વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટનો આદેશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે તંત્રને ૧૫ દિવસની અંદર હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે કડક આદેશ આપ્યા જેમાં ન માત્ર વાહન ચલાવનાર પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ૧૫ દિવસ બાદ ગુજરાત હાઇકોર્ટમાં વિગતવાર સુનવણી હાથ ધરાશે જેમાં આ પંદર દિવસ દરમિયાન થયેલી કામગીરી પર કોર્ટ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી શકે છે. વાહન ચલાવતી વખતે કોઈ કારણસર અકસ્માત થતાં હેલ્મેટ ન પહેર્યું હોવાનાં કારણે ઘણી વખત વાહનચાલકને ગંભીર ઇજાઓ અથવા અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનાં સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. આપણા રાજ્યમાં હેલ્મેટ પહેરવાનો કાયદો તો છે પરંતુ નાગરિકો અને તંત્ર દ્વારા આ કાયદાની તટસ્થ રીતે અમલવારી કરવામાં આવતી નથી. રાજ્યનાં લોકોમાં ટ્રાફિક નિયમોને લઈને જાગૃતિનો પણ ઘણો અભાવ છે. ત્યારે હવે હાઈકોર્ટે રાજ્યમાં હેલ્મેટ પહેરવાનાં કાયદાનું સખત રીતે પાલન કરાવવા આદેશ કર્યો છે. આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ કર્યો છે. દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટનાં આદેશ મુજબ હવે વાહન ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કર્યું કે ૧૫ દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે ? ફરજિયાત હેલ્મેટ અમલવારી માટે હાઇકૉર્ટે ૧૫ દિવસનો સમય આપ્યો છે.

Share This Article