ગુજરાતની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટેકનોલોજીના ઉપયોગ સાથેની વિશેષતાઓ:
ગુજરાત રાજ્યમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે.
તેના અભ્યાસ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સરાહના કરવામાં આવી છે.
- આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે.
- CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે.
- Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે.
- ગુગલના નકશાના ઉપયોગથી બનાવના સ્થળ અને નિકટની સવલતોનો ઝડપી સંચાર મળી રહે છે
- LAN/WAN લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ શકય બને છે.
- GPS ટેકનોલોજીથી સજ્જ રેસકયુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવર જવરનું સમયબદ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઇ શકે છે.
- એન્ડોઇડ બેઝ‘‘૧૮૧ અભયમ એપ્લિકેશન’’ના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે.
- આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
- રાજ્યમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે.
- રાજ્ય સરકારની મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા છે.
- ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
- મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે.
- પ્રત્યેક કોલનું માળખાગત બેક ઓફિસ દ્વારા ફોલોઅપ અને સંતોષકારક સમસ્યાનું નિવારણ થાય છે.
- બહુહેતુક યોજના જેમાં મહિલાને કેન્દ્રમાં રાખી તમામ પ્રકારની સંકલિત મદદ મળી રહે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ‘‘૧૮૧ હેલ્પલાઇન’’ની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય મહિલા આયોગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ‘‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’’ ૪ ફેબ્રુઆરી, ર૦૧૪ના રોજથી આ સેવા તાલિમબદ્ધ મહિલા કાઉન્સેલર સાથે ૪પ રેસ્કયુ વાન સહિત 24×7 સમગ્ર રાજ્યમાં કાર્યરત છે.
૪,૦પ,૬૦ર કરતાં વધારે મહિલાઓએ વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ માર્ગદર્શન માટે ૧૮૧ હેલ્પ લાઇનની મદદ લીધી છે તેમજ તાકિદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસકયુવાન સાથે કાઉન્સિલર જઇને ૮ર,૩પ૩ જેટલી મહિલાને મદદ પુરી પાડેલ છે.
પ૦,૯રપ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ મુલાકાત અને કાઉન્સેલિંગ કરી કેસનો નિકાલ કરેલ છે. ૨૪,૨૦૬ જેટલી મહિલાની સમસ્યા ગંભીર મપ્રકારની ધ્યાન ઉપર આવતા તેને પોલીસ સ્ટેશન, નારીગૃહ, હોસ્પિટલ, એનજીઓ, પ્રોટેકશન ઓફિસર, મફત કાનૂની સલાહ કેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ સુધી રૂબરૂ રેસકયુવાન દ્વારા પહોચાડી લાંબાગાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ રૂપ બનેલ છે.
રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુકત અને ત્વરિત પહોંચાડવા માટે ડીજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાનો લાભ મહિલાને મુશ્કેલ સ્થિતિમાં સત્વરે અને અદ્યતન ટેકનોલોજી મારફતે મળી રહે તે માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવાની અદ્યતન ‘‘મોબાઇલ એપ્લિકેશન’’ અનેકવિધ ફાયદા સાથે તૈયાર કરવામાં આવી છે.