ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદા : પોક્સો કેસમાં એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુચના છે, ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રકારના ગુનાઓમાં પિડીતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે. ગુજરાત પોલીસ તે જ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે તેનું પરિણામ આરોપીઓને મળી રહેલી કડક સજાના ચુકાદાઓમાં જોઇ શકાય છે. એક જ દિવસે તા. 25મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નામદાર કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની સાત અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે.

અમરેલી, વડોદરા અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ-પોક્સોના જુદા-જુદા ગંભીર કેસોમાં કરવામાં આવેલી બારીક તપાસ, એકત્ર કરેલા ટેકનિકલ સહિતના પુરાવા, સરકારી વકીલની અસરકારક દલીલો અને એફએસએલ રિપોર્ટના આધારે સાત જુદા-જુદા પોક્સોના બનાવોમાં સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં અમરેલીના બે કેસોમાં આરોપી પકડ્યાના માત્ર ૧૭ દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાના આ સાતેય કેસમાં તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યુ છે કે, પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા આવા ગુનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે. નોંધનિય બાબત છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પોક્સો કેસમાં ૩ વર્ષમાં નામદાર કોર્ટે 947ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. તે પૈકી 574 આજીવન કેદ અને 11ને ફાંસીની સજા કરી છે.

Share This Article