અમદાવાદ : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વની આઠમી અજાયબી સમાન જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી મોટા અને ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણના ભાગરૂપે અમદાવાદના એસ.જી.હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી અંદર જાસપુર ગામ ખાતે આગામી તા.૪થી માર્ચે મહાશિવરાત્રિના પવિત્ર દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનના હસ્તે થનારા આ મહાભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દંતાલી આશ્રમ, પેટલાદના સંત શ્રી સચ્ચિદાનંદજી મહારાજ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ સહિતના અનેક મહાનુભાવો હાજર રહેશે. આશરે રૂ.એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે મા ઉમિયાના ૧૦૦ મીટર ઉંચા અને ભવ્યાતિભવ્ય મંદિર સહિત વૈશ્વિક અજાયબી સમાન વિશ્વ ઉમિયાધામ સંકુલ ૩૦ લાખ ચોરસફુટ વિસ્તારમાં નિર્માણ પામશે, જે આગામી પાંચથી દસ વર્ષમાં પૂર્ણ થશે.
મા ઉમિયાના મંદિર માટે વડાપ્રધાનના હસ્તે મહાભૂમિપૂજનના કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુ ભકતો ખાસ ભાગ લેવા આવવાના છે, કારણ કે, એ દિવસે સમગ્ર દિવસ દરમ્યાન મા ઉમિયાની મહાપૂજા, આરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એમ અત્રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે.પટેલ અને સંયોજક આર.પી.પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવી સર્કલ પાસે ૩૦ લાખ ચોરસ ફુટ કરતાં વધુ વિસ્તારમાં વૈશ્વિક પાટીદાર હબ બનાવમાં આવશે, જેમાં મા ઉમિયાના ભવ્યાતિભવ્ય મંદિર, વિશ્વ ઉમિયાધામ સંકુલ કે જેમાં વિવિધ શૈક્ષણિક, વ્યવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાય તે હેતુથી અન્ય સંકુલો અને એકમો પણ ઉભા કરાશે. ૧૦૦ મીટરથી વધુ ઉંચા મા ઉમિયાના ભવ્ય આર્કિટેક્ચર ધરાવતા મંદિર માટે ૪૧ ફુટ ઉંચી માં ઉમિયાની મૂર્તિને આખરી ઓપ અપાઇ રહ્યો છે, જયારે ૫૧ ફુટનું માતાજીનું ત્રિશૂળ તૈયાર થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૪થી માર્ચે મહાભૂમિપૂજનના કાર્યક્રમને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
ખાસ કરીને દેશ-વિદેશના મહાનુભાવો અને લાખો શ્રધ્ધાળુઓ આવનારા હોઇ ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા પણ કરાઇ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે.પટેલ અને સંયોજક આર.પી.પટેલે ઉમેર્યું હતું કે, એક હજાર કરોડ રૂપિયાના આ વૈશ્વિક પ્રોજેકટમાં પાટીદાર સમાજના ૩૯૨થી વધુ દાતાઓ દ્વારા અત્યારસુધીમાં રૂ.૩૬૦ કરોડનું દાન આપી દેવાયું છે, જેમાં મુંબઇના નંદાસા પરિવારના નારણકાકા અને મંગળકાકાએ રૂ.૫૧ કરોડનું અનુદાન આપ્યું છે. પાટીદાર સમાજ સિવાય કોઇપણ દાતા આ ભવ્ય પવિત્ર કાર્યમાં યથાશકિત યોગદાન આપવા ઇચ્છતા હોય તો તે પણ આવકાર્ય છે. માં ઉમિયાનું આ મંદિર વિશ્વનું સૌથી મોટું અને આઠમી અજાયબી સમાન બની રહેશે, જેમાં ભવ્ય આકર્ષણો, અનોખુ આર્કિટેકચર સહિતની અનેક વિશેષતાઓ હશે, દેશ-વિદેશથી લોકો તેને જાવા અને દર્શનાર્થે આવશે.