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પણ અલગ છે. જીવન આવા તમામ રંગોનું મિશ્રણ છે. સાત રંગો ભેગા થઈને આપણામાં આવે ત્યારે જ જીવન રંગીન બને છે. આવું કરવા માટે માણસે પોતાની જાતને કેનવાસની કેમ કોરી છોડી દેવી જોઈએ. કોઈની લાગણીઓનો લાલ તો કોઈની સમજણનો સફેદ રંગ આપણામાં ખેંચતા શીખવું પડે. ક્યારેક પીડાનો પીળો રંગ પણ સહન કરવાનો આવે કે જાકારાનો જાંબલી રંગ પણ જોવો પડે તેવી સ્થિતિ થતી હોય છે. લિસ્સી લાગણીઓ જેવા લીલાછમ રહીએ અને વાદળ જેવા વાદળી થઈને ફરીએ તો ક્યારેક નાનપનો નારંગી જેવો રંગ પણ ધારણ કરવાની અને રાહતનો રતુંબડો રંગ પણ સમજી જઈને તો જીવન આપોઆપ મેઘધનુષી થઈ જાય છે અને ત્યારે જ જીવન હોળીની જ્વાળાની જેમ સાચી દિશામાં ઉર્ધ્વગતિ કરતું થાય છે. આ સહજ ભાવ આપણને મેઘધનુષી માધવ સાથે પણ એકાકાર થવામાં મદદ કરે છે.
- રવિ ઈલા ભટ્ટ