ભૂલનો ખોટો બચાવ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

આજ કાલ બા બધાંની ભૂલો બહુ જ કાઢતાં હતાં . ખૂબ સરસ રીતે અત્યાર સુધી જીવેલાં બાના સ્વભાવમાં એકાએક આવું પરિવર્તન શા કારણે આવેલ તે ઘરના એકે ય સભ્યને સમજાતું ન હતું. કોઇકે આ ફેરફારનું કારણ શોધવાની કોશિશ કરી, કારણમાં એવું જાણવા મળ્યું કે બા બે દિવસથી ગામમાં બેઠેલી ભાગવદ કથાનું શ્રવણ કરવા જતાં હતાં ત્યાં આ વખતે પધારેલા મહારાજશ્રી પ્રખર વક્તા હોવાથી એમની વાતો સાંભળનારને હ્રદય સોંસરવી ઉતરી જતી. એમાં પહેલા જ દિવસે મહારાજે સમાજમાં, ઘરમાં કે દરેક વ્યક્તિ એના સંસારમાં એક બીજાની ભૂલો કાઢવામાં જે નિપૂણતા કે હોંશિયારી બતાવે છે તેની વાત કરીને લોકોએ એક બીજાની ભૂલ કાઢવામાં કેવા પ્રકારનો સંયમ કે નીતિ રીતિ અપનાવવી તેની સરસ સલાહ આપેલ. એટલે આને આધારે જોઇએ તો બાએ ભૂલ કાઢવામાં સંયમ કે કોઠાસૂઝ બતાવવાની હતી પણ અહીં તો બન્યુ હતુ ઉલ્ટુ જ. બા તો દરેકની વારે વારે ભૂલ જ કાઢવા માડ્યાં હતાં.

— બધાને માટે આ એક રહસ્ય હતું,

— દાદાજી જીવતા હોત તો બાને કદાચ ખોંખારીને કશું કહેત પણ ખરા, પણ એ તો બે વર્ષ પહેલાં જ ધામમાં પહોંચી ગયા  હતા.

— બા જેની ભૂલ કાઢે એના તરફથી પોતાની ભૂલ સંબંધમાં શું શું પ્રતિ ક્રિયા અપાય છે એ તો બા ખાસ ધ્યાનથી જોતાં,

— કોઇ પોતાની ભૂલનો બચાવ કરતું,

— કોઇ પોતાની ભૂલ ક્યા કારણોસર થઇ છે તેનો ખુલાસો કરતું,

— કોઇ ભૂલ થવા પાછળ પોતે જરાય જવાબદાર નથી પણ  બીજાની ભૂલનો તે ભોગ બન્યા છે તેવું પણ કહેતું,

— કોઇ તો વળી સામેથી બાની ભૂલ બતાવે ને કહે કે તમે અમારા જેવડાં  હતાં ત્યારે આવી ભૂલો તો દરરોજ કરતાં હતાં જ ને …?

બાનું આવું ઘરના બધા સભ્યોની ભૂલો બતવવાનું વલણ એકાદ અઠવાડિયા સુધી જોરદાર રીતે અમલમાં રહ્યું, પણ પછી બાએ ભૂલ કાઢવાનું એકાએક બંધ જ કરી દીધું. આમ થવાથી પાછાં બધાં વિચારમાં પડ્યાં.

— નક્કી કોઇક બાને લડ્યું લાગે છે,

— કદાચ કોઇએ બાને એમની જૂની કોઇ મોટી જબરદસ્ત ભૂલ બતાવી દીધી લાગે છે,

— કદાચ બાની આવી વર્તણૂંકની વાત કોઇ વહુએ ગામમાં કરી હોય ને ગામના કોઇ વડીલે બાને કશીક ટકોર પણ કરી હોય..

બધાં પાછા જાત જાતના તર્ક વિતર્ક કરતાં જ રહ્યાં. પણ એક રાત્રે બાએ ઘરના બધા સભ્યોને એમના રૂમમાં બોલાવીને મહારાજશ્રીએ કથામાં માણસ ભૂલ કાઢે ત્યારે જેની ભૂલ કઢાઇ હોય તે કેવો ખરો કે  ખોટો બચાવ કરતો હોય છે તેની વાત કરી હતી, તે ચેક કરવા બાએ અઠવાડિયાથી ઘરમાં જેની ભૂલ આવે તે તરત જ બતાવવાનં શરુ કર્યુ હતું  તેમણે જેની ભૂલ બતાવી હતી  તે દરેકને સમજાવીને કહ્યું કે મેં જેને જેને ભૂલ બતાવી છે તેની ભૂલ તો હતી જ એવું તો તમે સૌ માનો છો કે નહિ ?? એના જવાબમાં સહુ મૌન રહ્યાં, કોઇ કશું બોલ્યું જ નહિ. બધાનું મૌન રહેવું એટલે પોતાની ભૂલની મૂક સ્વીકૃતિ એવો બાએ અર્થ કાઢીને એટલું જ કહ્યું

” મેં જ્યારે તમારી કોઇની ભૂલ બતાવી ત્યારે તે વ્યક્તિએ  હા બા એ મારી ભૂલ છે હોં,  સોરી એવું કહી દીધું  હોય તો વાત ત્યાં જ પૂરી થઇ જતી પણ તમારામાંથી કોઇ એકે ય વ્યક્તિએ પોતાને ભૂલ કબૂલી લેવાને એ ભૂલ માટે કેવા વાહિયાત ખુલાસા કર્યા, કેવો ખોટો બચાવ કર્યો, કેવાં બહાનાં બતાવ્યાં, ઉલ્ટુ બીજાનો દોષ બતાવ્યો, વળી  કોઇએ તો મારા પર જ હૂમલો કર્યો ને મારી જૂની ભૂલો બતાવવા બેસી ગયા…. આ બધુ  જ પેલા મહારાજજીએ કથામાં કહ્યું હતું એમ જ બનતું હતું, ”

અને બાએ કહ્યા મુજબ એ પોતે એવા ખોટા બચાવ અને બહાનાંની મજા પણ  લઇ રહ્યાં હતાં. પછી અંતમાં વધારે ચોખવટ સાથે કહી જ દીધું કે ,

” જૂઓ  હું તો મારી  ભૂતકાળની બધી જ ભૂલો કબૂલું છું ને આજથી તમને બધાને શિખામણ આપું છું કે પોતાનો વાંક કબૂલવામાં કશી જ નાનમ અનુભવવી જોઇએ નહિ…..જો આટલું કરશો તો તમે નકામા વાદ વિવાદથી બચી શકશો…”

અમે બધાં તો બાની વાત સાંભળી જ રહ્યાં, અમને બાને આવી પ્રેરણા આપનાર પેલા કથાકાર પ્રત્ય ઘણું ય માન ઉપજ્યું.ખરેખર દરેક વ્યક્તિ  પોતાની ભૂલનો બચાવ કરવાને બદલે એને સ્વીકારીને તે ફરી ન થાય એનું ધ્યાન રાખે તો કેવું ??

  •  અનંત પટેલ

  anat e1526386679192

 

Share This Article