ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જ નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્ય સ્તરે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે ગ્રામીણ મહિલાઓને માત્ર લાભાર્થી નહીં, પણ રાજ્યના વિકાસમાં સક્રિય આર્થિક ભાગીદાર બનાવવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન બન્યા પછી, નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યા અને ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના પ્રયત્નો કર્યા છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મુદ્રા યોજના, લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં નમો ડ્રોન દીદી આજે માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પ્રગતિના નવા આકાશમાં ઉડવાની તક આપતું એક મંચ બની છે. જેના થકી રાજ્યની મહિલાઓના આર્થિક સમુદ્ધિનો માર્ગ મોકળો થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. ગુજરાતની આ ૫૮ ડ્રોન દીદીઓએ રાજ્યના ૭,૦૦૦થી વધુ ખેડૂતોની ૧૮,૦૦૦ એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂ. ૫૫ લાખથી વધુની આવક મેળવી છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલીક ફર્ટીલાઇઝર કંપનીઓ દ્રારા પોતના CSR ફંડમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં IFFCO દ્વારા ૧૮, GNFC દ્વારા ૨૦ અને GSFC દ્વારા ૨૦ એમ કુલ મળી ૫૮ ડ્રોન તથા ૫૮ મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
આગામી એક વર્ષમાં ગુજરાતના સખી મંડળની વધુ ૧,૦૨૪ બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં એક “ડ્રોન દીદી” કાર્યરત કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં નવી ૧,૦૨૪ ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રસાયણિક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ ઘટશે તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.
યોજના હેઠળ મળવાપાત્ર સહાય
નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનોને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA )ની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ૧૫ દિવસની ડ્રોન પાઇલટની ઘનિષ્ટ તાલીમ ઉપરાંત ડ્રોનની ખરીદીમાં ૮૦ ટકા સબસીડી સહાય તેમજ બાકીની ૨૦ ટકા લોનની રકમ ઉપર ૩ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. એડવાન્સ ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.
ડ્રોન દીદી બનવા માટેની લાયકાત
સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે. મહિલાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. મહિલાએ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને DGCA માન્યતા પ્રાપ્ત ડ્રોન પાઇલટ તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ DGCA પાસેથી રિમોટ પાઇલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે.
મહિલાઓને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ કરાવીને તેમને આત્મનિર્ભર બનાવવા, ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવા તથા પાકની ગુણવત્તા વધારીને ખેડૂતોની આવક વધારવા માટે વડાપ્રધાનશ્રીએ મહત્વકાંક્ષી નમો ડ્રોન દીદી યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા મહિલાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશે અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકશે.