અમદાવાદ : પાસના કન્વીનર અને સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને આજે રાજદ્રોહના કેસમાં સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કથીરિયાએ હાર્દિક પટેલના કોંગ્રેસમાં જાડાવાને લઇ તેને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે જેલમાં કસ્ટડી દરમ્યાન પોલીસ દ્વારા તેને માર મરાઇ રહ્યો હોવાના અને ત્રાસ અપાઇ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા, જેને લઇને પાટીદારોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. દરમ્યાન જામનગરમાં હાર્દિકના કથિત વિરોધ મુદ્દે કથીરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ બાબત જનતા નક્કી કરશે. પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા અલ્પેશ કથિરીયા હાલ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે.
અલ્પેશ કથિરીયાને આજે સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો તે દરમિયાન કોર્ટ પરિસરમાંથી નિવેદન આપતાં અલ્પેશે હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા હતાં. સાથે જ જામનગરમાં કથિત રીતે હાર્દિકના થઈ રહેલા વિરોધ અંગે અલ્પેશે કહ્યુ હતું કે, જનતા નક્કી કરશે.
અલ્પેશે પોતે ચૂંટણી લડવા અંગેના પ્રશ્નમાં કોઈ જવાબ આપ્યો નહોતો પરંતુ પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અંદર(જેલમાં) મેસેજ મળતા નથી અને બહાર પણ પોલીસ ત્રાસ આપતી હોવાનું જણાવતાં અલ્પેશે આક્ષેપ સાથે ઉમેર્યું હતું કે, પોલીસ ધક્કા ખવડાવે છે અને માર પણ મારી રહી છે. કથીરિયાએ પોલીસ પર આજે કરેલા ગંભીર આક્ષેપોને લઇને સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયું હતું. ખાસ કરીને પાટીદારોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી.