નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સંયુક્ત રાષ્ટ્રે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને અન્ય અનેક હુમલામાં સીધીરીતે સંડોવણી ધરાવનાર જમાત ઉદ દાવાના લીડર હાફીઝ સઇદની અરજીને ફગાવી દીધી છે. હાફિઝ સઇદે પ્રતિબંધિત આતંકવાદીઓની યાદીમાંથી તેના નામને દૂર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સંયુક્ત રાષ્ટ્રે તેની અરજીને ફગાવી દીધી છે. આની સાથે જ પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પ્રતિબંધિત જૈશે મોહમ્મદના લીડર મસૂદ અઝહરનું નામ પુલવામા હુમલામાં આવ્યું છે. પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનોના મોત થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત સમિતિએ જૈશના લીડર મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ મુકવા માટેની નવેસરની વિનંતી કરી હતી.
હાફીઝ સઇદની અરજીને ફગાવી દેતા પાકિસ્તાનને પણ મોટો ફટકો પડ્યો છે. ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબાના સહસ્થાપક હાફીઝ સઇદના સંદર્ભમાં ભારતે તમામ માહિતી પાકિસ્તાનને પુરી પાડી છે. ભારતે ખુબ જ ગુપ્ત માહિતી પણ તેની ગતિવિધિ અંગે પુરી પાડેલી છે. વૈશ્વિક આતંકવાદી સંગઠનમાં તેનું નામ પહેલાથી જ રહેલું છે. અહેવાલાં જણાવવામાં આવ્યું છે કે, તેના વકીલ હૈદર રસુલ મિર્ઝાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઉગ્ર રજૂઆત કરી હતી પરંતુ તેની રજૂઆત ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠનોની યાદી પહેલાથી જ તૈયાર કરવામાં આવી ચુકી છે. જમાત ઉદ દાવા પર ૧૦મી ડિસેમ્બર ૨૦૦૮ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તે વખતે મુંબઇ હુમલો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ૧૬૬ લોકોના મોત થયા હતા. હાફિઝ સઇદે ૨૦૧૭માં લાહોર સ્થિત કાયદાકીય કંપની મિર્ઝા એન્ડ મિર્ઝા મારફતે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરી હતી. તે હજુ પણ પાકિસ્તાનમાં નજરકેદ હેઠળ છે. પ્રતિબંધને દૂર કરવા માટે અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિમવામાં આવેલા સ્વતંત્ર નિષ્ણાત દ્વારા હાફિઝ સઇદના વકીલને માહિતી આપી હતી કે, તમામ બાબતોને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવાયો છે. હાફિઝ તરફથી કરવામાં આવેલી અરજીનો ભારત દ્વારા જારદાર વિરોધ કરવામાં આવ્યો હતો. અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ સહિતના દેશો દ્વારા પણ વિરોધ કરાયો હતો.
જો કે, પાકિસ્તાને ફરી એકવાર તેના નાપાક ઇરાદા દર્શાવીને આનો વિરોધ કર્યો ન હતો. વડાપ્રધાન ઇમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકારે પણ આનો વિરોધ કર્યો ન હતો. ઇમરાન સરકારે વૈશ્વિક સમુદાયને ગેરમાર્ગે દોરવાના હેતુથી પહેલાથી જ કહ્યું છે કે, આતંકવાદી સામે પગલા લેવામાં આવી રહ્યા છે. ઇમરાન ખાનની સરકારનું કહેવું છે કે, નવા પાકિસ્તાન હેઠળ ત્રાસવાદીઓ સામે કાર્યવાહી થઇ રહી છે. ગયા મહિનામાં જ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી જૈશના લીડર મસુદ અઝહર ઉપર પ્રતિબંધ મુકવા રજૂઆત કરવામાં આવી હતી. મસુદને લઇને પાકિસ્તાનની હાલત કફોડી બનેલી છે. હાફિઝની અરજી ઉપર નિર્ણય લેવામાં ઘણો વિલંબ થઇ ચુક્યો છે. જા કે, તેની અરજીને ફગાવી દેવામાં આવી છે. મસુદ અઝહર અને હાફિઝ સઇદ સહિત પાકિસ્તાનમાં જારદારરીતે આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે જેમાં યુવાનોને ત્રાસવાદીઓની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તેમની ગતિવિધિ ઉપર વિશ્વની નજર રહેલી છે. પ્રતિબંધિત ત્રાસવાદીઓની યાદીમાંથી પોતાના નામને દૂર કરવા હાફિઝ સઇદની અરજી ફગાવી દેવામાં આવતા ભારતને પણ મોટી રાજદ્વારી જીત મળી છે.