આરતી મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. શું કરવું એ તેને સમજાતું ન હતું. કેટલાં અરમાનો સાથે તેણે સાસરે પગ મૂક્યો હતો ? લગ્ન વખતે એની સખિઓએ એના હાથમાં મહેંદી મૂકતાં કે પછી પીઠી ચોળતાં ભાભીઓએ કરેલી મજાકો યદ આવતી હતી. એ કેવું શરમાઇ જતી હતી ? પતિ ગૃહે જવાનો છૂપો આનંદ મનમાં હતો, છતાં પિતાનું ઘર સદાને માટે છોડવાનું ભારે દુ:ખ હતું. હ્રદયમાં મીઠાં સપનાંને ભરી એ પતિગૃહે આવી હતી.
તેનો પતિ અજય સરળ અને મિલનસાર સ્વભાવનો હતો. પત્ની જ્યાં સુધી ન આવી હોય ત્યાં સુધી પુત્ર પર માતાનું અસ્તિત્વ છવાયેલું હોય છે. પત્ની ઘરમાં આવ્યા પછી સમજુ માતા પોતાના સ્નેહના બંધનમાંથી પુત્રને મુક્ત કરી દે છે. પણ આરતીના કમનસીબે અજયને આવી મુક્તિ મળી ન હતી. છતાં આરતીને એ વાતનું દુ:ખ ન હતું. માતા પિતાની સેવા કરવી, એમનો પડ્યો બોલ ઝીલી લેવો એ દીકરા અને વહુની પવિત્ર ફરજ છે એમ માનીને તે જીવતી હતી. આરતીનાં મા બાપ લોઅર મિડલ કલાસનાં હતાં. એટલે આરતીને આવશ્યક હોય તેનાથી વિશેષ કશું આપી શકેલાં નહિ. આને લીધે આરતી પહેલેથી જ એનાં સાસુને સહેજ ખટકતી હતી, ત્યાં તો એના દિયર રમેશની સગાઇ એક ખૂબ જ પૈસાદાર કુટુંબમાં થઇ, બસ થઇ રહ્યું…. !!! આરતીની જાણે કે દશા બેઠી…..!!
રમેશના લગ્ન સંબંધી કામકાજમાં આરતીની અવગણના થવા લાગી. આરતીએ અજયને આ બાબતે સહેજ વાત કરી. તેને પણ આરતીની વાત સાચી લાગી. લગ્નનાં ત્રણ વર્ષ પછી આરતીની એકદમ અવગણના કરવામાં આવે એ તેને પણ અજુગતું લાગ્યું છતાં અગાઉ કહ્યું તેમ તેની મમ્મીની તેના ઉપર બહુ અસર હોવાના કારણે તે એમને આ બાબતે કશું ખાસ કહી શક્યો નહિ…
રમેશનું લગ્ન થઇ ગયું. એની વહુ સ્મિતા કેટલું બધુ લઇને આવી હતી ?? પચાસ તોલા તો સોનુ જ હતું. પછી બીજી શાની કમી હોય ?? એક જૂઓ ને બીજી ભૂલો એવી એકાવન સાડીઓ હતી. વાસણો ફર્નીચર બધું જ તેના પિતાએ તેને આપ્યું હતું. એ એના પિતાની એકની એક દીકરી હતી, એટલે એમણે દીકરીને આપવામાં પાછુ વાળીને જોયુ ન હતું. પણ આમ થવાથી આરતીની સ્થિતિ પિંજરામાં ઉભા રહેલા નિર્દોષ આરોપી જેવી થઇ ગઇ હતી. આરતીએ બધુ આનંદથી જોયું, સૌને બતાવ્યું પણ એ દરમિયાન એનાં સાસુનું એના તરફનું વલણ વિચિત્ર હતું. અડોશ પડોશમાંથી જોવા આવેલી ઘણી બધી સ્ત્રીઓની વચ્ચે આરતી એવી તો ભોંઠી પડી ગઇ કે તે ત્યાં ન ઉભી રહી શકી…. ને એના કાકાજી વળી ત્યારે ય બોલી ઉઠ્યા,
” તે એનાથી તો હવે નહિ જ ઉભુ રહેવાય, પોતે તો કંઇ લાવી નથી, પણ નાની વહુનું જોયું ય જતું નથી…”
આરતી ઘરના ખૂણામાં ખૂબ જ રડી. એ ઘરમાં છૂટથી હરતાં ફરતાં પણ ખચકાવા લાગી. સાસુ સસરાની નજરનાં તીર એને ભોંકાવા લાગ્યાં…પરંતુ આ બધુ નાની વહુ સ્મિતાથી અજાણ્યુ ન હતુ.એ ભલે મોટા ઘરની દીકરી હતી છતાં હૈયામાં પાકી સમજણ ધરાવતી હતી. દસેક દિવસ પછી એને પિયર તેડી ગયા, સાસુએ એની પાસે એકે ય કામ કરાવ્યું ન હતું, એટલે આ વખતે એ ભાભી માટે કશું કરી શકી નહિ..
