રાજ્યના ઘણા શહેરોમાં હાર્દિક સમાજનો ગદ્દારના બેનર લાગ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : એક સપ્તાહ પહેલાં તા.૧૨ માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ વિરૂદ્ધનો પાટીદાર સમાજનો રોષ હવે આંખે ઉડીને વળગે તેવો બની રહ્યો છે. આજે અમદાવાદ, સુરતથી લઈ જામનગર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. તો, પાટીદારોના ગઢ સમાન વરાછાના હીરાબાગમાં હાર્દિકને સમાજનો ગદ્દાર કહી પૂતળાનું દહન કર્યું હતું. જ્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પણ હાર્દિક પટેલ વિરૂદ્ધ પોસ્ટર્સ લાગ્યા હતા. તેમાં પણ જામનગરના ધ્રોલ અને અમદાવાદમાં લાગેલા પોસ્ટર્સ એક જ છે.

આમ આ પોસ્ટર્સ પાછળ એક ખાસ જૂથ કામ કરતું હોવાની શક્યતા છે. જેમાં હાર્દિક ગદ્દાર કેમ તે સવાલના જવાબો પણ લખ્યા છે. જેને લઇ હવે લોકસભા ચૂંટણી ટાણે પાટીદારોનું રાજકારણ પણ બહુ જારદાર રીતે ગરમાયુ છે. પાસના નેતા હાર્દિક પટેલના કોંગ્રેસમાં જાડાયા બાદ સમગ્ર પાટીદાર સમાજમાં ધીરે ધીરે તેના તરફનો રોષ અને આક્રોશ વધી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ત્રણ દિવસ પહેલાં અમદાવાદમાં પાસના સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલના ફોટા ફાડવા સાથે અલ્પેશ કથીરિયાના સમર્થકો સહિતના લોકોએ જારદાર હોબાળો મચાવ્યા બાદ પાટીદાર સમાજના નામે હાર્દિકના પૂતળા દહનની એક પત્રિકા વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

દરમ્યાન હવે અમદાવાદ, સુરત, જામનગર સહિતના શહેરોમાં હાર્દિકને પાટીદાર સમાજનો ગદ્દાર ચીતરતા ફોટા સાથેનો વિશાળ પોસ્ટર્સ લગાવવામાં આવતા અને હાર્દિકના પૂતળા દહનના કાર્યક્રમો યોજાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને પાટીદારોમાં આ જલદ કાર્યક્રમોને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તો, બીજીબાજુ, હાર્દિક આણિમંડળી અને તેના સમર્થકો ઉઠી રહેલા ખુદ પાટીદાર સમાજના પ્રચંડ વિરોધને લઇ ચિંતામાં સરી પડયા છે. પાટીદાર સમાજમાં હવે હાર્દિક સામે બહાર આવી રહેલા આક્રોશને લઇ લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.

 

Share This Article