સંકટ મોચન પવન પુત્ર હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના રોજ મનાવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે ચૈત્ર પૂર્ણિમાના રોજ જ બજરંગબલીનો જન્મ થયો હતો. આ દિવસે બજરંગબલીની વિધિવત પૂજા કરવાથી શત્રુ પર વિજય મળવાની સાથે બધી મનોકામના પૂર્ણ થાય છે. પવનપુત્ર હનુમાનને ભગવાનનો 11મો અવતાર માનવામાં આવે છે. તેમનો અવતાર રામભક્તિ અને ભગવાન શ્રીરામના કાર્યોને સિદ્ધ કરવા માટે થયો હતો. તેઓ બાળ બ્રહ્મચારી હતા અને બાળપણથી જ પોતાનું સંપુર્ણ જીવન તેમણે રામ ભક્તિ અને ભગવાન શ્રીરામની સેવામાં સમર્પિત કરી દીધું.
હનુમાન જયંતી વ્રત અને પૂજા
હનુમાન જયંતીનું વ્રત રાખનારે એક દિવસ પૂર્વ બ્રહ્મચર્યનું પાલન કરવાની સાથે અમુક નિયમોનું પાલન કરવું પડે છે. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન શ્રી રામ, માતા સીતા તથા હનુમાનજીનું સ્મરણ કરીને સ્વચ્છ થઇને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી વિધિપૂર્વક પૂજા કરવી જોઇએ. તેમને જનોઇ પણ ચઢાવવામાં આવે છે. સિંદૂર અને ચાંદીના વરક ચઢાવવાની પણ પરંપરા છે. કહેવામાં આવે છે કે એક વાર મારા સીતાને માંગમાં સિંદૂર લગાવતા જોઇ હનુમાનજીએ આનું મહત્વ પુછયું, માતા સીતાએ જણાવ્યું કે પતિ પરમેશ્વરના લાંબા આયુષ્ય માટે માંગમાં સિંદૂર લગાડવામાં આવે છે. ત્યારબાદ ભગવાન શ્રીરામના લાંબા આયુષ્ય માટે હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું હતું. એટલા માટે હનુમાન જયંતીના દિવસે તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે. આના સિવાય હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ પણ કરવામાં આવે છે અને તેમની આરતી ઉતારવામાં આવે છે. આ દિવસે સ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિતમાનસના સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસા અખંડ પાઠ પણ કરવામાં આવે છે. પ્રસાદના રૂપે તેમને ગોળ, ચણા અને બેસનના લાડુ ધરાવવામાં આવે છે.
હનુમાનજી અને સમસ્યા નિવારણ
ગ્રહ દોષથી પિડિત વ્યક્તિએ હનુમાનજીની મુર્તિ સમક્ષ મંગળવાર અને શનિવારના દિવસે સરસિયુંના તેલનો દિવો કરવો.
- દરરોજ બજરંગ બાણનો પાઠ કરવાથી દુશ્મન પણ દોસ્ત બની જાય છે.
- તુલસીના 108 પાન પર લાલ ચંદનથી જય શ્રીરામ લખી ભગવાન હનુમાનજીને અર્પણ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.
- એક બેઠકમાં હનુમાન ચાલીસાના સો પાઠ કરવાથી પણ વિઘ્નોનો નાશ થાય છે.
- હનુમાનજીને બેસનના લાડુનો પ્રસાદ ધરાવી તે પ્રસાદ મંદિરમાં જ વહેંચી દેવો તેનાથી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થઇ જાય છે.
- દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી ખરાબ દિવસોનો અંત આવે છે.