આમરણાંત ઉપવાસ નિકોલમાં કરાશેઃ હાર્દિક પટેલનો હુંકાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઃ પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે તા.૨૫ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની કરેલી જાહેરાત અનુસંધાનમાં આજે ૧૩ દિવસના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

બીજીબાજુ, હાર્દિક પટેલે અમ્યુકો સત્તાધીશો પાસે નિકોલ સહિતના વિસ્તારમાં વિશાળ ખુલ્લા મેદાનમાં આરણાંત ઉપવાસને લઇ સત્તાવાર મંજૂરી માંગી હતી, પરંતુ અમ્યુકો સત્તાવાળાઓએ નિકોલના મેદાનોને પા‹કગ પ્લોટ તરીકે જાહેર કરી દીધા હતા. જેના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અમ્યુકો તંત્રના સરકારના ઇશારે દાખવાયેલા અન્યાયી વલણને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ નારાજગી વ્યકત કરી હતી. તો, આજે આ જ મામલે હાર્દિક પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર કે તંત્ર ઉપવાસના સ્થળની મંજૂરી આપે કે ન આપે પરંતુ આમરણાંત ઉપવાસ તો નિકોલમાં જ થશે.

હાર્દિક પટેલના આ હુંકાર બાદ હવે આગામી દિવસોમાં આ વાત અહમની લડાઇ અને ઘર્ષણ પેદા થવાની ચર્ચા ઉઠી રહી છે, જેને લઇ તંત્ર અત્યારથી જ સતર્ક થઇ ગયું છે.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ કાર્યક્રમ દરમ્યાન આ ૧૩ દિવસના જાહેર કરાયેલા કાર્યક્રમમાં રાજયના વિવિધ જિલ્લા-તાલુકામાંથી પાટીદાર આગેવાનો પણ આવીને હાર્દિક સાથે પ્રતિક ઉપવાસ કરશે. આ આમરણાંત ઉપવાસમાં રાજ્યભરના વિવિધ તાલુકા-જિલ્લાના ૧૩૭ વિસ્તારોમાંથી અનેક રાજકીય મહાનુભાવોથી લઇ વિવિધ ક્ષેત્રના લોકો આવશે. માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય છ રાજ્યોના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવી શક્યતા છે. જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.

Share This Article