* ગુરુપૂર્ણિમા વિશેષઃ ગુરુ-શિષ્યનો સંબંધ સર્વોપરી છે *
પ્રાચીનકાલથી જ આપણા દેશમાં ગુરૂ શિષ્યનો સબંધ સર્વોપરી રહ્યો છે. ગુરૂની પ્રત્યેક આજ્ઞા કોઇપણ શિષ્ય માટે આદેશથી ઓછી હોતી નથી. ગમે તેવી કપરી સ્થિતિમાં પણ પ્રત્યેક શિષ્યે તેના ગુરૂની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ.
સંતજન કહે છે કે …
राम कृष्ण सबसे बड़ा उनहूँ तो गुरु कीन्ह।
तीन लोक के वे धनी गुरु आज्ञा आधीन॥
આજે આપણે વિકાસની નિતનવી પરિભાષા લખી રહ્યા છીએ, વિજ્ઞાન નવા આવિષ્કાર કરી રહ્યું છે છતાં ગુરૂ વગર સમાજમાં વિકાસની પરિભાષા અશક્ય છે.
શાસ્ત્રો પ્રમાણે ગુરૂ નામમાં “ગુ” શબ્દનો અર્થ છે “અંધકાર” અને “રુ” શબ્દનો અર્થ છે “તેનો નાશ કરનાર” આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરૂ કહેવાય છે.
“अज्ञान तिमिरांधश्च ज्ञानांजन शलाकया, चक्षुन्मीलितम तस्मै श्री गुरुवै नमः “
ગુરૂ તેના શિષ્યોને જ્ઞાન અને શિક્ષા આપી તેમના જીવનને ઉત્કૃષ્ઠ બનાવે છે. દેવોની જેમ જ ગુરૂ પ્રત્યે પણ ભક્તિ હોવી આવશ્યક છે. સદગુરૂની કૃપાથી તો ઈશ્વરના સાક્ષાત્કાર પણ સંભવ છે. તેમની કૃપાના અભાવે કશું જ સંભવ નથી. માટે જ તો સંત કબીરે કહ્યું છે કે,
गुरू बिन ज्ञान न उपजै, गुरू बिन मिलै न मोष।
गुरू बिन लखै न सत्य को गुरू बिन मिटै न दोष।।
ગુરૂ તેના શિષ્યને સાચો માર્ગ બતાવે છે. ગુરૂ એક એવા પારસમણી છે કે જે જ્ઞાનરૂપી ભંડાર આપી સામાન્ય માણસને પણ મહાન બનાવી દે છે.
गुरू पारस को अन्तरो, जानत हैं सब संत।
वह लोहा कंचन करे, ये करि लेय महंत।।
એટલે જ તો ચાણક્યજી એ કહ્યું છે કે “ગુરૂ (શિક્ષક) કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હૈ” આપણે આ વાત ભૂલવી ન જોઈએ કે વ્યકિત ગમે તેટલો મહાન કેમ ન હોય તેના પ્રારંભિક શિક્ષાની શરૂઆત ગુરૂએ જ કરી હોય છે માટે જ ગુરૂ એ સર્વશ્રેષ્ઠ છે. ગુરૂનું સ્થાન સર્વોપરી છે.
“गुरू गोविंद दोऊ खड़े, काके लागूं पांय।
बलिहारी गुरू आपकी गोविंद दियो बताय।।“
જે ગુરૂએ આપણને સાચો માર્ગ બતાવ્યો તથા આપણા જીવનને ઉન્નત બનાવ્યું તેણે વંદન કરવાનો તથા પૂજન કરવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા. આ દિવસે ગુરૂ પૂજનનો રીવાજ છે. અષાઢ માસની પૂનમને ગુરૂપૂર્ણિમા કહેવામાં આવે છે.
આ દિવસે મહાન ઋષિ તથા મહાભારતના રચયિતા વ્યાસજીનો જન્મદિવસ પણ છે. આમ તો ધણાં ગુરૂ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ, જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભકિતકાલના સંત ધીસાદાસનો જન્મ પણ આજ દિવસે થયો હતો તેઓ ઉપરોક્ત દોહા જેમણે લખ્યા છે તે કબીરદાસના શિષ્ય હતા.
ગુરૂપૂર્ણિમા વર્ષાઋતુના આરંભે આવે છે. જેમ સૂર્યના તાપથી તપ્ત ભૂમિને વર્ષાથી શીતળતા તેમજ પાક નિર્માણ કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરૂ ચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, યોગ શક્તિ, શાંતિ અને ભક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
ગુરૂ તેમના શિષ્યોને મહાન કેવી રીતે બનાવી શકે કે તે સમજાવવા હું મારી પુસ્તક “ઝેન કથાઓ”માંની એક કથા અહીં ટાંકું છું.