બીજી તરફ આરતી મનમાં ધૂંધવાઇને બેઠી હતી. સ્મિતાના પિયર ગયા પછી મનને હલકું કરવા એ અજયની સંમતિ લઇને પોતાને પિયર આવી. માના ખોળામાં માથું મૂકીને તે ધૃસ્કે ધૃસ્કે રડી પડી…મા બધુ સમજી ગઇ..પણ એ ય લાચાર હતી. દસ બાર દિવસ થયા છતાં આરતી પાછી ન આવી એટલે અજય એને તેડવા આવ્યો. અહીં આરતીએ મુક્ત મને અજય સાથે વાત કરી અને મમ્મી પપ્પાથી શક્ય હોય તો અલગ રહેવા જવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ અજય એ સ્વીકારવા તૈયાર ન થયો. એ આરતીની બધી વાત સમજતો હતો. બધુ દુ:ખ જાણતો હતો પણ મમી પપ્પાથી અલગ રહેવા જવાની વાત એ ક્યા મોંઢે કરી શકે ?? છેવટે આરતીએ સાસરે આવવાની ના પાડી દીધી અને કહી દીધું કે
” જ્યાં સુધી તમે અલગ મકાન રાખશો નહિ ત્યાં સુધી તે ત્યાં આવશે નહિ…”
અજ્ય વીલે મોંએ પાછો ફર્યો. એનાં મમ્મી પપ્પાએ બળાપો વ્યક્ત કર્યો. થોડાક દિવસમાં રમેશ સ્મિતાને તેડી આવ્યો. આ વખતે ય એ તો સાત આઠ જોડ કપડાં લઇને જ આવી હતી. સાસુ તો ખુશ થઇ ગયાં..સ્મિતાએ પહેલા જ દિવસે રસોઇ બનાવી, સૌ સાથે જમવા બેઠાં . પણ આ શું ? રોટલીમાં મીઠુ બિલકુલ નાખેલુ નહિ, જ્યારે દાળ એકદમ ખારી !! શાકમાં માત્ર મરચું.. સાસુ સસરાએ તો નવી વહુની પહેલી જ રસોઇ હતી એટલે કશું બોલ્યા વિના જેમ તેમ પેટ ભરી લીધું, રમેશને પણ નવાઇ થઇ..પરંતુ સ્મિતાએ એને કંઇક સાનમાં સમજાવ્યો.. અજયને તે દિવસે ઉપવસ હતો. કપડાં ધોવામાં પણ સ્મિતાએ એટલાં સરસ કપડાં ધોયાં કે સાસુમાની સાડી તો કૂટવાથી ફાટી જ ગઇ ને સસરાજીનું ધોતિયું તો મેલું ને મેલું જ.. ઘરમાં કચરો કાઢે તો પંખો ચાલુ રાખીને કાઢે !!!
