ગાંધીનગર: રાજ્યભરમાં ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા’ હેકેથોન-૨૦૧૮નું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું. જે અંતર્ગત ૨૪ તથા ૨૫ માર્ચ, ૨૦૧૮ દરમિયાન ગાંધીનગર ખાતે ભવ્ય સમાપન થયું હતું. જેમાં ૧૧ યુનિવર્સિટીની ૬૨ કોલેજોના ૯૧૭ વિદ્યાર્થીઓની ૧૫૩ ટીમો દ્વારા ૯૦ જેટલા પડકારોના ઉકેલ માટે પ્રોજેકટ્સ રજૂ કરાયા હતા.
આ હેકેથોન-૨૦૧૮માં વિજેતા થયેલા, ઉપરાંત નેશનલ હેકેથોનમાં વિજેતા થયેલા અને હેકેથોનમાં શ્રેષ્ઠ સહયોગી બનેલા વિભાગો અને સંસ્થાઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ૧૬ મે-૨૦૧૮ના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે પારિતોષિક એનાયત કરીને સન્માન કરાશે.
મુખ્યમંત્રી રૂપાણીના મુખ્ય મહેમાન પદે ગાંધીનગર ખાતે નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ, નર્મદા હૉલ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી સેલ અને ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા યોજાનારા આ પારિતોષિક વિતરણ સમારોહ અને હેકેથોન વિનર્સ મીટમાં અતિથિ વિશેષપદે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે. વિવિધ પડકારોના ઉકેલ માટેની એવોર્ડ વિજેતા કૃતિઓ પણ આ તકે સાબરમતી હૉલ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પ્રદર્શિત કરાશે.