ગુજરાતમાં મંગળવારે રાજ્યના 10 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાયવ્ય દિશામાંથી ઉત્તર આવતા સૂકા અને ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છ, નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ રહી.
અમદાવાદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધારે હતું. સૌરાષ્ટ્રનું અમરેલી 41 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. અમરેલી બાદ સુરેંદ્રનગર અને કંડલામાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન રહ્યું.
ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ‘બુધવારે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા વાયવ્યથી ઉત્તરને બદલે નૈઋત્યથી પશ્ચિમ તરફની થશે ત્યારે તાપમાન ઘટશે. પરંતુ તે પછી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી સર્જાયેલી હીટવેવની સ્થિતિ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેંજના કારણે છે.’