અમદાવાદ : સહજ(સોસાયટી ફોર હેલ્થ ઓલ્ટરનેટિવ્ઝ), જીઆઇડીઆર(ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ) અને આનંદી(એરિયા નેટવર્કીંગ એન્ડ ડેવલપમેન્ટ ઇનીશીએટીવ) દ્વારા આયોજિત મહત્વના સેમીનારમાં ગુજરાતમાં ટકાઉ વિકાસ લક્ષ્યો(સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ)ની પ્રગતિની દેખરેખ રાખવી એસડીજી-૩ અને ૫માંથી પસંદગીના લક્ષ્યાંકો માટે સ્થિતિ વિશ્લેષણ અંગેના અહેવાલનું આજરોજ અમવાદમાં એએમએ ખાતે વિમોચન કરાયું હતું. સહજ સહિતની આ સંસ્થાઓ દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં હાથ ધરાયેલા સર્વે અને રિસર્ચમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
જે મુજબ, ગુજરાત સરકાર દ્વારા તેના આરોગ્ય વિષયક અંદાજપત્ર(બજેટ)માં સ્વાસ્થ્ય સેવાઓ અને સંભાળ માટે કરવામાં આવતી નાણાંકીય રકમની ફાળવણીનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬માં નાણાંકીય ફાળવણીનું આ પ્રમાણ કુલ બજેટના ૫.૫૯ ટકા હતુ, જે વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને ૫.૪ ટકા થયું હતુ, જયારે ૨૦૧૭-૧૮માં તો માત્ર પ.૦૩ ટકા રહ્યુ હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે, દરેક દેશ તેના જીડીપીના ઓછામાં ઓછા પાંચ ટકા આરોગ્યક્ષેત્રે માટે ફાળવવી જોઇએ પરંતુ ગુજરાતમાં આરોગ્યવિષયક બજેટનું પ્રમાણ કુલ બજેટના એક ટકા કરતાં પણ ઓછુ નોંધાયું છે. જે ગંભીર અને ચિંતાજનક કહી શકાય એમ સહજના ડાયરેકટર રેણુ ખન્ના, આનંદીના ડાયરેકટર જીવિકા શીવ અને ડો.તનિષ્ઠા સમન્તાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અહેવાલને છ વિભાગોમાં વિભાજીત કરાયો છે, જેમાં રાજયની પ્રોફાઇલ, નીતિ અને કાર્યક્રમ પર્યાવરણ, માતૃત્વ આરોગ્ય, મહિલાઓ અને છોકરીઓ વિરૂધ્ધ હિંસા, હાનિકારક અને પરંપરાગત પ્રથાઓ અને કોઇપણ પાછળ ના રહે એમ છ વિભાગોનો સમાવેશ થાય છે. આ અહેવાલમાં મહત્વની અને ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કેટલાક મુદ્દાઓ તો એવા છે કે, જેની પર સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવી છે, અથવા તો નજરઅંદાજ કરવામાં આવ્યા છે. અહેવાલના આધારે સરકારે સૌપ્રથમ તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને તંત્ર વચ્ચેનું યોગ્ય મીકેનીઝમ ગોઠવવાની તાતી જરૂર છે, ડેટા એકત્રિકરણ માટેની ચોક્કસ વ્યવસ્થા થવી જોઇએ, ગુજરાતમાં ડાકણપ્રથા જેવી બદીઓ સામે કાયદો બનવો જાઇએ, ખાસ કરીને યુવાઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારીની તકો પૂરતી માત્રામાં ઉપલબ્ધ બનાવવી જોઇએ..જો આ માંગણીઓની અમલવારી કરતું વ્યવસ્થાતંત્ર અને નેટવર્ક ગોઠવાય તો અહેવાલમાં સામે આવેલી સમસ્યાઓના સમાધાનકારી નિરાકરણમાં ઘણી મદદ મળી શકે. એમ સહજના ડાયરેકટર રેણુ ખન્ના, આનંદીના ડાયરેકટર જીવિકા શીવ અને ડો.તનિષ્ઠા સમન્તાએ ઉમેર્યું હતું.