અમદાવાદ : ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભરઉનાળે હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા પડી ગયા હતા. હવામાન વિભાગથી હજુ પણ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. આજે સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં ભરઉનાળે હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગો જેમ કે રાજકોટ અને અમરેલીમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. સાબરકાંઠા, વડોદરા, સુરત, પાટણ, ગાંધીનગરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીને લઈને ભારે આશ્ચર્યનું મોજુ લોકોમાં ફેલાયું છે. આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદના ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જોકે હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળી ન હતી.
અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૪ સુધી રહ્યું હતું. આજે પણ પારો ૪૨ સુધી પહોંચી શકે છે. રાજ્યના જે ભાગોમાં આજે પારો ૪૨થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૨.૪, વડોદરામાં ૪૨.૪ અને અમરેલમાં ૪૨નો સમાવેશ થાય છે. જ્યારે ડીસામાં ૪૧.૨ અને ગાંધીનગરમાં ૪૧.૬ સુધ પારો રહ્યો હતો. અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમીના કારણે લોકો હવે ભારે પરેશાન થઇ ગયા છે. આજે બપોરના ગાળામાં તો લોકો ઘરમાંથી બહાર પણ ન નિકળી શકે તેટલી હદ સુધી ગરમીનો અનુભવ થયો હતો. રસ્તાઓ ઉપર ગરમ પવનોના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આકાશમાંથી આગ વરસે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર અસર થઇ હતી.
હવામાન વિભાગનું કહેવું છે કે, ઉંચા તાપમાનમાં સામાન્યરીતે કોઇ નુકસાન થઇ શકે તેમ નથી પરંતુ નવજાત શિશુ, મોટી વયના લોકોને ક્રોનિક રોગ થવાની શક્યતા રહેલી છે. તીવ્ર ગરમીને ટાળવાના પ્રયાસ થવા જોઇએ. હળવા વસ્ત્રો પહેરવા જાઇએ જેમાં લાઇટ કલરના કોટનના વસ્ત્રો ઉપયોગી રહે છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. હિટવેવની કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરાઈ નથી.