કહેવાય છે કે ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના જાપ, પૂજા વગેરે નિષ્ફળ જાય છે. એટલે ગુરુ દીક્ષા હેઠળ ગુરુ પોતાના શિષ્યને એક મંત્ર આપે છે. જ્યારે તમે મુશ્કેલીમાં ફસાયેલાં હોવ, કોઈ ર્નિણય લઇ શકો નહીં તો ગુરુ આવા મુશ્કેલ સમયનો સામનો કરવા માટે રસ્તો બતાવે છે. એટલે જ આપણે ત્યાં ગુરુનું ખૂબ જ મહત્વ છે. તેવામાં ૧૩ જુલાઈ બુધવારના રોજ ગુરુ પૂર્ણિમા પર્વ છે. હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.
ભગવાન દત્તાત્રેયનું વચન હતું કે એકવાર ગુરુ દીક્ષા લેવાથી કામ ચાલશે નહીં, સતત ગુરુ દીક્ષા લેવી પડશે. કબીરે પણ આવું જ કહેતા સમજાવ્યું હતું કે વાસણ સાફ કરતા રહો. જેમ વાસણ સતત ગંદા થતા હોય છે અને તેને સતત સાફ કરવા પડશે, જેટલી વાર સાફ કરશો તેટલાં જ વધારે ચમકશે. એટલે જ્યારે વ્યક્તિ ઉપર લોભ, લાલચ, સ્વાર્થ, મોહ, અહંકાર અને ગુસ્સો હાવી થાય ત્યારે ગુરુ દીક્ષા દ્વારા પોતાને ફરીથી સાત્વિક ઊર્જાથી ભરી લેવા જોઈએ. એટલે જ્યારે પણ તક મળે ત્યારે ગુરુ દીક્ષા લેવી જોઈએ. પછી ભલે પહેલાં પણ ગુરુ દીક્ષા લીધી હોય. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદી નિત્યકર્મથી નિવૃત થાય બાદ ભગવાન વેદવ્યાસજીના ચિત્રને ફૂલ કે માળા ચઢાવીને પોતાના ગુરુ પાસે જવું જોઈએ. પોતાના ગુરુને આસન ઉપર બેસાડીને ફૂલની માળા પહેરાવો. પછી પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. જો તમારા ગુરુ તમારી પાસે ન હોય અથવા તો તેમની સાથે મુલાકાત શક્ય ન હોય તો તેમની તસવીર સામે માથુ ટેકવીને તેમની પૂજા કરો. પહેલા લેવામાં આવેલી ગુરુ દીક્ષાના સમયે તેમણે તમારા કાનમાં જે ગુપ્ત ગુરુ મંત્ર જણાવ્યો હોય. તેને નિયમિત ૫ કે ૧૧ વાર જાપ કરો. આજના દિવસે તે મંત્રનો જાપ ખાસ કરીને કરવો જોઈએ. જો તમારા ગુરુએ કોઈ વિશેષ કાગળ ઉપર તમને તમારો ગુપ્ત ગુરુ મંત્ર આપ્યો હતો તો તેને સાચવીને રાખો. આજના દિવસે તેને પૂજામાં રાખીને તેના ઉપર ફૂલ અને કંકુથી પૂજા કરો અને ગુરુનું સ્મરણ કરો. આ દરમિયાન નીચેના ગુરુ મંત્રથી મનમાં ધ્યાન ધરો. જો તમે અત્યાર સુધી કોઇને અધ્યાત્મિક ગુરુ બનાવ્યાં નથી કે પછી કોઈ પાસેથી દીક્ષા લીધી નથી તો ભગવાન વિષ્ણુને ગુરુ માનીને પ્રણામ કરો. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક લોકો ગુરુ બનાવે છે ગુરુ દીક્ષા લે છે. એટલે તમે પણ આ દિવસે તમારી ઇચ્છા પ્રમાણે કોઇ વિદ્વાન ગુરુ પાસેથી ગુરુ દીક્ષા લઇ શકો છો, જે તમારા જીવનમાં કોઈપણ સમસ્યા અને સારા નરસા પ્રસંગે તમને માર્ગદર્શન આપશે. જોકે, ગુરુ દીક્ષાનો અર્થ ગુરુના આશ્રમમાં તેમની પાસે રહીને જ્ઞાન લેવાનો છે, જેમ ગુરુકુળમાં રહીને શિષ્ય શિક્ષા-દીક્ષા લતા હતાં. સ્વયં ભગવાન રામ અને કૃષ્ણ પણ આ રસ્તા ઉપર ચાલ્યાં છે. પરંતુ સાંસારિક લોકો માટે હવે ગુરુ મંત્રથી દીક્ષા લેવાની જરૂરિયાતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી. આધ્યાત્મિક ગુરુને જ પરબ્રહ્મ કહેવામાં આવે છે. ગુરુ વિના જ્ઞાન અશક્ય છે. કહેવામાં આવે છે કે ગુરુના જ્ઞાન વિના જીવનનો યોગ્ય રસ્તો મળી શકતો નથી.