યુએસ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રવેન્સન દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દર વર્ષે હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થઈ રહેલા ચાર મોત પૈકીના એક મોતને હેલ્થી લાઈફ સ્ટાઈલ બનાવીને રોકી શકાય છે. સાથે સાથે જો લોકો લાઈફ સ્ટાઈલને હેલ્થી બનાવે તો અન્ય ઘણી બિમારીઓ પણ રોકી શકાય છે. ધૂમ્રપાનને રોકીને, વધારે શારીરિક પ્રવૃત્તિ હાથ ધરીને તથા ભોજનમાં મીઠાનું ઓછું પ્રમાણ જાળવીને સ્ટ્રોક અને હાર્ટનારોગને રોકી શકાય છે. સ્વસ્થ્ય જીવન પ્રણાલીને જાળવવા માટે કોમ્યુનિટી ફેરફાર પણ જરૂરી બની ગયા છે જેમાં યોગ્ય જગ્યાએ કસરત અને ધૂમ્રપાન મુક્ત વાતાવરણ ખૂબ જરૂરી છે. હાઈબ્લડપ્રેશર અને ઊંચા કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસને રોકીને પણ બિમારીઓને ટાળી શકાય છે.
નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોકી શકાય તેવા હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે ૬૦ ટકા લોકોના મોત ૬૫ વર્ષથી નીચેના લોકોમાં થાય છે. પુરુષોમાં આ સંભાવના મહિલાઓની સરખામણીમાં બે ગણી વધુ છે પરંતુ આને રોકી શકાય છે. સીડીસી દ્વારા કેટલીક ભલામણો આ સંદર્ભમાં કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે જો જરૂર હોય તો એસ્પીરીંગ થેરાપી, બ્લડપ્રેશર કંટ્રોલ, કોરેસ્ટેરોલની જાળવણી જેવા મુદ્દા પર તબીબ સાથે વાત કરવી જોઈએ. ધૂમ્રપાન છોડવા માટે નિષ્ણાંતની મદદ લેવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરતી નથી તો તેની શરૂઆત કરવાની જરૂર નથી.
ઓછામાં ઓછા ૧૦ મિનિટ સુધી વોકિંગ પણ કરવાની જરૂર છે. દિવસમાં ત્રણ વખત ૧૦ મિનિટ વોકિંગ અથવા તો સપ્તાહમાં પાંચ દિવસ વોકિંગની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત હેલ્થી ડાઈટનો ઉપયોગ કરવા પણ કહેવામાં આવ્યું છે. હાર્ટ એટેકના લક્ષણો અને નિશાનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. જો જરૂર પડે તો તબીબની મદદ લેવી જોઈએ. અલબત્ત આ અભ્યાસના તારણ અમેરિકી વસ્તી ઉપર આધારિત છે છતાં આ બાબતો ભારતીય લોકો ઉપર પણ લાગુ પડે છે. કારણ કે ભારતમાં પણ હાર્ટ એટેક નંબર વન કિલર તરીકે છે.