ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખ દરમિયાન થશે ભારે વરસાદની આગાહી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં ૧.૧૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, પંચમહાલના જાંબુઘોડા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જામનગરના ધ્રોલ, કચ્છના મુંદ્રા સહિત ૬૦ તાલુકામાં ૧ ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી ૧૭ જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ૧૪ જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જાેર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ૧૨-૧૩ જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

૧૪-૧૫ જુલાઈની આગાહી

૧૪-૧૫ જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત ૧૧થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે ૧૬-૧૭ જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને ૨૪ કલાક બાદથી રાજયમાં વરસાદી માહોલ જામશે, હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા ૨૪ કલાક બાદથી વરસાદી માહોલ જામશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share This Article