ચંદ્રીકા યુવાનીમાં પગલાં માંડી ચૂકી હતી. તેની સુડોળ કાયા અને ઇશ્વરે આપેલા ખોબલે ખોબલે રૂપનું તેને ખૂબ અભિમાન હતું. વ્યક્તિ પાસે કશું ક સારુ હોય, કોઇના કરતાં કાંઇક વધારે હોય તો એનું ગૌરવ હોવું જોઇએ અભિમાન નહિ. ચંદ્રીકા બારમું ધોરણ પાસ કર્યા પછી કોલેજ કરવા ઇચ્છતી હોવાથી તેની મોટી બહેન જયાને ત્યાં રહીને ભણતી હતી, જયાનો પતિ મેહુલ એટલે કે ચંદ્રીકાના જીજાજીને એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ઓફિસર તરીકેની જોબ હતી. પાંત્રીસ વરસનો મેહુલ ગોરો ફૂટડો યુવાન હતો. જયા અને મેહુલ ખુશી ખુશીથી એમનું જીવન વીતાવતાં હતાં. કોઇને કશી ફરિયાદ ન હતી. જયાની બેબી સ્વીટી સીનિયર કે, જી. માં હતી. જયાને બીજી ત્રણ બહેનો હતી, તેમાં ચંદ્રીકા એટલે કે ચંદરી સહુથી નાની હતી. ચંદ્રીકા કોલેજમાં દાખલ થઇ તેના એકાદ મહિના બાદ જયાના ઘેર લેન્ડ લાઇન ફોન પર બ્લેન્ક કોલ્સ આવવા લાગ્યા. ઘંટડી વાગે, ફોન ઉપાડો તો કોઇ બોલે જ નહિ. ચંદ્રીકા ફોન ઉપાડે તો પણ કોઇ બોલે જ નહિ. જયા અને ચંદ્રીકા કંટાળી ગયાં. તેમણે મેહુલને વાત કરી. મેહુલને પહેલાં તો નવાઇ થઇ,પણ પછી એને ખ્યાલ આવ્યો કે ચંદ્રીકાને કારણે કદાચ કોઇ છોકરાઓ આવું કરતા હોઇ શકે છે. તેને કોલર આઇડી નંખાવી દેવાનું વિચાર્યુ કે જેથી કરીને કોઇ ફોન કરીને મૂકી દે તો પણ તેનો નંબર તો જાણી શકાય… પણ પછી એણે એ આઇડીયા પણ પડતો મૂક્યો અને એક પી.એસ.આઇ.તેનો મિત્ર હતો તેની મદદથી ટેલિફોન ખાતા પાસેથી એ ફોન જેમના તરફથી આવતા હતા તેમને શોધી કાઢીને તેમની સારી એવી ધોલાઇ કરવી દીધી.
આ ઘટના પછી આવા ફોન સદંતર બંધ થઇ ગયા. પરંતુ તે દિવસ પછી ચંદ્રીકાના મનમાં તેના જીજાજી પ્રત્ય એક પ્રકારની માનની લાગણી પ્રગટી. તે વારે વારે કશાક વિચારોમાં ખોવાઇ જવા લાગી. મેહુલજીનું વ્યક્તિત્વ, તેમની વાત કરવાની શૈલી, તેમની ચાલ, રીત ભાત અને તેમનાં કપડાંની પસંદગી વગેરેનું ચંદ્રીકા જાણે કે બારીકાઇથી નિરીક્ષણ કરવા લાગી. તમને કોઇના પ્રત્યે માનની લાગણી જન્મે તો પછી તે વ્યક્તિના જીવનની અન્ય બાબતો જાણવાની તમને જિજ્ઞાસા થતી હોય છે. ચંદ્રીકા એટલે કે ચંદરી તે પછી તો બસ જીજાજીના ખયાલોમાં ખોવાવા લાગી. એક જ ઘરમાં રહેતી હોવાથી તે જીજાજીનું વધુને વધુ સાનિધ્ય ઝંખવા લાગી. તેને ખબર નહોતી પડતી કે તેના દિલમાં શું થઇ રહ્યું છે ?? બસ તેને મેહુલજીની હાજરી ગમવા લાગી હતી. રાત્રે તે પોતાના રૂમમાં સૂતી હોય ત્યારે મોટીબેન અને જીજાજી બહાર વરંડામાં હીંચકે બેઠાં હોય ત્યારે તેને તેમની પાસે જવાનું મન થઇ આવતું. તે કશુંક બહાનું કરીને મોટીબેન પાસે આવી જતી.
મેહુલ ચંદરી સાથે બહુ વાત ચીત કરતો નહિ. ચંદરી તેની સાળી હોવાને લીધે ક્યારેક મજાક મશ્કરી કરતી પણ મેહુલ એમાં વધારે રસ લેતો નહિ. ચંદરી મોટીબેનને સવારે ઉઠવામાં મોડું થયું હોય તો પોતે બધુ કામ કરી નાખતી. જીજાજી નહાઇ ધોઇ પરવારીને છાપુ વાંચતા બેઠા હોય તો તે પણ તેમની પાસે જઇ છાપુ વાંચવા બેસે, કંઇક વાત કરવાની કોશિશ કરે. જીજાજીનું ધ્યાન તેની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતી. જીજાને પૂછીને તેમને ભાવતી આઇટમ બનાવવા માગે તો મેહુલ કહે,
” ચંદરી, તું શું કામ આટલું બધુ મારું ધ્યાન રાખે છે ?? તારી મોટીબેનને પૂછીને જે કરવું હોય તે કર..”
મેહુલના આવા જવાબથી ચંદરી ડઘાઇ જતી. તેને કશોક અજ્ઞાત ભય ઘેરી વળતો. તો ય પાછી તે સ્વસ્થ થઇને બોલતી,
” અરે એવું તે હોય જીજાજી, તમારા ઘરમાં રહું છું તો તમારી સેવા કરવાની મારી પણ ફરજ બને છે હોં…”
ચંદરી મલકાતી. ઉછળતી કૂદતી હરણબાળ જેવી ચંદરી ધીમે ધીમે મેહુલમય બનતી જતી હતી. તેને પોતાની અને જિજાજીની ઉંમરનો તફાવત પણ દેખાતો ન હતો. મેહુલ પ્રત્યેની માનની લાગણીએ તેના દિલનો પ્રવાહ બદલી નાખ્યો હતો. એ પ્રવાહ હતો કદાચ પ્રેમનો પ્રવાહ…… કદાચ ચંદરી જીજાજીને એકપક્ષીય રીતે ચાહવા લાગી હતી. એ કોલેજમાંથી ઝટ ઘરે આવી જતી. એની ફ્રેન્ડ્ઝ સાથે હરવા ફરવાનું તેણે ઓછું કરી દીધું હતું. ઘરમાંથી દીદી કશુંક લેવા બહાર ગઇ હોય ત્યારે તે જીજાજી પાસે ગમે તે બહાનું કરીને જઇ આવતી. પણ મેહુલ જાણે કે બરફનો પહાડ જેવો હતો.ચંદરીને થતું કે મારું આટલુ રૂપ છે, હું એમની સાથે વાત કરવા ઝંખી રહું છું છતાં એ તો મારી સામે જોતા જ નથી…એણે તો એની ફ્રેન્ડ્ઝ પાસેથી સાંભળ્યું હતું કે પુરુષો તો લગભગ લબડું જ હોય છે, એક જોરદાર સ્માઇલ આપો તો ઢગલો થઇને ભોંય પર ઢળી પડે !!! પણ અહીં કંઇક જૂદો જ અનુભવ હતો. શું મેહુલને ચંદરીનું રૂપ અસર કરે તેમ ન હતું ? મેહુલ કોઇ લાગણી સમજી શકે તેમ ન હતો ?? ચંદરીએ ઘણા જૂદા જૂદા પ્રયત્નો કર્યા પણ તે જીજાજીની વધારે નજીક ન આવી શકી. જો કે મોટીબેનના ઘરમાં રહીને તે મોટીબેનના પતિ ઉપર આવી નજર રાખતી હતી એ તેને કઠતું હતુ. પણ તેનું મન માનતું ન હતું. પેલું કહ્યું છે ને ” કે દિલ તો પાગલ હૈ…” દિવસો વીતતા ગયા. ચંદ્રીકા કોલેજમાં તો જવા ખાતર જતી . પોતે આટલી રૂપાળી હોવા છતાં જીજાજી તેની અવગણના કરે એ તેનાથી સહેવાતું ન હતું.