તો ચાલો ગુરૂપૂર્ણિમા નિમિતે વાંચો એક ઝેન કથા:
શીફૂંગ નામના એક ચીની બાળકને કરાટેમાં સર્વશ્રેષ્ઠ યોદ્ધા બનવાની પ્રબળ ઈચ્છા હતી. એણે પોતાની આ વાત માતા-પિતાને જણાવી. પુત્રની વાત સંભળાતા જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં. અને બાળકને સમજાવ્યું કે બેટા કરાટે? આ તારો વિષય નથી. આડોશપાડોશના બાળકોને આ વાત ખબર પડતાં તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યાં. પણ બાળકને તો કરાટે શીખવાની પ્રબળ ઈચ્છા હોવાથી તે એક રાત્રે ચુપચાપ ઘરેથી ભાગી ગયો.
કેટલાય દિવસો સુધી રખડતાં ભટકતાં આખરે તેની શોધ પૂર્ણ થઇ. તે એક કરાટે ગુરૂના આશ્રમમાં જઈ પહોંચ્યો. ગુરૂને જયારે બાળકે પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા. કારણ આ બાળકને ડાબો હાથ જ નહોતો! હવે આવા અપંગ બાળકને કરાટે કેવી રીતે શીખવવું? છતાં બાળકની કરાટે પ્રત્યેની ચાહના જોઈ ગુરૂએ એને આશ્રમમાં રાખી લીધો. અને બીજા દિવસથી જ શીફૂંગની તાલીમ શુરૂ થઇ. બધા બાળકો સાથે ગુરૂએ શીફૂંગને એક કીક મારતાં શીખવાડી અને પછી એનો અભ્યાસ કરવાનો કહ્યો. થોડા દિવસ બધાં બાળકોએ કીકનો અભ્યાસ કર્યો. હવે ગુરૂએ શીફૂંગને છોડીને બીજા બધાં બાળકોને નવી કીક શીખવાડી. હવે બાળકો એ કીકની પ્રેક્ટીસ કરવાં લાગ્યાં. શીફૂંગ ગુરૂ પાસે ગયો અને ગુરૂને પૂછ્યું “ગુરૂજી મારા માટે શી આજ્ઞા છે?”
ગુરૂએ શાંતપણે કહ્યું “બેટા, તને પહેલા દિવસે શીખવાડેલી એ જ કીકનો અભ્યાસ કર. ગુરૂઆજ્ઞાને માન આપી શીફૂંગ એ કીકનો અભ્યાસ મનપૂર્વક કરવા લાગ્યો. આમને આમ છ મહિના વીતી ગયા. ગુરૂજી બીજા બાળકોને નવા નવા દાવ શીખવાડતાં અને જયારે શીફૂંગ ગુરૂ પાસે જઈ નવા દાવ શીખવવાનું કહેતો ત્યારે ગુરૂ શાંતપણે કહેતા “બેટા તું એ જ કીકનો અભ્યાસ કર હજી તું એ કીક મારવામાં નિપુણ નથી થયો. શીફૂંગ જાણી ગયો હતો કે ગુરૂ આડકતરી રીતે એણે ટાળી રહ્યા છે પણ એ જિદ્દી હતો.
ગુરૂઆજ્ઞાને માન આપી તે એ જ કીકનો મનપૂર્વક અભ્યાસ કરવા લાગ્યો. આમને આમ ત્રણવર્ષ પુરા થઇ ગયાં. બીજા બાળકોની તાલીમ પૂરી થઇ. પણ શીફૂંગ તો હજીપણ એજ કીકનો અભ્યાસ કરતો હતો.! હવે દર ત્રણ વર્ષે ચીનમાં યોજાનારી કરાટેની સ્પર્ધા થવાની હતી. જેમાં જુના નવા બધાં કરાટે ચેમ્પિયન ભાગ લેતા. બિચારો શીફૂંગ નાનપણથી જ આ સ્પર્ધામાં વિજેતા થવાનું સ્વપ્ન જોતો હતો. પણ એ જાણતો હતો કે એ સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ નહિ થાય. પણ આશ્ચર્ય સાથે ગુરૂએ જે પાંચ બાળકો સ્પર્ધા માટે પસંદ કર્યા એમાં એક નામ શીફૂંગનું હતું!
