અમદાવાદ: રાજયભરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘરાજાએ સાર્વત્રિક વરસાદની મહેર વરસાવી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. કેટલીક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આજે ડાંગના વઘઈમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત આહવામાં ત્રણ, સાપુતારામાં ત્રણ, મહુવામાં ત્રણ, માંડવીમાં બે ઇંચ વરસાદ થયો હતો. રાજયમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈ તાલુકામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે વ્યારામાં ૧૩૭ મી.મી. અને વાલોડમાં ૧૩૩ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઈંચ અને ડોલવણ તાલુકામાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
આ સિવાય રાજયમાં વડોદરા, અરવલ્લી, દાહોદ, સુરત, વલસાડ, નસવાડી, તાપી, છોટા ઉદેપુર સહિતના પંથકોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તો, સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના પંથકોમાં આજે પણ સારો વરસાદ ચાલુ રહ્યો હતો. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે સવારે ૭ વાગ્યા સુધીમાં મહુવા તાલુકામાં ૯૭ મી.મી, બારડોલીમાં ૯૪ મી.મી., સોનગઢમાં ૮૬ મી.મી, ચોર્યાસીમાં ૮૨ મી.મી., કપરાડામાં ૭૭ મી.મી અને પલસાણામાં ૭૩ મી.મી. મળી કુલ ૬ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે રાજ્યના ઉમરપાડા, સુબીર, નવસારી, સુરત શહેર, ધરમપુર, વાંસદા, ડાંગ, બોરસદ, નેત્રંગ, વાગરા, જેતપુર પાવી અને ગરબાડા મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય ૨૯ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયના વિવિધ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નોંધાતા ખેડૂતોના ઉભા અને ખરીફ પાકને જીવતદાન મળી ગયુ છે, જેને લઇ રાજયનો ખેડૂતઆલમ ખુશીની લાગણીમાં ગરકાવ બન્યો છે.
બીજી બાજુ, અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેને લઇ વાતાવરણ ઠંડુ અને આહ્લલાદક બની ગયું હતું. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન વાતાવરણ એકંદરે વાદળછાયુ અને ભેજવાળુ રહ્યું હતું. રાજયમાં વડોદરા, અરવલ્લી, દાહોદ, સુરત, વલસાડ, નસવાડી, તાપી, છોટા ઉદેપુર સહિતના પંથકોમાં વાવણીલાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. છોટાઉદેપુર હિરણ નદી બે કાંઠે વહી રહી હતી તો, ડાંગનો ગિરા ધોધ ભરપૂર પાણી સાથે અદ્ભુત કુદરતી દ્રશ્યની મોજ સાહેલાણીઓને પૂરી પાડતો હતો. નસવાડીની અશ્વિની નદી, પંચમહાલનો હડફ ડેમ, દાહોદના પાટાડુંગરી ડેમમાં પણ નવા નીરની આવક વધી હતી. આ સિવાય રાજયના અન્ય જળાશયો અને ડેમોમાં નવા નીર આવ્યા હતા.