જીજાજી પ્રત્યેની માનની લાગણી પ્રેમમાં પરિણમી હતી ને તે પછી હવે તો એ લાગણી જીજાજી દ્વારા એની થતી સતત અવગણનાને લીધે વિદ્રોહમાં ફેરવાઇ ગઇ હતી…એ કોઇપણ ભોગે મેહુલ નામના શિખરને સર કરવા માગતી હતી.
શ્રાવણના સરવરિયા ચાલુ હતા. કૃષ્ણપક્ષની રાત હતી. દીદી સ્વીટીને લઇને નજીકના મંદિરમાં ચાલતાં ભજન સાંભળવા ગઇ હતી. ચંદરી માથુ દુખે છે તેમ જણાવી દીદી સાથે ગઇ ન હતી. મેહુલ તેના રૂમમાં કોઇ નવલકથા વાંચતો હતો. બહાર ધીમે ધીમે વરસતો વરસાદ એકદમ વધી ગયો. આકાશમાં વીજળી પણ ઝબકવા લાગી… વાતાવરણ એકદમ તોફાની થઇ ગયુ. આવા વાતાવરણમાં ચંદ્રીકાએ જીજાજીને બૂમ પાડી,
” જીજાજી, જીજાજી….”
ચંદરીની ચીસ સાંભળી તરત જ મેહુલ દોડતો એના રૂમમાં ગયો.. ચંદરી જાણે કે ગભરાયેલી હતી. તે કંપતાં કંપતાં બોલી,
” જીજાજી, મારી દીદીને બોલાવી લો મને ગભરામણ થાય છે મને ડર લાગે છે અહીં મારી પાસે બેસો…” એમ બબડતાં તેણે મેહુલનો હાથ પકડી તેને તેની બાજુમાં પલંગમાં બેસાડી દીધો.
બહાર આકાશમાં એક જોરદાર કડાકો થતાં તે જીજાજીને વળગી પડી…. થોડીવાર તે એમ જ રહી…તેને કદાચ પોતાની જીત થતી હોય તેમ લાગ્યું…ત્યાં તો મેહુલે સ્વસ્થ થઇ તેને એકદમ દૂર હડસેલી ને ધડાધડ કરતા બે તમાચા તેના ગાલ પર ઠોકી દીધા, ને ગુસ્સે થઇને બોલ્યો,
” તને કંઇ ભાન છે કે નહિ ?? તારી બેનનું જ ઘર તારે ભાંગવું છે ? ચાલી જા તું અહીંથી; અત્યારે જ તું આ ઘરમાંથી નીકળી જા….”
ચંદરી સ્તબ્ધ થઇ ગઇ. એકદમ રડી પડી. રાત્રે કે બીજા દિવસે એણે કે જીજાજીએ એની દીદી સાથે કશી ચર્ચા ન કરી અને કશી ચોખવટ કર્યા વિના એને હવે અહીં બહુ ફાવતું નથી એમ જણાવી એ ગામડે ચાલી આવી. એણે કોલેજનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. આજે તો ચંદરી પરણીને સાસરે છે અને એ જ્યારે જ્યારે મેહુલ જીજાને મળે છે ત્યારે શરમથી તેની નજરો નીચી ઢાળી દે છે…
અનંત પટેલ