ગુજરાતની ગણના દેશના મોખરાના રાજ્યમાં કરવામાં આવે છે, પરંતુ સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાની કરવામાં આવે તો તેમાં ગુજરાતની સ્થિતિ ખાસ ઉત્સાહજનક નથી. ગુજરાતમાં ગત વર્ષે સ્વાઇન ફ્લૂના સૌથી વધુ ૭૭૦૯ કેસ નોંધાયા હતા. ૨૦૧૮ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ સ્વાઇન ફ્લૂના ૩૬થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.
૭ એપ્રિલે ‘વર્લ્ડ હેલ્થ ડે’ છે ત્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં ગત વર્ષે નોંધાયેલા ૭૭૦૯ કેસમાંથી ૪૩૧ લોકોએ સ્વાઇન ફ્લૂ સામેના જંગમાં જીવનની બાજી ગુમાવી હતી. આમ, ગત વર્ષે સ્વાઇન ફ્લૂ સામે મૃત્યુદર ૫.૫૯ હતો. જેની સામે આ વર્ષે માર્ચ મહિના સુધીમાં સ્વાઇન ફ્લૂના નોંધાયેલા ૩૬ કેસમાંથી ૬ના મોત થયા છે. જેના કારણે ૨૦૧૮ના વર્ષમાં સ્વાઇન ફ્લૂ સામે ગુજરાતમાં મૃત્યુદર ૧૬.૬૭ છે. ગત વર્ષે સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.
મહારાષ્ટ્રમાં ગત વર્ષે સ્વાઇન ફ્લૂના ૬૧૪૪ કેસમાંથી ૭૭૮ના મોત થયા હતા. ગુજરાતમાં ૨૦૦૯ના વર્ષમાં સ્વાઇન ફ્લૂ સામે સૌથી વધુ ૧૨૫ વ્યક્તિએ જીવનની બાજી ગુમાવી હતી અને આ જ વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યા હતા. ૨૦૧૫ના વર્ષમાં સ્વાઇન ફ્લૂના નોંધાયેલા ૭૧૮૦ કેસમાંથી સૌથી વધુ ૫૧૭ જ્યારે ૨૦૧૬ના વર્ષમાં ૪૧૧ કેસમાંથી ૫૫ના મોત થયા હતા.