અમદાવાદ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં હિટવેવના કારણે ત્રણ લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં બે અને વડોદરામાં એકનું મોત થયું છે. ઉંચા તાપમાનના કારણે જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હિટવેવની સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને ખાસ કરીને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં પ્રવર્તી રહી છે. બીજી બાજુ દક્ષિણ પૂર્વ અરેબિયન દરિયા અને આસપાસના લક્ષ્યદ્વીપ વિસ્તાર પર લો પ્રેશરનું નિર્માણ થયું છે જેથી તે આગળ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ચક્રવાતી વાવાઝોડુ ફુંકાવાની પણ શક્યતા દેખાઈ રહી છે. હિટવેવની ચેતવણી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી.
આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો. સૌથી વધારે ગરમીનો અનુભવ આજે પણ અમદાવાદ, ડિસા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં થયો હતો. રાજ્યમાં સૌથી વધારે ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી જ્યાં પારો ૪૪.૮ સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા હિટવેવની ચેતવણીની સાથે સાથે હળવા વરસાદી ઝાપટાની આગાહી પણ કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, જામનગરના કેટલાક વિસ્તારમાં ઝાપટા પડી શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ભીષણ ગરમી પડવાની સંકેત દેખાઈ રહ્યા છે. પારો હજુ પણ ઉપર જઈ શકે છે. અમદાવાદમાં પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચેતાવણીના પરિણામ સ્વરૂપે લોકો બપોરના ગાળાના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લુ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. આજે લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા. બપોરના ગાળામાં લોકોની હાલત સૌથી વધારે કફોડી બની છે.
ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો ઉપર બપોરના ગાળામાં રોકાવવાના લીધે પણ કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી વયના લોકોને સૌથી વધુ અસર આની અનુભવાઈ છે. આજે રવિવાર હોવાથી લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું અને મેચની મજા માણી હતી. અમદાવાદ અને ગાંધીનગર માટે હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. એલર્ટની પણ જાહેરાતને અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે પણ પારો ૪૪થી ઉપર રહી શકે છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ.
હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જારદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે શ્વાસની તકલીફ, બેભાન થઇ જવાના બનાવોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. હીટવેવની ચેતવણી પણ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગો માટે જારી કરવામાં આવી છે.