મનોજનું લગ્ન રંગે ચંગે થઇ ગયું. તેની પત્ની દીપિકા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી હતી અને ખૂબ જ સરસ સ્વાભાવની હોવાથી એના સાસરામાં સારી રીતે સેટ થઇ રહી હતી. એના સસરા એટલે કે મનોજના પપ્પા પેન્શનર હતા. પચીસેક હજારનું પેન્શન આવતું હતું.
મનોજને એક ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકેની નોકરી હતી. પગાર પણ સારો હતો. સરસ રીતે આ ઘરનું જીવન ચાલતું હતું. કોઇને કંઇ જ તકલીફ હતી નહિ ત્યાં જ;
– અચાનક ઘરની શાંતિમાં ભંગ પડ્યો…
– દીપિકાથી એનાં સાસુ સસરા નારાજ થઇ ગયાં,
– મનોજે હજી નક્કી નહોતું કર્યં કે કોના પક્ષે જવું,
– દીપિકાએ એવું તે શું કર્યું કે બધાં નારાજ થઇ ગયાં ??
– ખાસ કંઇ હતું નહિ, દીપિકાએ પોતે મળે તો નોકરી કરવાની ઇચ્છા વ્યક્ત કરેલ…એટલું જ
– ને બસ આ ન ચાલે ન ચાલે..
તેનાં સાસુ સસરાએ સ્પષ્ટ કરી દીધુ કે આપણે ત્યાં તારે કાંઇ નોકરી કરવાની જરૂર નથી. અમારું પેન્શન અને મનોજનો પગાર જરૂર કરતા વધારે છે, પછી વહુએ શું કામ નોકરીએ જવું પડે ???. વળી આપણા કુટુંબમાં હજી કોઇએ વહુને નોકરી કરવા મોકલી નથી એ જોવાનું કે નહિ ?? શું પુરુષોમાં કમાવાની તેવડ નથી તે એમનાં બૈરાંને નોકરીએ મોકલવાં પડે ?? મનોજને મમ્મી પપ્પાની વાત પ્રથમ દ્રષ્ટિએ તો એકદમ સાચી લાગતી હતી, પણ દીપિકાને એ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છે, એની ટકાવારી ઉંચી છે, અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતી, ને એ જો પ્રયત્ન કરે અને એને કોઇ સરકારી ઓફિસમાં કે કોઇ બેંન્કમાં જોબ મળે તો એમાં કશું ખોટુ ન હતું. મનોજ દીપિકા સાથે સહમત હતો પણ તો ય એણે થોડા દિવસ દીપિકાને શાંતિ રાખવા જણાવ્યુ…અને સાથે સાથે કોઇ જાહેરાત આવે તો એમાં ઉમેદવારી પત્ર – અરજી ફોર્મ ભરવાની પણ છૂટ આપી. દીપિકા મનોજ એની સાથે છે એમ જાણીને ખુશ થઇને એનું બધું કામ કરે જતી હતી. સાસુ સસરા જાણે નહિ એ રીતે એણે મનોજની મદદથી એક બે જાહેરાતો જોઇ એનાં ફોર્મ પણ ભરી દીધાં. એમાં પાછી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોવાથી એની તૈયારી પણ કરવી જ પડે. એટલે ઘરનું બધું કામ પતાવ્યા પછી એ એના રૂમમાં જઇ મનોજે લાવી આપેલ પુસ્તકો વાંચતી, ને પછી રાત્રે એમના રૂમમાં મનોજના સૂઇ ગયા પછી એ પરીક્ષાની તૈયારી કરતી..
એવામાં બન્યું એવું કે એક દિવસ મનોજના મોટા પપ્પાનો પુત્ર રમેશ અને એની વહુ આરતી બંને જણ આરતીને સરકારી નોકરી મળી હોવાથી એની ખુશીના પેંડા આપવા આવ્યાં. મનોજનાં મમ્મી પપ્પા તો એમના મોટાભાઇએ દીકરાની વહુને નોકરી કરવાની છૂટ આપી છે એ જાણીને આંચકો ખાઇ ગયા…!!!!!!
” આવું ના બને, મોટાભાઇ આરતી પાસે નોકરી કરાવે જ નહિ…” એવું એ મનમાં બબડ્યા પછી ખુશ થઇ પેંડો ખાધો તો ખરો પણ પૂછ્યા વિના ન રહ્યા કે,
” તે ભઇ રમેશ, મોટાભાઇએ વહુને નોકરી કરવા દેવાની હા પાડી છે ???”
” હા કાકા, અત્યારના જમાના પ્રમાણે એમણે જ મને કહેલું કે વહુ તારે પણ નોકરી કરવી હોય તો તું ય ફોર્મ ભરે જ જજે….અને સારી નોકરી મળતી હોય તો કરજે….. એટલે મેં ફોર્મ ભરીને પરીક્ષા આપી, ને મારું નસીબ સારુ તે નોકરી ય મળી ગઇ..!!!! ”
રમેશના બદલે આરતીએ જ જવાબ આપ્યો. ને પાછું એણે ઉમેર્યું ય ખરું,
” હું તો આપણી દીપિકાને ય કહેવાની જ છું કે એ તો ડબલ ગ્રેજ્યુએટ છે તો એ તો નોકરી માટે પ્રયત્નો કરવા જ લાગે… ક્યાં ગઇ અલિ દીપિકા ..” બોલતી બોલતી આરતી તો રસોડામાં જ્યાં દીપિકા રસોઇ કરતી હતી ત્યાં પહોંચી ગઇ……..
એકાદ કલાક પછી ચા પાણી કરીને રમેશ અને આરતી તો જતાં રહ્યાં પણ,
– એક નવો વિચાર આ ઘરમાં મૂકતાં ગયાં,
– વહુને નોકરી મોકલી શકાય એવો નવો વિચાર…
– મનોજે અને દીપિકાએ રાત્રે મમ્મી અને પપ્પાને શાંતિથી આરતી ભાભીનું ઉદાહરણ આપીને તેમની વાત મૂકી,
– વહુ નોકરી કરે તો એમાં કશું ખોટુ નથી,
– પત્ની નોકરી કરતી હોય તો એ નોકરી કરતા પતિને વધારે સારી રીતે સમજી શકે છે,
– એના પગારની આવકથી ઘરની આવક વધે છે એ તો મોટો લાભ છે જ,
– અમુક કામ એકના બદલે બે કામવાળી રાખીને પણ કરાવી શકાશે..
– ક્યારેક કોઇ કુદરતી આફત આવી પડે અને ઘરના કમાતા પુરુષને કંઇ આંચ આવે તો નોકરી કરતી પત્ની એ સમયે મોટો સહારો બની જાય છે.
મનોજનાં મમ્મી પપ્પા જે પહેલાં વહુને નોકરી કરાવવાના મતનાં ન હતાં તે આરતીનો દાખલો જોઇ મનોજ અને દીપિકાની વાત સાથે સંમત થયાં… દીપિકા તો રાજી રાજી થઇ ગઇ એને લાગ્યુ કે એનાં સાસુ અને સસરા સાવ જીદ્દી અને જડ નથી. એ મનોમન બંનેને વંદન કરીને હવે પરીક્ષા માટે બમણી મહેનતમાં લાગી ગઇ.
ખરેખર આજના યુગમાં જ્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષને સમકક્ષ બની ચૂકી છે ત્યારે તેને ઘરમાં પૂરી રાખવાને બદલે ઘરની માન મર્યાદા સચવાય એ રીતે નોકરી કરવા જવા દઇએ તો એ એક આવકાર્ય પગલુ ગણાશે…