રેણુંકા સાસરે આવી તે દિવસથી તેણે એક બાબતની ખાસ નોંધ લીધી હતી. તેની નણંદ સ્વીટી તેને વધુ પડતું વહાલ કરતી હોય કે પછી એની બહુ કાળજી રાખતી હોય એવું તેને લાગતું હતું. ક્યારેક કોઇ વધારે વહાલ કરે કે વધારે કાળજી લે તો ય માણસનું મન શંકા રાખવા લાગે છે.
– “ શું એમ કરીને સ્વીટી મારું ધ્યાન તો નહિ રાખતી હોય ? “
– “ કદાચ મારાં સાસુ સસરાએ તો સ્વીટીબેનને આવું કરવા નહિ કહ્યું હોય ? “
આવા પ્રશ્નો રેણુંકાના મનમાં થયા કરતા. સ્વીટી તેને બહુ એકલી પડવા દેતી નહિ. રસોઇમાં મદદ કરે, ઘરના બીજા કામમાં મદદ કરે એ તો રેણુંકાને સારું લાગે પણ બપોરે રેણુંકા એના રૂમમાં આરામ કરતી હોય ત્યારે ય સ્વીટી,
“ ભાભી, આવું કે ? કહેતી તેની પાસે પહોંચી જતી. રેણુંકાને આ ન ગમતું પણ એ એને સીધે સીધું કશું બોલી શકે તેમ ન હતી. રાત્રે એના પતિ વિકાસને આ વાત કરવા તે વિચારતી પણ પછી થતું કે વિકાસને આ વાત નહિ ગમે ને તે કદાચ સ્વીટીને આ અંગે લડી પડે તો વાતનું વતેસર થઇ જશે, એવા ભયથી તે અટકી જતી. જો કે રેણુંકાને એકલા પડીને કોઈને છાના છાનાફોન તો કરવાના ન હતા પરંતુ સ્ત્રીઓ ને સ્વતંત્રતા ગમતી હોય છે તે ન્યાયે તે સ્વીટી થી પીછો છોડાવવા માગતી હતી.
રેણુંકાનો પતિ વિકાસ વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. અને દરરોજ અપ ડાઉન કરતો હતો.રેણુંકાને વિકાસ સાથે શનિ રવિની રજામાં વડોદરા સીટીમાં ફરવા જવા તેમ જ મનગમતું શોપિંગ કરવાની ઇચ્છા હતી. પરંતુ એ ખચકાતી હતી કેમ કે તેની નણંદ સ્વીટી તો સાથે આવવાની જ હતી. જો સ્વીટી સાથે હોય તો પછી એ વિકાસ સાથે છૂટથી અને મોજ મસ્તી થી ફરી ન શકે, એકાદ નાઈટ એને વડોદરામાં મોટી હોટલમાં રહેવાનું પણ મન હતું. આ બધુ જો સ્વીટી સાથે આવે તો થઇ શકે જ નહિ….. એ ખૂબ વિચારતી રહી… એવો કંઇક આઇડિયા કરું કે સ્વીટી અમારી સાથે આવે નહિ અને હું અને વિકાસ વડોદરામાં જલસો કરી આવી એ….. એક રાત્રે એને વિકાસને આ બાબતે લટુડાં પટુડાં કરીને રાજી કરી લીધો ને સ્વીટીબેન કે મમ્મી એમને સાથે લઇ જવા કહે તો સિફતથી ના પાડીદેવા પણ સમજાવી દીધો….
વિકાસે શુક્રવારે રાત્રે મમ્મી-પપ્પા ને વાત કરી ત્યારે સ્વીટી પણ ત્યાં જ હાજર જ હતી. જેવી વિકાસે તે રેણુંકાને તે શનિ રવિમાં વડોદરા ફરવા લઇ જવાની વાત કરી કે સ્વીટી તરત વચ્ચે કૂદી પડી, રેણુંકા તો ગભરાઈ જ ગઇ…
“ અરે ભાઇ, હું તો તમારા લગ્ન થયા ને ત્યારથી જ વિચારતી હતી કે ભાઇ ભાભીએ ત્રણ ચાર દિવસ માઉંટ આબુ તરફ ફરવા જવું જ જોઇએ અરે મેં તો આ માટે મમ્મી પપ્પાને બે ત્રણ વખત કહ્યું પણ હતું પરંતુ પપ્પા હમણાં થાય છે… થાય છે… કહીને ટાળી દેતા હતા, કેમ પપ્પા બોલો ખરી વાત છે ને ? “
આ સાંભળી તેના પપ્પાએ હસતાં હસતાં કહ્યું,
“ હા, વિકાસ,સ્વીટી ની વાત બિલકુલ સાચી છે, તું અને વહુ શનિ રવિમાં વડોદરા ફરી આવો ને પછી દિવાળી પર ત્રણ ચાર દિવસ માઉન્ટ આબુ બાજુ પણ ફરી આવજો…હોં”
લ્યો મળી ગઇ મમ્મી પપ્પાની રજા …. રેણુંકા તો સ્વીટીની વાત સાંભળી આભી જ બની ગઇ.. પોતે નણદ માટે કેવું ખોટું વિચારેલું તે બદલ પસ્તાવા લાગી.. પણ પસ્તાવાના ભાગ રૂપે તે ઝડપથી બોલી ઉઠી,
“ સ્વીટી બેન તમને વડોદરા ફરવા તો અમે લઇ જ જશું … ને તમારે અમારી સાથે આવવું જ પડશે..”
વિકાસ રેણુંકાનું બદલાયેલું રૂપ જોઇ જ રહ્યો..
“ હા ભાભી પણ એક શરતે જ હું વડોદરા આવીશ..”
“ શરત ? કઇ શરત ? “ રેણુંકાએ વળતું પૂછ્યું
“ શરત એ જ કે દિવાળી ઉપર તમે બંને જણ માઉન્ટ આબુ ઉપર ત્રણ ચાર દિવસ માટે જશો જ એવું મને પાક્કુ વચન આપો તો જ હું બરોડા આવીશ.. “
“ ભલે બેનબા તમારી વાત મંજુર… જાઓ તમને પાક્કુ વચન આપ્યું બસ..” બોલતી એ સ્વીટીને ભેટી પડી. જાણે કે બે ય જણ અત્યંત ખુશ થઇ ગયાં હતાં…
વિકાસને રેણુંકાને સ્વીટીને વડોદરા લઇ જવાની અને સ્વીટીની માઉન્ટ આબુ ન આવવાની વાત ખૂબ જ ગમી ગઇ. સૌના મનમાં ખુશી છલકાઇ ઉઠી.
- અનંત પટેલ