શીફૂંગ આશ્ચર્યથી ગુરૂ પાસે ગયો અને બોલ્યો “ગુરૂજી મારી પર દયા ખાઇ મારૂ નામ સ્પર્ધામાં ન આપશો, હું પૂર્ણ તૈયાર થઈને જ સ્પર્ધામાં ભાગ લઈશ.” ગુરૂએ હસીને કહ્યું “શીફૂંગબેટા, તું બિલકુલ પણ ચિંતા કર્યા વગર સ્પર્ધામાં ભાગ લે, વિશ્વાસ રાખ આ વર્ષનો વિજેતા તું જ હોઈશ.” શીફૂંગને નવાઈ લાગી. છતાં એ ત્યારે કશું ન બોલ્યો. હવે સ્પર્ધાનો દિવસ આવી ગયો. શીફૂંગની કમનસીબી એવી કે પ્રથમ રાઉન્ડમાં જ એનો સામનો પાછલાં વર્ષના વિજેતા ચ્યાનતું સાથે થવાનો હતો. રીંગમાં ચ્યાનતું અને શીફૂંગ ભીડાયા, શીફૂંગ જાણતો હતો કે એની હાર નિશ્ચિત છે છતાં એણે વર્ષો સુધી શીખેલી કીક ચ્યાનતુંને મારી અને આ શું?
શીફૂંગની એક જ કીકથી ચ્યાનતું ત્યાંજ ચિત્ થઇ ગયો. સ્પર્ધા જોતા બધાં લોકોમાં સન્નાટો છવાઈ ગયો. અને શીફૂંગ એ મેચમાં વિજેતા ઘોષિત થઈ ગયો. હવે શીફૂંગમાં આત્મવિશ્વાસ વધ્યો તે હવે ઉત્સાહથી દરેક મેચમાં ભાગ લેવા માંડ્યો. દરેક મેચમાં એની પહેલી કીકથી જ સામો પ્રતિસ્પર્ધી ચિત્ થઇ જતો. અને આખરે ફાઈનલ મેચ પણ શીફૂંગે એક જ કીકમાં જીતી લીધી. એ વર્ષનો એ સર્વશ્રેષ્ઠ વિજેતા બન્યો. હાથમાં ઇનામ લઇ એ ગદગદિત થઈ ગુરૂના ચરણો પર ઢળી પડતા બોલ્યો “ગુરૂજી આ ચમત્કાર કેવી રીતે થયો?”
ત્યારે ગુરૂ બોલ્યા “બેટા આ બધું તારા કઠોર પરિશ્રમનું પરિણામ છે. મેં તને જે પહેલા દિવસે કીક શીખવાડેલી તે એક વિશિષ્ટ પ્રકારની કીક હતી. જે શીખવા માટે લોકોએ ઘણી મહેનત કરવી પડે છે. હવે તું ત્રણ ત્રણ વર્ષ સુધી એકધારી રીતે એકની એક જ કીકની તાલીમ લેતાં લેતાં એમાં નિષ્ણાત થઇ ગયો. હવે તારી એ કીકનો કોઈ હરીફ પાસે તોડ નથી.”
શીફૂંગે પૂછ્યું “છતાં ગુરૂજી કોઈક ને કોઈક તો તોડ હશે જ ને? ધારો કે આ જ કીકનો પ્રયોગ સામેવાળા એ મારા પર કર્યો ત્યારે મારે શું કરવાનું?”
ગુરૂએ હસીને કહ્યું “ત્યારે તારે એનો ડાબો હાથ પકડી લેવાનો!!!”
આમ કમજોરીને તાકત બનાવે તે સાચો ગુરૂ તે સદગુરૂ.
***
પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ દિવસે શિષ્ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનુ પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. વર્તમાનમાં તમે પણ તમારા સદગુરૂ એટલે કે શિક્ષકનું અચૂક પૂજન કરી તેમના આશીર્વાદ મેળવા જોઈએ. તથા તેમણે અચૂક ગુરૂ દક્ષિણા આપવી જોઈએ.
ગુરૂ દક્ષિણાનો મતલબ રૂપિયા કે પૈસા નહિ પરંતુ તેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે. સાચી ગુરૂ દક્ષિણા એ જ છે કે તમે તમારાં ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, લોકોનું ભલું કરો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે.
છેલ્લે… ગુરૂ પૂર્ણિમા નિમિતે મારા ગુરૂશ્રી પ.પૂ. ૧૦૦૮ જ્યોતિર્નાથ મહારાજને વંદન..
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:
- પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ }
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}