દસ બાર દિવસમાં તો બધાં તંગ આવી ગયાં. સાસુએ સહેજ ધીમા સ્વરે કહ્યું કે,
” વહુ બેટા, દાળ શાકમાં મીઠુ મરચુ માપનું નાખો તો સારુ, ને કપડાં ય જરા ધીમા હાથે ધૂઓ તો સારુ !!! ”
” એ બધુ મને ના ફાવે, અમારે તો ઘેર નોકર ચાકર એટલે મને તો કશું આવડતું જ નથી..” સ્મિતા ઉછળી પડી..
સ્મિતાનાં સાસુ સસરાને હવે આરતી સાંભરી..વહાલી લાગે એવી શાંત અને શરમાળ આરતી એમને યાદ આવી, ભલે એ રૂપિયા ના લાવી કે ભલે સોનાના દાગીના ન લાવી, પણ એના સંસ્કાર કેવા રૂડા રૂપાળા ?? એના હાથની રસોઇ જમતાં આંગળી કરડવાનું મન થઇ જાય… !! પેલીના રૂપિયા અને દાગીનાને શું કરવાના ??
સવારની ગાડીમાં બેઉં જણ આરતીને ગામ આવ્યાં. બંને શરમાતાં અને સંકોચાતાં હતાં. આરતી તો બેઉં જણને આવેલાં જાણી ગભરાઇ જ ગઇ , શું એ લોકો લડવા ઝગડવા તો નહિ આવ્યાં હોય ?? પણ ના, એમના ચહેરા તો શાંત છે, આવતાં જ એની સાસુએ કહ્યું,
” વેવાણ અમે તો આરતી વહુને તેડવા આવ્યાં છીએ, મને મારા બોલવા ચાલવાનો પસ્તાવો થાય છે. પણ આજે તો અમે ખાતરી આપીએ છીએ કે અમારે તમારી પાસેથી કશું જ જોઇતું નથી, અમારે તો અમારી આરતી જ જોઇએ છે… એને જૂદા રહેવું હશે તો અમે એને જૂદાં મૂકશું અને અમે બે ય જણ એની સાથે જ રહેવા જશું…”
આરતીને ઘડીભર તો આ બધુ સ્વપ્ન સમાન લાગ્યું, શું ખરેખર આ મારાં સાસુ સાચું જ કહે છે કે પછી એમની કોઇ ચાલ તો નહિ હોય ને ?? પણ ના સાસુની આંખો ભીની થયેલી જોઇ એ દોડતી આવી…
” તમે આમ ઢીલાં ના બનો, કંઇક મારી ય ભૂલ હશે, હું ય મારું મન મોટું રાખીશ…. ચાલો આપણે બધાં સાથે જ રહીશું ”
સાંજની ગાડીમાં ત્રણે ઘેર આવ્યાં. સ્મિતા આરતીભાભીને પગે લાગી. ભેટી પડી. જમવાનું તો તેણે તૈયાર જ રાખ્યું હતું. બધાં જમવા બેઠાં. સાસુ સસરાને તો મનમાં સંકોચ હતો,
” વળી પાછુ ખારુ શાક ને મોળી દાળ….”
રમેશ અને અજય તો આનંદથી જમવા લાગ્યા. એમને જોઇને બધાએ જમવાનું શરુ કર્યુ. સાસુ સસરાને તો નવાઇ થઇ !!! દાળ શાકમાં બધુ બરાબર જ હતું…લાપશી પણ સરસ હતી. અદભૂત રસોઇ હતી, રમેશ બોલ્યો,
” જોયું ભાભી, તમે ઘરમાં આવ્યાં એટલે અમારી રસોઇ આપોઆપ સુંદર બની ગઇ. !!!”
અજય સ્મિતાને આભારની નજરે જોઇ રહ્યો.
બસ ત્યારથી આરતી અને અજય, સ્મિતા અને રમેશ એમના મમ્મી પપ્પા સાથે આનંદથી જીવે છે. કોઇ ક્યારે ય કોઇને ઓછું આવે એવું બોલતું નથી…ખરેખર મોટા ઘરની દીકરી સ્મિતાએ તો કમાલ કરી….
- અનંત પટેલ