ઉત્તર-પશ્ચિમના સૂકા ગરમ પવનોએ ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો આંક સૂચવતો તાપમાનનો પારો આજે ૪૧ થી ૪૨ સે. ડિગ્રી રહેવા પામ્યો હતો. સૂર્યના તેજ કિરણોના પ્રભાવ હેઠળ આભમાંથી અગન જ્વાળાઓ વરસતી હોવાનો અનુભવ થયો હતો.
સૌથી વધુ ગરમી રાજકોટ, સુરેન્દ્રનગર અને ઇડરમાં ૪૨ સે.ગ્રે. ડિગ્રી નોંધાઇ હતી. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન તાપમાન ૪૧ સે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતા ૧ ડિગ્રી વધુ હતું. લઘુત્તમ તાપમાન ૨૫.૧ સે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી ઊંચું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૩૯ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૧૭ ટકા નોંધાયું હતું.