વિકાસગાથામાં ગુજરાત અગ્રેસર છે તેનો વધુ એક દાખલો આજે જાેવા મળ્યો હતો. તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર બીજાે અને ગુજરાતનો પહેલો એર ફિલ્ડ રબર ડેમ બનશે. જેનું ખાતમુહૂર્ત આજે મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય મોહન કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદી ઉપર ૭૯.૯૨ કરોડના ખર્ચે બનવા જઈ રહેલા ‘એર ફિલ્ડ રબર ડેમ‘નું ખાતમુહૂર્ત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકો કે જેમાં વરસાદ તો ખુબ જ પડે, પરંતુ પાણી વહી જતા અહીંની જનતાએ સિંચાઈ તેમજ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે સરકાર દ્વારા બનવા જઈ રહેલા ગુજરાતના સૌપ્રથમ રબર ડેમનું ખાતમુહૂર્ત આજે કરાયું છે. ૭૯.૯૨ કરોડના ખર્ચે અંબિકા નદી પર બનવા જઈ રહેલા એર ફિલ્ડ રબર ડેમની લંબાઈ ૩૮૬ મીટર જેટલી રહેશે. જ્યારે તેમાં ૩.૫૦ એમસીએમ પાણીના જથ્થાનો સંગ્રહ કરી શકાશે અને ૬૫૦ હેકટર જમીનને સિંચાઈનું પાણી મળી શકશે.
મહત્વનું છે કે, આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી કુવા અને બોરના પાણીના સ્તર ઊંચા આવશે. રબર ડેમ કે જેને હવા ભરેલા ડેમ પણ કહેવામાં આવે છે. સ્ટીલ ગેટેડ એર ફિલ્ડ રબર ડેમના નિર્માણમાં એક ખાસ પ્રકારના કુત્રિમ રબરનો ઉપયોગ કરવામાં આવે છે. જે કોંક્રિટના બનેલા બેઝ સાથે જાેડાયેલું હોય છે. નદીમાં વધારે પાણીનો પ્રવાહ આવતાની સાથે જ ડેમ નીચે જતો રહે છે અને ફોર્સમાં આવતું પાણી અને કાંપ નીકળી જાય છે અને પાણીનો પ્રવાહ ઓછો થતાં જ તે મૂળ સ્વરૂપમાં આવી જઈને પાણીનો સંગ્રહ કરે છે. આ ડેમ ૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ સારી રીતે કામ કરી શકે છે. તેની ડિઝાઈન લાઈફ ૩૦ વર્ષની હોય છે. જેનું સ્ટીલ ગેટેડ વિયર કરતા મેઈન્ટનન્સ ઘણું ઓછું હોય છે. મંત્રી બાવળિયાના તાપી જિલ્લાના પ્રવાસ દરમ્યાન ડોલવણ ઉપરાંત સોનગઢ અને નિઝર તાલુકામાં પણ અનેક પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરાવા જઈ રહ્યા છે.