દરેક રાજ્ય માટે માતૃભાષા એ ગૌરવની બાબત હોય છે. ગુજરાત સરકારે ગઈ કાલે તારીખ ૧૪ માર્ચના રોજ મોટો નિર્ણય લઈને રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2018-19થી ધો.1 અને ધો.2માં ગુજરાતી વિષયના અભ્યાસને ફરજીયાત કરી દીધો છે. માતૃભાષા બચાવવા લેવામાં આવેલ આ નિર્ણય અંતર્ગત જુદા જુદા બોર્ડ GSHSEB, CBSE, ICSE અને બીજા પણ ઇન્ટરનેશનલ બોર્ડ તેમજ તમામ અંગ્રેજી શાળાઓનો પણ સમાવેશ થાય છે.
આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ‘આગામી જૂનથી ચાલુ થતા શૈક્ષણિક વર્ષ 2018-19થી રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના શિક્ષણને ફરજીયાત બનાવાયું છે. ધોરણ 1 અને ધોરણ 2માં આ વિષયને ફરજીયાત કરાયો છે જ્યાં વિદ્યાર્થીઓને ભાષાનું પ્રાથમિક જ્ઞાન અપાશે. ત્યારબાદ તબક્કાવાર ધોરણ 3 થી ધોરણ 8 સુધી ગુજરાતી ભાષાને ફરજીયાત બનાવવામાં આવશે.’ તેમણે વધુમાં કહ્યું કે ‘આ પગલાથી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારશે કેમ કે રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા શીખશે અને ગુજરાતીમાં વાત કરશે. રાજ્ય સરકારે આ પગલું દેશના અન્ય રાજ્યો કે જેમાં સ્થાનિક ભાષાના શિક્ષણને પ્રાથમિક શાળામાં ફરજીયાત બનાવાયું છે તેની પ્રેરણાથી લીધું છે.’ શિક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે, ‘આ નિર્ણયથી માતૃભાષા ગુજરાતીનું સ્તર પણ સુધરશે.
તો ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાના પ્રચાર, પ્રસાર અને જાળવણી માટે પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી શિક્ષણ ફરજીયાત કરવાની માગણી સાથે PIL કરનાર માતૃભાષા અભિયાન ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે કહ્યું કે, ‘આ પગલાથી ગુજરાતી જ નહીં રાજ્યમાં ભણતા બિન ગુજરાતીઓ વચ્ચે પણ આપણી માતૃભાષાના પ્રચાર પ્રસાર કરવાની તક વધશે. જો વિદ્યાર્થી શાળામાં જ માતૃભાષા શીખે છે તો તે પોતાને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. જેમ સાયન્સનું મહત્વ છે તેમ ભાષાનું પણ પોતાનું આગવું મહત્વ છે.’