ગુજરાતમાં એનીમિયા એ મુખ્ય આરોગ્ય સમસ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ગુજરાતમાં અડધા કરતાં વધુ એટલે કે, ૫૫ ટકા મહિલાઓને એનીમિયા છે. લગભગ ૫૧ ટકા પુરૂષો અને ૪૪ ટકા મહિલાઓ કાં તો વધુ પડતા પાતળા અથવા જાડા છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ(એનએફએચએસ)ના ૨૦૧૫-૧૯ના સર્વે મુજબ, ગુજરાતના પાંચ વર્ષથી નીચેના ૭૦ ટકા બાળકો પાંડુરોગ(લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ)થી પીડાય છે અને ૪૦ ટકા બાળકો સામાન્ય કરતાં ઓછું વજન ધરાવે છે. પ્રસૂતા મહિલાઓમાંથી અડધા કરતાં પણ વધુ એટલે કે, ૫૧ ટકા મહિલાઓ હિમોગ્લોબીનની ઉણપ ધરાવે છે.
ગર્ભ ના રહે તે માટેના સાધનોના ઉપયોગનું પ્રમાણ ઘટયુ
ગુજરાતના સર્વેમાં એવી પણ મહત્વની વાત સામે આવી કે, ગર્ભ ના રહે તે માટેના વિવિધ આધુનિક સાધનોના ઉપયોગનું પ્રમાણ ગુજરાત રાજયમાં ઘટયું છે. એનએફએચએસ -૪માં ઘટીને તે ૪૩.૧ ટકા નોંધાયું છે, જયારે ગર્ભધાન નિરોધની વણસંતોષાયેલી જરૂરિયાતનું પ્રમાણ ૮.૪ ટકામાંથી વધીને ૧૭ ટકા થઇ ગયું છે. કુલ પ્રસૂતિઓમાંથી માત્ર ત્રીજા ભાગની પ્રસૂતિઓ જ જાહેર સવલતો ધરાવતા સ્થળોએ થઇ છે એટલે કે, માત્ર ૩૨.૬ ટકા. આ જ પ્રકારે માત્ર ૩૦ ટકા મહિલાઓએ જ બાળકના જન્મ પૂર્વેથી યોગ્ય સારસંભાળ લીધી છે. તો, ૨૫ ટકા કિશોરીઓ એવી છે કે, જેમના લગ્ન ૧૮ વર્ષ કરતાં પણ ઓછી વયે જ કરી નાંખવામાં આવ્યા છે.
મહિલાઓ અને છોકરીઓ વિરૂધ્ધ હિંસાના બનાવમાં વધારો
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી) ૨૦૧૬ના અહેવાલ મુજબ, ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાના ૮૫૩૨ કેસો નોંધાયા હતા, જેમાંથી પતિ અથવા તેના સગાસંબંધી દ્વારા ક્રૂરતાના ૩૭૩૨, મહિલાઓના અપહરણ કે ભગાડી જવાના ગુનાની સંખ્યા ૨૧૪૬ હતી, બળાત્કારના ૯૬૬ અને જાતીય સતામણીના ૪૭૩ કેસો નોંધાયા હતા. એકંદરે, ૨૦ ટકા વિવાહીત મહિલાઓને પતિ દ્વારા શારીરિક અથવા જાતીય હિંસાનો કથિતપણે સામનો કરવો પડયો હતો. ૧૨ ટકાએ પતિ તરફથી ભાવનાત્મક હિંસાનો અનુભવ કર્યો હતો. લગભગ ત્રણ ચતુર્થાંશ ૭૨ ટકા મહિલાઓ જેઓએ હિંસાનો અનુભવ કર્યો હતો પરંતુ કયારેય મદદ માંગી ન હતી અને કોઇને આ અંગે કહ્યું ન હતું.
હાનિકારક પરંપરાગત પ્રથાઓ દૂર કરવા ભાર મૂકાયો
અહેવાલમાં વહેલા લગ્ન અથવા બાળલગ્ન, કિશોરાવસ્થામાં ગર્ભાવસ્થા, ડાકણ શિકારપ્રથા,સ્રીજનનાંગ છેદન સહિતની હાનિકારક પરંપરાગત પ્રથાઓ નાબૂદ કરવા પર ભાર મૂકાયો હતો. શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં બાળલગ્નનું પ્રમાણ વધુ નોંધાયું છે અને તમામ છોકરીઓના ૧૬ ટકા અને અનુસૂચિત જનજાતિ પરિવારોની ૧૧ ટકા છોકરીઓ ૧૯ વર્ષ સુધીમાં બાળજન્મ આપવાનું શરૂ કરી દે છે. તો, વર્ષ ૨૦૧૬ના એનસીઆરબીના અહેવાલ મુજબ, ગુજરાતમાં ડાકણ શિકાર પ્રથાના ભાગરૂપે ઓછામાં ઓછી ૧૪ હત્યાઓનો હેતુ મેલીવિદ્યા તરીકે ઉલ્લેખાયેલો છે, તેથી આ બદીઓ દૂર કરવા સરકારે ખરેખર કાયદો લાવવાની જરૂર છે.