ગરમીમાં આંશિક ઘટાડો છતાં લોકો પરેશાન : પારો ૪૩ થયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ભીષણ ગરમીથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજે આંશિક રાહત થઇ હતી. મોટાભાગના વિસ્તારોમાં પારો આંશિકરીતે ગગડી ગયો હતો. જો કે, બપોરના ગાળામાં લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો અને લોકો પરેશાન દેખાયા હતા. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી પણ જારી કરવામાં આવી હતી જેથી આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અકબંધ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. આજે પારો ગગડીને મોટાભાગના વિસ્તારોમાં ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અહીં મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી રહ્યું હતું જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૪૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે ગાંધીનગરમાં જ થયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. ઊંચા તાપમાન માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. જા કે, લોકો ઉંચા તાપમાનને લઇને અગાઉ તંત્ર દ્વારા આપવામાં આવેલી ચેતવણીના લીધે સાવધાન બનેલા છે. તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થતાં લોકોને રાહત થઇ છે પરંતુ એકાએક કોઇ વધુ ઘટાડો થયો નથી.  આજે મંગળવારના દિવસે પણ અમદાવાદમાં પારો ૪૨.૮થી ઉપર રહ્યો હતો. આવતીકાલે બુધવારના દિવસે પણ તાપમાન ૪૩ રહેવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જોરદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે.

Share This Article