અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના એક દિવસિય પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં આ આરોગ્ય સુવિધાઓ જનતાની સેવામાં સમર્પિત કર્યા હતા. જી.એમ.ઇ.આર.એસ કોલેજ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરનારુ ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું છે. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રીએ નવનિર્મિત ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ કોલેજની મુલાકાત લઇ તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. કેન્દ્રીયમંત્રી અમિતભાઇ શાહે હોસ્પિટલ પરિસરમાં હાજર આરોગ્ય કર્મીઓ-પ્રજાજનો વચ્ચે જઈ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈ પણ તકલીફ, ચેતા તંત્રના રોગના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પુટરાઇઝ્‌ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે. સોલા સિવિલ હોસ્પિટલના ઇએનટી ના વિભાગ હેઠળનો ધોરણ ૧૨ પછી સ્નાતક કક્ષાનો નવો આરોગ્ય સ્વાસ્થ્ય લક્ષી અભ્યાસક્રમ બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી આ એક પેરામેડિકલ કોર્સ છે. જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષ સાથે ૧ વર્ષની ઇન્ટર્નશીપ છે. જેમાં દર વર્ષે ૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. સોલા સિવિલ હોસ્પિટલમાં બ્લોક “સી” સામે શરુ કરાયેલ “આહાર કેન્દ્ર”માં હોસ્પિટલમા દાખલ દર્દીના સ્વજનોને સવારે ૯થી બપોરે ૧ વાગ્યા સુધીમાં વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Share This Article