બાળપણના દિવસો પણ ક્યારેક યાદ આવી જાય છે હોં.. નવમા ધોરણમાં અમે આવ્યા ત્યારથી જ શું ખબર અમારા ખેડૂની દીકરી રમલીને જોતાં જ દિલમાં કશીક અવનવી ઝણઝણાટી જેવું મને અનુભવાતું …. એ અમારી સ્કૂલમાં ભણવા તો નહોતી આવતી પણ હું ને મારો એક ભાઇબંધ રોજ સાંજે ખેતરમાં એને જોવા થકી જ આંટા મારવા જતા જ રહેતા..
– યુવાનીના આરંભના સાવનની કમાલ કેવી હોય છે ?
– બધુ બહુ ગમવા લાગે …
-હ્ર્દયમાં નવી નવી ઉર્મિઓ દરિયાકિનારે પછડાતાં મોજાંની જેમ ઉછળવા લાગે..
મારી બા બહુ હોંશિયાર …એણે અમારી દિનચર્યામાં આવેલ ફેરફાર નોંધી લીધો હતો એટલે જ અમે સાંજે જેવા ખેતર તરફ જવા નીકળીએ કે એ તરત બે ત્રણ સૂચનાઓ આપી દેતી,
– “બહુ મોડુ ના કરતા નકર અંધારુ થશે તો તમને બીક લાગશે..”
– “રસ્તામાં કોઇની જોડે કાંઇ લપ્પન છપન ના કરતા,”
– ” સીધા આપણા જ ખેતરે જજો ને પછી સીધા પાછા આવી જજો.”
પણ મારી બાને એ વાતની તો ખબર જ નહોતી પડી કે અમે બીજાના ખેતરમાં તો જતા જ ન હતા કેમકે અમે તો ફક્ત અમારા ખેડૂ પૂંજાકાકાની છોકરી રમલીને જોવા જતા હતા. . છોકરો કે છોકરી ચૌદ પંદર વર્ષની ઉંમરે પહોંચે તે પછી તેમનામાં વિજાતીય આકર્ષણ જન્મતું જ હોય છે, એ ન્યાયે રમલીને જોવામાં મને અને મને જોવાનું કદાચ રમલીને પણ ગમતું હશે એવું મને એના હાવભાવ પરથી જણાતું હતું. ખેર,….. દિવસો વીતતા ચાલ્યા… હું તો રોજ એને જોવા ખેતરમાં જવા લાગ્યો , પછી તો એ કોઇકવાર એના બાપા સાથે કશાક કામસર અમારા ઘેર આવતી તો મને મારી બાને એને અમારા ઘેર રોકી લેવા માટે કહેવાનું મન થઇ જતુ, પણ હું કહી શકતો નહિ…ને એમનું કામ પૂરુ થતાં એ ચાલી જતી ને હું નિસાસા નાખતો જ રહી જતો… હું તો એને જૂદાં જૂદાં કામ કરતી જોતો ને પછી એ કામ કરતી વખતની એની અદાઓને વાગોળ્યા કરતો… એ સમયે છોકરીઓ માત્ર ચણિયો ને બ્લાઉઝ જ પહેરતી, સાડી પહેરવાને બદલે ખભા ઉપર એકાદ નાનો રગબેરંગી કપડાનો ટૂકડો યાદ આવે તો નાખતી, બાકી તો એ એમ જ ચાલી આવતી, પણ મને ખ્યાલ છે કે એ વખતે ગામના અન્ય મારાથી મોટા જુવાનિયા કે બીજા વડીલ કોઇ છોકરી ગમે તેમ કપડાં પહેરીને ફરતી હોય તો પણ એને કુદ્રષ્ટિથી જોતા નહિ… જો કે મારો કિસ્સો કદાચ કુદ્રષ્ટિને બદલે એક જુગુપ્સા અથવા તો તરુણાવસ્થાનો હતો……..એમ કહી શકાય, કેમ કે મને એના માટે બીજો કોઇ ખરાબ વિચાર ક્યારે ય આવેલો નહિ. પણ સાલું એના પ્રત્યે એ વખતે ગજબનું આકર્ષણ કઇ રીતે થઇ ગયેલું એ તો મને આજે પણ સમજાતું નથી.
એ ય પછી તો મારી જિજ્ઞાસાવૃત્તિ એ વખતે કદાચ એક પક્ષીય પ્રેમમાં પરિણમી હશે એવું મને આજે લાગે છે. એટલે તો પછી તો મને રમીલા સપનામાં દેખાવા લાગી….
– હું ખેતરમાં જઇ એને ઘાસ વાઢતી જોયા જ કરું
– ઉનાળાની મોસમમાં અમારા ખેતરમાં આવેલી ગોરસ આંબલી પરથી એ મને આંબલીઓ ઉતારી આપતી,
– કેરીની મોસમમાં એણે તો મને આંબા પર ચઢતાં ય શીખવાડી દીધેલું..
– આ બધી પ્રોસેસ દરમિયાન મને એના હાથ કે પગનો અજાણતાં જ થઇ જતો સ્પર્શ રોમાંચિત કરી મૂકતો..
એમ કરતાં મારો બારમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો થયો, હું સારા માર્ક્સથી પાસ થવાથી ને મને એંજીનીયરીંગ કોલેજમાં અમદાવાદ એડમિશન મળતાં મારે ગામ છોડવાનો પ્રસંગ આવ્યો…..મેં અમદાવાદ જવાના આગલા દિવસે એને મળીને નિખાલસતાથી મારી એના પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા વિચાર્યુ. હું મન મક્કમ કરીને અમારા ખેતરમાં એમને રહેવા માટે બનાવેલી કાચી ઓરડી પર જ મળ્યો, એ વખતે બીજું કોઇ હતું નહિ એટલે મને વાત કરવાની પણ મોકળાશ મળી–
— મેં એને ઘણી બધી વાતો કરી, એ મને ખૂબ જ ગમવા લાગી છે એ વાતનો પણ એકરાર કર્યો ને એને છોડીને અમદાવાદ ભણવા જવાનું ગમતુ નથી એ પણ કહ્યું તો એ બધું જ શાંતિથી મને સાંભળતી રહી, એ પગના અંગૂઠાના નખથી જ્યાં ઉભી હતી તે જમીનને સહેજ ખોતરવા લાગી પછી એકદમ સ્વસ્થતાથી બોલી ,
” હવે તમારે બીજું કશું કે’વાનું ના હોય તો હું તો તમને એટલું જ કહીશ કે આપણા બે જણનો સાથે રેવાનો કોઇ દા’ડે મેળ ના પડે, તમે ય મને તો ગમ્યા છો ને ગમતા જ રહેવાના, પણ તો ય કંઇ આપણા થી આ દુનિયાને ના ગમે એવું પગલું થોડુ ભરાય ?? તમે તમારું મન કાઠું કરીને શાંતિથી અમદાવાદ ભણવા જતા રેશો એ જ તમારા માટે હારુ ગણાશે… એટલે થાવ ઉભા ને મને કાયમને માટે ભૂલી ને કાલે હવારે અમદાવાદવાળી ગાડીમાં જો ના જતા રો તો તમને મારા સમ છે હોં….”
એના ચહેરા પર આ શબ્દો બોલતી વખતે એક અજબ પ્રકારનું તેજ ફેલાયેલું મને દેખાયેલું….
— વાહ કેવું ત્યાગનું તેજ ??
— જેને ચાહીએ એને દુ:ખી શીદ કરાય ?
બસ એ મારી અને રમલીની આખરી મુલાકાત… ત્યાર પછીના ત્રણેક માસ બાદ એ અમારું ગામ છોડીને કશાક કારણસર એના બાપુજીના ઘેર જતી રહેલી એવા સમાચાર મને મળેલા…….
વાતને વરસો વીતી ગયાં છે, હું મારા સાંસારિક જીવનમાં આજે સુખી છું, છતાં એક પ્રશ્ન મને સતત થાય છે કે રમીલાએ મને હિંમતથી અમદાવાદ જવાની શિખામણ આપેલ તે પછી એણે અમારું ગામ છોડી દેવાની જરૂર કેમ ઉભી થઇ હશે ?? શું એ મારો વિરહ નહિ વેઠી શકી હોય ?? કે કોઇએ એને એવી ફરજ પાડી હશે ??
હમણાં થોડા સમય પહેલાં જ મેં મારી રીતે એના વિશે જાણકારી મેળવી તો ખબર પડી કે એનાં મા બાપે એની ઇચ્છા વિરુધ્ધ કોઇ દારૂડિયા જોડે તેને પરણાવી દીધી હતી જ્યાં તેનું કમોત થયેલું…
હું રમીલાએ મારા માટે કરેલા ત્યાગને ક્યાંય સુધી મનમાં વાગોળતો રહ્યો… મનમાં થયુ, જીવનમાં ક્યું પાત્ર ક્યારે અને કેવી રીતે મળી જશે અને પછી તે શું આપી જશે એ આપણે કળી શકતા જ નથી, હજી ય બાળપણની એ સખિ મનને હચમચાવી જાય છે..એટલે જ તો કોઇકે કહેલું યાદ આવી જાય છે કે ” બસ ઇસીકા નામ જીંદગી હૈ ”
- અનંત પટેલ